#Blog

રાજકોટના આંગણે રચાયો સુવર્ણ ઇતિહાસ

ગીરગંગા પરિવાર આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’માં સ્થાપિત થયો વર્લ્ડ રેકોર્ડ

જળ સંરક્ષણ માટેના વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક મેળાવડા તરીકે પાંચ વૈશ્વિક રેકોર્ડ એજન્સીઓએ એનાયત કર્યા પ્રમાણપત્રો

કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં દિલીપભાઈ સખીયાએ સ્વીકાર્યા એવોર્ડ

રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ગત રાત્રે અભૂતપૂર્વ અને ઐતિહાસિક ક્ષણો જોવા મળી હતી. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા: અપને અપને શ્યામ કી’ને વિશ્વની પ્રતિષ્ઠિત રેકોર્ડ એજન્સીઓ દ્વારા સત્તાવાર રીતે વિશ્વની પ્રથમ અને સૌથી મોટી વૈશ્વિક જલકથા જાહેર કરવામાં આવી હતી.

 ૧૬ ડિસેમ્બરના રોજ રાત્રે જલકથા દરમિયાન જ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ સહિતની સંસ્થાઓના અધિકારીઓ દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્ટને આ સિદ્ધિ બદલ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.

મંગળવારે રાત્રે ૮ થી ૧૦ દરમિયાન રેસકોર્સ ખાતે ઉપસ્થિત વિશાળ જનમેદની આ ઐતિહાસિક રેકોર્ડની સાક્ષી બની હતી. જળ સંરક્ષણ અને પર્યાવરણ જાગૃતિના આ સંદેશને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ, એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ, અને લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ જેવી કુલ ૭ થી વધુ આંતરરાષ્ટ્રીય રેકોર્ડ એજન્સીઓએ “જળ સંરક્ષણ માટેનો સૌથી મોટો આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડો” તરીકે માન્યતા આપી હતી.

IEA (ઇન્ટરનેશનલ ઇવેન્ટ એસોસિએશન) ના પ્રતિનિધિઓ અને વિવિધ રેકોર્ડ એજન્સીઓના નિરીક્ષકોએ કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ, માપદંડોની ખરાઈ કર્યા બાદ મંચ પરથી કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી શ્રી સી. આર. પાટીલની ઉપસ્થિતિમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાને ગોલ્ડન સર્ટિફિકેટ્સ અર્પણ કર્યા હતા. આ સમયે સમગ્ર ગ્રાઉન્ડ ‘જલ શ્રીકૃષ્ણ’ના હર્ષનાદથી ગુંજી ઉઠ્યું હતું.

​            ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ આ અંગે પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, આ સર્ટિફિકેટ માત્ર કાગળ નથી, પરંતુ જળ બચાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ સાથે જનસમુદાયે લીધેલા સંકલ્પની વૈશ્વિક સ્વીકૃતિ છે.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

આ પ્રસંગે કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી સી. આર. પાટીલે ઉપસ્થિત હજારો શ્રોતાઓને જળસંચયની પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ આયોજન દ્વારા આજે સાબિત થયું હતું કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો આ પ્રયાસ હવે વિશ્વભરના પર્યાવરણ પ્રેમીઓ માટે એક મોડેલ સમાન બનશે.  

Leave a comment

Your email address will not be published. Required fields are marked *