મહાશિવરાત્રી નિમિત્તે પશુપતિનાથની આરાધના સાથે અહિંસા અને જીવદયાનો સંકલ્પ

મહાશિવરાત્રીના પાવન અવસરે સમગ્ર વિશ્વ ભગવાન પશુપતિનાથના ચરણોમાં નમન કરે છે. આ પવિત્ર રાત્રિ માત્ર ઉપવાસ, જાગરણ અને મંત્રોચ્ચાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ શિવતત્વને આપણા દૈનિક જીવનમાં ઉતારવાનો સંદેશ આપે છે. ભગવાન શિવજી ‘પશુપતિ’ છે – સર્વ જીવજંતુઓના સ્વામી, રક્ષક અને કરુણાના સજીવ પ્રતિક શિવજી સાથે જોડાયેલા દરેક પ્રતિક આપણને ગહન સંદેશ આપે છે. નંદી આપણને ગૌમાતા, બળદ અને શ્રમજીવી પશુઓના સન્માનની પ્રેરણા આપે છે, ગળામાં વિરાજમાન સાપ દર્શાવે છે કે ભયજનક ગણાતા જીવ પણ તેમની શરણમાં સુરક્ષિત છે, અને કાલ ભૈરવનો વાહન કાળો કૂતરો યાદ અપાવે છે કે ઉપેક્ષિત, શેરીના અને અબોલ જીવો પણ મહાદેવને અતિપ્રિય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મહાશિવરાત્રીના આ પવિત્ર અવસરે શિવભક્ત તરીકે આપણી ભક્તિ માત્ર મંદિરમાં પૂજા સુધી મર્યાદિત ન રહી, પરંતુ દયા, કરુણા અને અહિંસાના સ્વરૂપે પ્રગટ થવી જોઈએ. આ દિવસે પૂર્ણ અહિંસાનું પાલન કરવું, માંસાહારથી સંપૂર્ણ દુર રહેવું અને શક્ય તેટલા પ્રાણીઓને કષ્ટ ન પહોંચાડવાનો સંકલ્પ લેવો એ સાચી શિવભક્તિ છે. ગૌ માતા, બળદ અને અન્ય પશુઓને ઘાસ-ચારો અર્પણ કરવો, શેરીના કૂતરાઓ માટે પાણી અને અન્ન અને સારવારની વ્યવસ્થા કરવી, ખાસ કરીને કાલ ભૈરવના નામે કાળા કૂતરાને અન્નદાન કરવું, પક્ષીઓ માટે દાણા-પાણીના પાત્રો મૂકવા અને ગૌશાળા અથવા એનિમલ શેલ્ટર જેવી સેવાકાર્ય સંસ્થાઓમાં યથાશક્તિ સહયોગ આપવો – આ બધું ભક્તિના જીવંત સ્વરૂપ છે.
પાલીતાણા ખાતે ગત મહાશિવરાત્રી નિમિત્તે આશરે 700 શેરીના કૂતરાઓને અન્ન અને છાસનું વિતરણ કરીને કરુણાનો અનોખો સંદેશ આપવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષથી સતત ચાલી રહેલા આ સેવા કાર્યના પરિણામે વિસ્તારમાં એકપણ કૂતરાના કરડવાની ઘટના નોંધાઈ નથી. જ્યારે પ્રાણીઓનો પેટ ભરાય છે અને તેમને પ્રેમનો સ્પર્શ મળે છે, ત્યારે તેઓમાં શાંતિ અને સહઅસ્તિત્વનો ભાવ જાગે છે. કરુણા કોઈ એક દિવસનો ઉત્સવ નથી તે રોજિંદા જીવનની સાધના છે. જ્યારે આપણે ક્રૂરતા છોડીને દયાનો માર્ગ અપનાવીએ છીએ, ત્યારે માત્ર પ્રાણીઓની રક્ષા જ નહીં, પરંતુ મહાદેવને પણ પ્રસન્ન કરીએ છીએ. આ મહાશિવરાત્રીને સાચી શિવભક્તિની શરૂઆત બનાવીએ. અહિંસા, જીવદયા અને સર્વજીવ કલ્યાણના સંકલ્પ સાથે ભગવાન પશુપતિનાથ આપણી આ પ્રાર્થનાને સ્વીકારી અમને તેને નિભાવવા શક્તિ આપે તેવી હાર્દિક પ્રાર્થના.
- ડૉ. ગિરીશ શાહ (મો. 98200 20976)
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































