શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા ગૌશાળાઓ તથા પાંજરાપોળોને સ્વાવલંબી બનાવવા માટે તથા રાષ્ટ્ર રક્ષા સે ધર્મરક્ષા ઉદેશયથી પાંજરાપોળ,ગૌશાળાઓ, પદાધીકારીઓ, જીવદયા કાર્યકરો માટે તા. 25 ફેબ્રુઆરી મંગળવારના રોજ, સદભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ ખાતે સંમેલન યોજાશે. જયેશભાઈ જરીવાલા માર્ગદર્શન આપશે.

જીવદયા શ્રેષ્ઠીઓ જીવદયાના મુદ્દાઓ અંગે વિચાર વિમર્શ કરશે.
રસ ધરાવતાઓને સૌને જોડાવવા જાહેર આમંત્રણ
જીવદયાની ઉત્કૃષ્ટ ભાવના અને જીવ માત્રને જીવાડવાની અંતરની મહેચ્છાઓ સાથે ભારતમાં લાખો અબોલ જીવોનું જીવનપર્યત જતન થાય છે. આર્થિક વ્યવસ્થાઓ, ઘાસ–ચારાની ઉપલબ્ધતા, જમીન અંગેના કાયદાઓ વિગેરે અઢળક પ્રશ્નોનો સામનો કરવાનો હોય છે. આ પ્રશ્નો અંગેની વિષદ છણાવટ પૂર્વક ચર્ચા કરી નિર્ણયાત્મક ભૂમિકા ઉપર આવવા માટે તેમજ સ્વાવલંબન તરફ, પર્યાવરણ રક્ષા તરફ વળવા શ્રી આદિજીન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ) દ્વારા જયેશભાઈ શાહ અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ શ્રી સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના તા. 25 ફેબ્રુઆરી, મંગળવારના રોજ સાંજે 07-00 કલાકેથી “સદભાવના વૃદ્ધાશ્રમ”, ‘પીપળીયા ભવન’ સ્વામીનારાયણ ગુરૂકુળ સામે, ગોંડલ રોડ ફાટક પાસે, ઓવરબ્રિજની નીચે, ડી–માર્ટ વાળી શેરી, રાજકોટ ખાતે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં જયેશભાઈ શાહ (જરીવાલા) પરિવારનાં ભાવનાબેન શાહ, રીયાનાબેન શાહ, તૃપ્તિબેન શાહ, દીપકભાઈ શાહ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહેશે. સંમેલન પૂર્ણ થયે પધારનાર સૌ માટે જૈન ભોજનની વ્યવસ્થા રાખેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ‘શ્રી આદિજન યુવક ચેરીટેબલ ટ્રસ્ટ (મુંબઈ)’ જયેશભાઈ જરીવાલાનાં નેજા હેઠળ સંસ્થા દ્વારા અનેકો સેવાના કાર્યો કરવામાં આવે છે. નકામી બંજર જમીનમાં નેપીયેર ઘાસ ઉગાડવા માટે મદદ કરવામાં આવે છે. પશુઓને શાતા મળી રહે તે માટે શેડ, ચારા, ગોદામ તેમજ પાણીનાં અવેડા, ગમાણ વિગેરે અકોલા, નાંદેડ, યવતમાલ, વર્ધા, નાગપુર, મહારાષ્ટ્રમાં બંધાવી આપ્યા છે. દર વર્ષે મેગા એનીમલ કેમ્પનું વિવિધ ગ્રામ્ય વિસ્તારમાં આયોજન કરવામાં આવે છે. જેમાં 20-30 ગામોનાં પશુઓનો સમાવેશ કરીને લગભગ 150 થી 200 ડોકટરોની મદદથી હજારોની સંખ્યામાં પશુઓની સારવાર તેમજ ઓપરેશન કરવામાં આવે છે. જેમ કે કેન્સર, ટયુમર તથા પેટમાં રહેલ પ્લાસ્ટિક, કાચ જેવા હાનિકારક વસ્તુઓને ઓપરેશન દ્વારા બહાર કાઢવા, ગર્ભાશયનાં વિવિધ ઉપચાર, જયપુર ફૂટ વિગેરે જેમાં 5 થી 10 પાંજરાપોળોને લાભ મળે છે. આ સંમેલનમાં જીવદયા સંસ્થાઓને સ્વાવલંબન તરફ વાળવા, ગૌ આધારીત સાંસ્કૃતીનું પુનઃસ્થાપન, ગૌચર વિકાસ, ગૌ આધારીત કૃષિ—આરોગ્ય અને પર્યાવરણર્થે જનજાગરણ, ગૌપાલન, જીવરક્ષા અંગેના વિવિધ કાયદાઓનું નિર્માણ તથા હાલના કાયદાઓના કડક અમલીકરણ, ગૌ સંવર્ધનને પ્રોત્સાહન, ગૌશાળા–પાંજરાપોળની આંતર માળખાકિય સુવિધાઓ ઉભી કરવા, પશુ-પક્ષીઓના આરોગ્યની જાળવણી, ભાવના અને વિજ્ઞાનનો સમન્વય, માનવ માત્રમાં પક્ષીઓ, પ્રાણીઓ પ્રત્યે વધુ કરૂણા જગાડવા, વરસાદી પાણીનો સંગ્રહ, સ્વદેશી વૃક્ષોનું વાવેતર, સ્વચ્છ દૂધ ઉત્પાદનોની ઉપલબ્ધી, પાકની રક્ષા માટે અહિંસક–સ્વદેશી ઉપચારો, શાકાહાર પ્રચાર-પ્રસાર સહિતના અનેકો મુદ્દા ઉપર વિસ્તૃત, પ્રેકટીકલ અને દૃષ્ટાંતો સહિત પરીણામલક્ષી ચર્ચા કરાશે. આ સંમેલન અંગેની વિશેષ જાણકારી માટે મિતલ ખેતાણી (M. 98242 21999), પ્રતિક સંઘાણી (M. 99980 30393) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.