ગૌકુલમ વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” પર પ્રેરણાદાયક વિશેષ સંવાદનું સફળ આયોજન

રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ તથા GCCI ના ફાઉન્ડર ચેરમેન ડૉ. વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) દ્વારા આયોજિત “ગૌકુલમ” વિશેષ સંવાદ સિરીઝ અંતર્ગત “ગૌ સેવા, પ્રજનન વિજ્ઞાન અને દેશી નસ્લોના ભવિષ્ય” વિષય પર મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના સભ્ય અને Gau Tech 2026 ની આયોજન સમિતિના સભ્ય ડૉ. નિતીન માર્કંડેય મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ વિશેષ સંવાદ દરમિયાન ડૉ. નિતીન માર્કંડેયજી એ પોતાના 35 વર્ષના પશુ ચિકિત્સા ક્ષેત્રના અનુભવ, વેટરિનરી ગાયનેકોલોજી અને ઓબ્સ્ટેટ્રિક્સ જેવા વિશિષ્ટ ક્ષેત્રોના શિક્ષક, વૈજ્ઞાનિક અને પ્રશાસક તરીકેના અનુભવો શેર કર્યા. તેમણે ગૌવંશ પ્રજનનમાં આજના સમયના વૈજ્ઞાનિક પડકારો, કૃત્રિમ ગર્ભાધાન અને કુદરતી પ્રજનન વચ્ચેના સંતુલન, તેમજ ડેરી અને ગૌશાળાઓમાં વધતી જતી સમસ્યાઓ પર વ્યાવહારિક માર્ગદર્શન આપ્યું. ચર્ચા દરમિયાન ગૌશાળા વ્યવસ્થાપન અંગે તેમણે આદર્શ ગૌશાળાના મૂળ તત્ત્વો, વૈજ્ઞાનિક પ્રજનન વ્યવસ્થાપનના અભાવથી થતી મુશ્કેલીઓ અને ગૌશાળાની આત્મનિર્ભરતા માટેના મોડેલો પર પ્રકાશ પાડ્યો. દેશી ગાયોની વર્તમાન સ્થિતિ, A2 દૂધનું મહત્વ અને આવનાર સમયમાં યોગ્ય નીતિ અને વૈજ્ઞાનિક અભિગમ અપનાવવાથી દેશી ગૌવંશનું ઉજ્જવળ ભવિષ્ય કેવી રીતે શક્ય છે તે પણ સ્પષ્ટ કર્યું.
ઉપરાંત મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગ સાથેના તેમના અનુભવ, સરકાર અને નીતિ નિર્માતાઓની જવાબદારી તથા Gau Tech 2026 જેવા રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમોની આવશ્યકતા પર ચર્ચા કરવામાં આવી. તેમણે જણાવ્યું કે આવા મંચો યુવા પશુ ચિકિત્સકો, સંશોધકો અને સ્ટાર્ટઅપ્સને યોગ્ય દિશા અને પ્રેરણા આપે છે.અંતમાં ડૉ. માર્કંડેયે યુવાનો અને વિદ્યાર્થીઓને પશુ ચિકિત્સા ક્ષેત્રમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, સમર્પણ અને સમાજ માટેની જવાબદારી સાથે આગળ વધવાની પ્રેરણા આપી. આ સંવાદ “ગોકુલમ સિરીઝ”ના દર્શકો માટે ગૌવંશ, વિજ્ઞાન અને રાષ્ટ્ર નિર્માણને જોડતો એક માર્ગદર્શક સંવાદ સાબિત થશે.
આ વેબિનાર GCCI ના ફેસબુક તથા યુટ્યુબ ચેનલ “OfficialGCCI” પર લાઈવ પ્રસારિત કરવામાં આવ્યો હતો. આ વેબિનારનું સંચાલન GCCIના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે GCCIના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી (મો. 98242 21999), શ્રી રમેશભાઈ ઘેટીયા (મો. 98257 05813), શ્રી પુરીશ કુમાર (મો. 63933 03738) તથા શ્રી તેજસ ચોટલીયા (મો. 94269 18900) નો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































