#Blog

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળ સંચયના અભિયાનથી પ્રેરાઈ બાંભણીયા ગામમાં માતૃ તર્પણનો અભિગમ માતાની સ્મૃતિમાં ચેકડેમ બનાવી જળ-ઋણ અદા કરતા સરપંચશ્રી લાલજીભાઈ ભુવા

શાસ્ત્રોમાં પિતૃ તર્પણનું અનેરું મહત્વ છે, પરંતુ કુકાવાવ-વડિયા તાલુકાના બાંભણીયા ગામે સામાજિક જવાબદારી અને પ્રકૃતિ ઋણ અદા કરવાનો એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સમગ્ર સમાજ માટે ઉદાહરણરૂપ બન્યો છે. બાંભણીયા ગામના સરપંચ શ્રી લાલજીભાઈ ભુવાએ તેમના માતૃશ્રીના અવસાન બાદ પરંપરાગત વિધિઓની સાથે પ્રકૃતિના સંરક્ષણ દ્વારા માતૃ તર્પણનો સંકલ્પ સિદ્ધ કર્યો છે. હિન્દુ ધર્મના નિયમ મુજબ ‘પાણીઢોળ’ની વિધિના પાવન અવસરે, લાલજીભાઈએ વિચાર્યું કે જે માતાએ આખી જિંદગી પંચતત્વ અને ધરતી માતા પાસેથી પાણી-ખોરાક મેળવી પરિવારનું ભરણપોષણ કર્યું છે, તે પ્રકૃતિનું ઋણ કેવી રીતે અદા કરી શકાય? આ માટે તેમણે ગામમાં વ્યર્થ વહી જતાં વરસાદી પાણીને રોકવા માટે ચેકડેમ બનાવવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. આ પ્રસંગે ગીરગંગા ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શાસ્ત્રો મુજબ પૂર્વકાળમાં રાજા સગરે પણ સુક્કા અને વેરાન પ્રદેશને હરિયાળો બનાવી પિતૃઓનું તર્પણ કર્યું હતું. નારદમુનિના સિદ્ધાંત મુજબ, જ્યારે કોઈ સુક્કી ધરતીને લીલોતરી અને જળથી સમૃદ્ધ કરે છે, ત્યારે તેના પિતૃઓને ખરા અર્થમાં મોક્ષ અને શાંતિ મળે છે. આ જ પરંપરાને અનુસરીને લાલજીભાઈએ આ ચેકડેમનું નિર્માણ કરીને માતૃ-કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સનાતન ધર્મના સિદ્ધાત પ્રમાણે સગર રાજાએ ગંગા અવતરણ માટે ચાર પેઢી એ પ્રયત્ન કરીને હિમાલય ના જુદા જુદા ઝરણા જોડીને હરદ્વાર થી કલકતા સુધી નો સૂકો અને વેરાન પ્રદેશ લીલીછમ તેવી જ રીતે બાંભલીયા ગામની સૂકીધરા ને હરિયાળી બનવાવા ખરા અર્થ માતૃ તર્પણા કરનાર લાલજીભાઈ ભુવાને ગીરગંગા પરિવાર તરફથી અભિનંદન. સામાન્ય રીતે મૃત્યુ બાદના ખર્ચાઓ પાછળ સામાજિક રિવાજો થતા હોય છે, પરંતુ બાંભણીયાના સરપંચે જળ સંચયનું આ કાર્ય કરી નવી રાહ ચીંધી છે.આ ચેકડેમ દ્વારા ગામના ભૂગર્ભ જળ ઊંચા આવશે અને ખેડૂતોને સિંચાઈનો લાભ મળશે. ગીરગંગા ટ્રસ્ટ વતી લાલજીભાઈ ભુવાના આ સરાહનીય કાર્યને બિરદાવવામાં આવ્યું છે અને અન્ય લોકોને પણ પોતાના પૂર્વજોની સ્મૃતિમાં આવા પર્યાવરણલક્ષી કાર્યો કરવા અપીલ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *