આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા, શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ વિશ્વ શાંતિ અને સદભાવના માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના

વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિની રચના ઔપચારિક જાહેરાત પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવી
અહિંસા વિશ્વ ભારતી દ્વારા નવા નિર્માણ પામેલા વિશ્વ શાંતિ કેન્દ્ર ના ઉદઘાટન સમારોહમાં પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ અને હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજીની ઉપસ્થિતિમાં વિશ્વમાં શાંતિ અને સદભાવના સ્થાપવા માટે સંતોની રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય લેવાયો.
પ્રખ્યાત કથાવાચક પૂ. મોરારીબાપૂ એ આ પ્રસ્તાવ મૂક્યો કે વિશ્વ શાંતિ અને સદભાવના માટે અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીની અધ્યક્ષતામાં સંતોની રાષ્ટ્રીય સમિતિ રચવી જોઈએ, જેનો આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિ શંકરજીએ સમર્થન કર્યો. પૂ. બાપુએ જણાવ્યું કે આ સમિતિ માત્ર વિશ્વ શાંતિ જ નહીં, પરંતુ ભારતમાં ગૃહશાંતિ અને સદભાવના માટે પણ કાર્ય કરશે.
શ્રી શ્રી રવિ શંકરજીએ પ્રસ્તાવને સમર્થન આપતાં કહ્યું કે વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજી આ સમિતિનું નેતૃત્વ કરવા માટે યોગ્ય સંત છે. તેમણે કહ્યું કે જે સ્થળે યુદ્ધ અથવા સંઘર્ષ ચાલતો હશે, ત્યાં આ સમિતિ તાત્કાલિક જઈને સમાધાન માટે વાત કરશે. આ સમિતિના ગઠન માટે વિલંબ કરવો યોગ્ય નથી.
આચાર્યશ્રી લોકેશજી એ પ્રસ્તાવ સ્વીકારતાં કહ્યું કે પૂ. મોરારિ બાપૂ અને શ્રી શ્રી રવિ શંકરજીના માર્ગદર્શન હેઠળ ભારતના વિવિધ સંતોને આ સમિતિમાં સામેલ કરવામાં આવશે. તેઓએ ઉમેર્યું કે હું તો માત્ર એક ખીસકોલી સમાન છું, પણ મારી શક્ય તેટલી સેવાઓ આપવા તૈયાર છું. તેમણે જણાવ્યું કે હરિયાણાની ધરતી પરથી ગીતા ઉપદેશ ફેલાયો હતો, હવે પૂ. બાપૂના માર્ગદર્શન હેઠળ અહીંથી વિશ્વ શાંતિ અને સદભાવનાનો સંદેશ આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે એક માર્ગદર્શન મંડળ (ગાઈડન્સ કમિટી) બનાવવામાં આવે, જેમાં શ્રી શ્રી રવિ શંકરજી અને પૂ. બાપૂ પ્રથમ સભ્ય રહેશે અને બંને વિવિધ ધર્મોના મુખ્ય સંતોને આ સમિતિમાં જોડશે.
પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ એ આચાર્ય લોકેશજીની અધ્યક્ષતા અને શ્રી શ્રી રવિ શંકરજી તથા પૂ. મોરારી બાપૂના માર્ગદર્શન હેઠળ આ સમિતિની ઔપચારિક જાહેરાત કરી. હરિયાણાના મુખ્યમંત્રી શ્રી નાયબ સિંહ સૈનીજી સહિત મોટી સંખ્યામાં એકત્રિત થયેલા લોકોએ તાળીઓના ગડગડાહટ સાથે આ પ્રસ્તાવનું સ્વાગત કર્યું.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































