“ગૌ રાષ્ટ્ર યાત્રા 2025” ઐતિહાસિક, આધ્યાત્મિક અને રાષ્ટ્રીય સ્તરની સંસ્કૃતિક યાત્રા છે, જેનો મુખ્ય ઉદ્દેશ ભારતની પ્રાચીન ગૌ સંસ્કૃતિને પુન ઉજાગર, ગૌ માતાનું રક્ષણ અને સંવર્ધન તેમજ પંચગવ્ય આધારિત ગ્રામિણ અર્થતંત્રને ફરી જીવંત બનાવવાનો છે. આ યાત્રાની શરૂઆત ૧૫ જૂન ૨૦૨૫ ના રોજ પવિત્ર ઋષિકેશ (ઉત્તરાખંડ) થી થઈ છે અને તે રામેશ્વરમ (તમિલનાડુ) ખાતે પૂર્ણ થશે. ૬૧ દિવસની આ યાત્રા લગભગ ૧૦,૦૦૦ કિ.મી. લાંબી છે અને ૧૨થી વધુ રાજ્યોમાંથી પસાર થઈ રહી છે. યાત્રા ગ્રામીણ સ્વાવલંબન, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ આધારિત ઉદ્યોગો અને ગ્રામ્ય સ્વરાજની ભાવનાને ઉજાગર કરી રહી છે. તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ (રવિવાર) ના રોજ સાંજના 05:00 કલાકે આ યાત્રા રાજકોટ પહોંચશે, જ્યાં કિશાન ગૌશાળા આજીડેમ પાસે, રામવન ની સામે, રાજકોટ ગોડલ બાયપાસ રોડ ખાતે GCCI અને કિશાન ગૌશાળા દ્વારા દિવ્ય સ્વાગત સમારોહ યોજાવામાં આવ્યો છે. આ અવસરે ભારત સરકારના પૂર્વ મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ, GCCI ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરિયા ની વિશિષ્ટ ઉપસ્થિતિમાં મહાનુભાવો, ગૌસેવકો, ખેડૂત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. આ યાત્રા માત્ર ધાર્મિક યાત્રા નથી, પણ “ગ્રામોદયથી ભારતોદય” સુધીના સંકલ્પનો જીવંત પ્રતિબિંબ છે. જ્યાં ગૌ માતાને કેન્દ્રમાં રાખીને કૃષિ, પર્યાવરણ, આરોગ્ય અને અર્થતંત્રના પુનર્નિર્માણની દિશામાં ગંભીર પ્રયાસ થઈ રહ્યો છે. આ એક એવું આંદોલન છે, જે ભારતના ગામડાઓને આત્મનિર્ભરતા, સંસ્કાર અને ગૌરવની દિશામાં આગળ ધપાવે છે. આ યાત્રાનું નેતૃત્વ શ્રી ભારતસિંહ રાજપુરોહિત કરી રહ્યા છે. આ યાત્રાને આર.જી.એસ.એસ., જી.સી.સી.આઈ.,કિશાન ગૌ શાળા- રાજકોટ, ગીર ગૌ જતન સંસ્થાન – ગોંડલ, કરુણા ફાઉન્ડેશન – એનિમલ હેલ્પલાઇન રાજકોટ જેવી અનેક સંસ્થાઓનો ઉર્જાવાન સહયોગ મળી રહ્યો છે. યાત્રાના દરેક સ્થળે ગૌ પૂજન, સંતોના પ્રવચનો, યુવાનો સાથે સંવાદ, ગૌ સંસ્કૃતિને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ગ્રામિણ પ્રશ્નોના હલ માટે લોકસંવાદ યોજાઈ રહ્યા છે. આ મહાયાત્રાએ હજારો ગામડા અને લાખો નાગરિકોને ગૌ માતાના ગૌરવ માટે એકઠા કર્યા છે અને રાષ્ટ્રીય ભાવનાને ઊંડો આધાર આપ્યો છે. કાર્યક્રમ અંગે વધુ માહિતી માટે કિશાન ગૌશાળા સ્થાપક ચંદ્રેશભાઈ પટેલ, +91 97252 19761, જીસીસીઆઈ ના જનરલ સેક્રેટરી શ્રી મિત્તલભાઈ ખેતાણી +91 98242221999, તેજસ ચોટલીયા +91 9426918900, પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
