રાજકોટની ભાગોળે આવેલી કિશાન ગૌ શાળા દ્વારા તા. 27 જૂન, શુક્રવારના રોજ અષાઢીબીજ નિમિતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. ગૌ શાળા દ્વારા ગૌસેવા સિવાય પણ વિવિધ ગૌઆધારિત અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ યોજાતી રહે છે. કિશાન ગૌ શાળા દ્વારા દરેક વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પવિત્ર દિવસે એટલે કે તા. 27 જૂન, શુક્રવારના રોજ સાંજે 5:00 વાગ્યે રામદેવપીર મંદિરે ધ્વજારોહણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર અવસરે ધ્વજારોહણ બાદ સાંજે 6:00 વાગ્યે પ્રસાદ વિતરણ પણ થશે. દરેક ગૌપ્રેમી, દેશપ્રેમી અને ધર્મપ્રેમી જનતાને આ પવિત્ર પ્રસંગે ઉપસ્થિત રહેવા કિશાન ગૌશાળાના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. શુક્રવારે અષાઢી બીજના દિવસે ગૌઆધારિત પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગી દવાઓ, જેમ કે દાણાદાર ખાતર, ઘનજીવામૃત અને જીવામૃત દ્રવ્યો ઉપલબ્ધ રહેશે. સાથે સાથે ગૌઆધારિત ખેતી અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન પણ આપવામાં આવશે. કિશાન ગૌ શાળા દ્વારા “વૃક્ષો વાવો, વરસાદ લાવો – એક વૃક્ષ જરૂર વાવો” કાર્યક્રમ પણ સતત ચાલી રહ્યો છે. ગૌશાળાનું આ પગલું માત્ર ગાયોની સેવા સુધી મર્યાદિત નથી પરંતુ સમગ્ર પર્યાવરણની ભલાઈ માટે કાર્યરત છે. અત્રે ઉલેખનીય છે કે, રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે કિશાન ગૌશાળાનાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા હિન્દુ ધર્મમાં વર્ષ દરમ્યાન આવતા ધાર્મિક પ્રસંગો દરમ્યાન કિશાન ગૌશાળામાં ‘કામધેનુ ગૌ યજ્ઞ’ , ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવે છે સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, ‘કામધેનુ ગૌ યજ્ઞ’, ગૌ પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ભોજન-પ્રસાદ-ફળાહારની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ ઉજાગર કરવા માટે કરવામાં આવે છે. રાજકોટમાં આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































