#Blog

જળસંચય એ જ જનસેવા : જળસંચયના શંખનાદ સાથે ગીરગંગા પરિવાર બગસરાના ગામોમાં મોટા માંડવડા અને ચારણ પીપળી ગામનો જળસંચયના ભગીરથ કાર્યમાં જોડાવા મક્કમ નિર્ધાર

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જળસંચય અંગે ગ્રામજનો અને આગેવાનો સાથે મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકોમાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ ઉપસ્થિત રહી જળસંચયની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

મોટા માંડવડા અને ચારણ પીપળી ગામે અલગ અલગ બેઠકને સંબોધતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, પાણી એ જ પરમાત્મા છે અને તેને ધરતીના પેટાળમાં ઉતારવું એ આજના સમયની સૌથી મોટી ભક્તિ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે જે ગામોમાં ચેકડેમ ઊંડા ઉતારવા કે નવા બનાવવાના કાર્યો થયા છે, ત્યાં આજે ખેડૂતોના કૂવા અને બોરના તળ ઊંચા આવ્યા છે, જેનાથી ખેતી અને પશુપાલન સમૃદ્ધ બન્યા છે. જો આપણે અત્યારે જાગૃત થઈ વરસાદી પાણીનો સંગ્રહ નહીં કરીએ, તો આવનારી પેઢી આપણને ક્યારેય માફ નહીં કરે.

મોટા માંડવડા ગામે યોજાયેલી મિટિંગમાં ગ્રામજનોએ જળસંચયના કાર્યમાં ખભેખભા મિલાવી સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. આ પ્રસંગે સર્વશ્રી પ્રફુલભાઈ સેંજલીયા, દિનેશભાઈ ડીબડીયા, મહેશભાઈ બોરડ, ગોબરભાઇ બોરડ, જેરામભાઈ માલવીયા અને સરપંચ શ્રી સંદીપભાઈ ડીબંડિયા વગેરે આગેવાનોએ ઉપસ્થિત રહી આ કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા તત્પરતા બતાવી હતી.

ચારણ પીપળી ગામે પણ જળસંચયના આ એશ્વરીક કાર્યને વેગ આપવા માટે ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અહીં યોજાયેલી બેઠકમાં સરપંચ શ્રી બાબુભાઈ કાથરોટીયા, હરેશભાઈ કાનપરિયા, રજનીકાંત કાથરોટીયા, સુરેશભાઈ કાનાણી અને સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ગામના જળસ્તર સુધારવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટની કામગીરીને બિરદાવી હતી અને જરૂરી સહયોગની ખાતરી આપી હતી.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા છેવાડાના ગામો સુધી જળસંચયનો સંદેશ પહોંચાડવાનું આ અભિયાન બગસરા પંથકમાં જન-આંદોલન બની રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *