ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” પર રાષ્ટ્રીય વેબિનારનું તા.10 માર્ચ 2025 ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.

ભારતની પરંપરાગત હોળીને ગૌ સંરક્ષણ સાથે જોડવી જોઈએ – શ્રી અજિતપ્રસાદ મહાપાત્રા
ગૌમય સ્નાન અને પ્રાકૃતિક રંગો અપનાવવાની અપીલ – જી.સી.સી.આઈના સ્થાપક અને પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા
ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેસ્ડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ) દ્વારા “વૈદિક હોળી: પર્યાવરણ સંરક્ષણ અને આરોગ્ય સંવર્ધન” વિષય પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય વેબિનારનું આયોજન કરવામાં આવ્યું. આ વેબિનારમાં વિવિધ રાજ્યોના ગૌ સેવા આયોગના અધ્યક્ષો, પૂર્વ અધ્યક્ષો એ માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પરંપરાગત ભારતીય પદ્ધતિઓ દ્વારા પર્યાવરણને અનુકૂળ અને આરોગ્યવર્ધક વૈદિક હોળી ઉત્સવ ઉજવવાની પ્રેરણા આપવાનો હતો.
વેબિનારની શરૂઆત જી.સી.સી.આઈના જનરલ સેક્રેટરી શ્રી મિતલ ખેતાણી દ્વારા સ્વાગત પ્રવચનથી થઈ, જેમાં તેમણે તમામ અતિથિઓનું હાર્દિક સ્વાગત કર્યું અને વૈદિક હોળીનું મહત્વ સમજાવ્યું. તેમણે જણાવ્યું કે આ વેબિનાર માત્ર વિચાર-વિમર્શનું મંચ નથી, પરંતુ ભારતીય પરંપરાઓને જીવંત રાખવાનો અને પર્યાવરણ સંરક્ષણ માટે મજબૂત પગલાં ભરવાનો પ્રયાસ છે. તેમણે તમામ ગૌ સેવા આયોગોને આ અભિયાનમાં સહભાગી થવા અનુરોધ કર્યો.
અખિલ ભારતીય ગૌ સેવા ગતિવિધિ (RSS) ના સંયોજક શ્રી અજિતપ્રસાદ મહાપાત્રાએ જણાવ્યું કે ગાય આપણી સંસ્કૃતિ અને ધર્મનો અભિન્ન અંગ છે. ગૌમય (ગોબર) થી બનેલી હોળી માત્ર ધાર્મિક દ્રષ્ટિએ નહીં, પણ વૈજ્ઞાનિક અને પર્યાવરણ સંરક્ષણ માટે પણ ઉપયોગી છે. ગોબરના કંડા / સ્ટીક દ્વારા હોલિકા દહન કરવામાં આવે તો હવા શુદ્ધ બને છે, ઓક્સિજનનું સ્તર વધે છે અને કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. તેમણે તમામ રાજ્યોને ગૌ આધારિત હોળી ઉજવવા અને ગૌશાળાઓને તેનું અમલ કરવા અપીલ કરી હતી.
હરિયાણા ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શ્રવણકુમાર ગર્ગ એ જણાવ્યું કે હરિયાણામાં ગત કેટલાંક વર્ષોથી ગોબરથી બનેલી લાકડીઓ (ગૌ-કાષ્ઠ) નો ઉપયોગ કરવા લોકોને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. આ વર્ષે 500 થી વધુ સ્થળોએ ગૌ-કાષ્ઠ દ્વારા હોલિકા દહન કરાશે.
ઉત્તરપ્રદેશ ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શ્યામબિહારી ગુપ્તા એ જણાવ્યું કે આ વર્ષે ગૌશાળાઓમાં પ્રાકૃતિક હોળી ઉજવવાનો નિર્ણય લીધો છે. તેમણે જણાવ્યું કે ઉત્તરપ્રદેશની ગૌશાળાઓમાં રાસાયણિક રંગોને બદલે ગોબર આધારિત પ્રાકૃતિક રંગોનો ઉપયોગ કરાશે. તેમણે ગંધા, ચૂકંદર અને અન્ય કુદરતી પદાર્થોથી તૈયાર થયેલા રંગોથી હોળી ઉજવવાની સલાહ આપી, જેથી પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર ન થાય.
છત્તીસગઢ ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી વિશેષરસિંહ પટેલ એ જણાવ્યું કે છત્તીસગઢમાં પારંપરિક રીતે પલાશના ફૂલો અને ગોબરથી બનેલી લાકડીઓનો ઉપયોગ હોલિકા દહન માટે કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે છત્તીસગઢ ગૌ સેવા આયોગએ 103 ગૌશાળાઓમાં ગૌ-કાષ્ઠ ઉત્પાદન યોજના શરુ કરી છે, જેથી લોકો ગૌ આધારિત સામગ્રીઓ સરળતાથી મેળવી શકે.
મહારાષ્ટ્ર ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મુંદડા એ જણાવ્યું કે મહારાષ્ટ્ર સરકારે ગૌ માતાને ‘રાજ્ય માતા’ નો દરજ્જો આપ્યો છે, જેના કારણે ગૌ આધારિત ઉત્પાદનોને સરકારે માન્યતા આપવાનું સરળ બન્યું છે. તેમણે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં 200 થી વધુ ગૌશાળાઓમાં ગૌ-કાષ્ઠ મશીનો સ્થાપિત કરવામાં આવી છે, જેથી હોળી અને અન્ય ધાર્મિક પ્રસંગોમાં ગોબરથી બનેલી લાકડીઓનો ઉપયોગ થઈ શકે.
ઉત્તરાખંડ ગૌ સેવા આયોગના અધ્યક્ષ શ્રી પંડિત રાજેન્દ્ર અંથવાલ એ જણાવ્યું કે ઉત્તરાખંડમાં બદ્રી ગાયોની જાતિ સંરક્ષણ માટે સરકાર સક્રિયપણે કાર્ય કરી રહી છે. તેમણે કહ્યું કે ગૌશાળાઓને હોળી જેવા ઉત્સવોના માધ્યમથી આત્મનિર્ભર બનાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે ઉત્તરાખંડના ગામોમાં આજ પણ હોલિકા દહન બાદ તેની રાખને ઘર માં સુખ-સમૃદ્ધિ માટે રાખવાની પરંપરા છે, જે પ્રાચીન કાળથી ચાલુ છે.
પંજાબ ગૌ સેવા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી સચિન શર્માએ કહ્યું કે ગૌ આધારિત ઉત્પાદનોનો ઉપયોગ માત્ર હોળી સુધી સીમિત નહીં હોવો જોઈએ, પરંતુ તેને આખા વર્ષે પ્રોત્સાહિત કરવો જોઈએ. તેમણે જણાવ્યું કે પંજાબમાં અનેક સ્થળોએ ગોબર આધારિત બ્લોક્સથી શબદાહ ગૃહ બનાવવામાં આવી રહ્યા છે, જેનાથી લાકડીઓનો વપરાશ ઘટી રહ્યો છે. તેમણે કહ્યું કે હોળી દરમિયાન પણ ગોબરથી બનેલા ઉત્પાદનોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
હિમાચલ પ્રદેશ ગૌ સેવા આયોગના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રી અશોક શર્માએ જણાવ્યું કે હિમાચલ પ્રદેશની પરંપરાગત હોળી પહેલેથી જ કુદરતી હતી, જ્યાં ફૂલોના રંગોનો ઉપયોગ થતો. તેમણે જણાવ્યું કે ગૌશાળાઓ દ્વારા આ પરંપરાને ફરીથી જીવંત કરવામાં આવી રહી છે, જેનાથી સ્થાનિક લોકોને આર્થિક લાભ પણ મળી શકે.
જી.સી.સી.આઈના સંસ્થાપક અને પૂર્વ મંત્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા એ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે હોળીના ઉત્સવમાં ગાયના પંચગવ્ય (ગોબર, ગૌમૂત્ર, દૂધ, દહીં અને ઘી)માંથી ગોબર અને ગૌમૂત્રનો ઉપયોગ કરવાથી તે વધુ આરોગ્યપ્રદ, પ્રાકૃતિક અને પર્યાવરણલક્ષી બની શકે છે. તેમણે રાસાયણિક રંગોના બદલે પ્રાકૃતિક રંગો અને ગોબરથી બનેલા ઉત્પાદનો વાપરવાની જરૂરિયાતને રેખાંકિત કરી. હોળિકા દહન માટે ગૌસેવા આયોગોને ગોકાષ્ઠ (ગોબરથી બનેલી લાકડીઓ)ના ઉપયોગને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો, જેથી વૃક્ષોની કપાત અટકાવી શકાય અને ગૌશાળાઓની આર્થિક સ્થિતિ મજબૂત બને.
ડૉ. કથીરિયાએ એ પણ સૂચન કર્યું કે હોલિકા દહન બાદ થયેલ રાખ ખેતરોમાં નાખવાથી જમીન વધુ ઉર્વર બને છે, જેનાથી કુદરતી ખાતરનું ઉત્પાદન થશે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા ઘટશે. તેમણે ભારતના વિવિધ પ્રદેશોમાં ઉજવાતી હોળીની પરંપરાઓ, જેમ કે બરસાણાની લઠ્ઠમાર હોળી, મથુરા-વૃંદાવનની ફૂલોની હોળી, પંજાબના આનંદપુર સાહિબનું હોલા મહલ્લા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશની રંગ પંચમી, મણિપુરનું યાઓસાંગ, કેરળનું મંજલ કુળી, બિહાર-ઝારખંડની ફાલ્ગુન પૂર્ણિમા, પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનનું વસંત ઉત્સવ અને ગોવાનો શિગ્મો ઉત્સવ પર પ્રકાશ નાખતા જણાવ્યું કે આ તમામ ઉત્સવોને જો ગૌ આધારિત બનાવવામાં આવે, તો તે માત્ર ભારતની સંસ્કૃતિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે જ નહીં પણ પર્યાવરણ સંરક્ષણ માટે પણ એક ક્રાંતિકારી પગલું સાબિત થશે. તેમણે ગૌમય સ્નાન (ગૌમૂત્ર અને ગોબરથી સ્નાન) અને ગૌ ફાગની પરંપરાને ફરીથી જીવંત કરવાના મહત્વ પર ભાર મૂક્યો, જેમાં ગૌમૂત્ર અને ગોબરથી હોળી રમવાથી ત્વચા સંબંધિત રોગોથી રક્ષણ મળી શકે. ઉપરાંત, તેમણે હોળી દરમિયાન ભક્તિમય ભજનો અને શાસ્ત્રીય સંગીતના આયોજન માટે પણ અપીલ કરી, જેનાથી સમાજમાં સકારાત્મક ઊર્જા પ્રસરે અને ભારતીય સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં મદદ મળે.
જી.સી.સી.આઈ ના જનરલ સેક્રેટરી શ્રી પુરીશ કુમાર દ્વારા વેબિનારનું સંચાલન કરવામાં આવ્યું, જેમાં તેમણે ગૌ આધારિત હોળીના વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને સામાજિક લાભો પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે આ અભિયાન માત્ર ગૌસંવર્ધન પૂરતું સીમિત નથી, પણ સમાજ અને પર્યાવરણના આરોગ્ય સાથે પણ ઊંડો સંબંધ ધરાવે છે. તેમણે તમામ ઉપસ્થિત મહાનુભાવો અને સંસ્થાઓને પ્રાકૃતિક અને પર્યાવરણ અનુકૂળ હોળી ઉજવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
વેબિનારના અંતમાં જી.સી.સી.આઈના જનરલ સેક્રેટરી શ્રી અમિતાભ ભટ્ટનાગર દ્વારા તમામ મહાનુભાવો અને વક્તાઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે આ વેબિનાર વૈદિક હોળીને પુનર્જીવિત કરવાની દિશામાં એક ઐતિહાસિક પહેલ છે. તેમણે બધા રાજ્યના ગૌસેવા આયોગોને આ સંદેશને દેશભરમાં પહોચાડવા અને ગૌ આધારિત હોળીને એક રાષ્ટ્રીય અભિયાન બનાવવાના સંકલ્પ માટે વિનંતી કરી હતી.
વધુ માહિતી માટે GCCI જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી, તેજસ ચોટલિયા મો. 94269 18900, અને મીનાક્ષી શર્મા – મો. 83739 09295 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.