‘શિકાગો વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદઘાટન સમારોહમાં જૈન આચાર્ય લોકેશજીને વક્તા તરીકે આમંત્રણ
- જૈનાચાર્ય લોકેશજી જળવાયુ પરિવર્તન, વિશ્વ શાંતિ અને આંતર-ધાર્મિક સમરસતાનાં ત્રણ મહત્વનાં વિષયો પર પણ સંબોધન કરશે.
શિકાગોમાં 14 થી 18 ઓગસ્ટ દરમિયાન ‘વિશ્વ ધર્મ સંસદમાં’ 80 દેશોના 10 હજાર પ્રતિનિધિઓ ભાગ લેશે. શિકાગોમાં આયોજિત ‘વિશ્વ ધર્મ સંસદ’નાં ઉદ્ઘાટન સમારોહમાં ભારતના જાણીતા જૈન ધર્મગુરુ આચાર્ય લોકેશજીને મુખ્ય વક્તા તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સ્વામી વિવેકાનંદે વર્ષ 1893માં આ ‘વિશ્વ ધર્મ સંસદ’માં ભાગ લઈને સમગ્ર વિશ્વના આધ્યાત્મિક જગત પર વિશેષ છાપ છોડી હતી. તે સમયે વીરચંદ રાઘવજી ગાંધીએ પણ જૈન ધર્મ વતી ભાગ લીધો હતો. અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રનાં સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ પુષ્ટિ કરી હતી કે તેમને ‘વિશ્વ ધર્મ સંસદ’ તરફથી એક ઈમેલ મળ્યો છે જેમાં તેમને ઉદઘાટન સમારોહમાં વક્તા તરીકે તેમજ આયોજિત આંતરધર્મ પરિષદમાં વક્તા તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત તેઓ વધુ બે સત્રોમાં ક્લાઈમેટ ચેન્જ અને વિશ્વ શાંતિ વિષય પર પણ સંબોધન કરશે.
અહિંસા વિશ્વ ભારતી ફાઉન્ડેશન યુએસએના અધ્યક્ષ શ્રી અનિલ મોંગા, વિશ્વ શાંતિ કેન્દ્ર ભારતના અધ્યક્ષ શ્રી અભયકુમાર શ્રીશ્રીમલ અને જૈન સેન્ટર શિકાગોના પ્રમુખ શ્રી દિલીપ ગાંધીએ માહિતી આપી હતી કે પૂજ્ય જૈન આચાર્ય લોકેશજી ‘વિશ્વ ધર્મ સંસદ’માં ભાગ લેવા માટે 12 ઓગસ્ટ, શનિવારે સાંજે શિકાગો પહોંચશે.