#Blog

ગીરગંગાની મહા જલક્લશ યાત્રા બાદ સામૂહિક જલપૂજન સંપન્ન : આજથી જલકથા

બહુમાળી ભવન ચોકમાંથી નીકળી વિશાળ જલયાત્રા : ગાયત્રી પરિવારે રેસકોર્સમાં જળકલશ પૂજન કરાવ્યું

વિશ્વવિખ્યાત લોકગાયક કિર્તીદાન ગઢવી ગીરગંગાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સેવા આપશે : લોકડાયરામાં જાહેરાત

ડો. કુમાર વિશ્વાસની બહુઅપેક્ષિત ‘જલકથા : અપને અપને શ્યામ કી’નો આજથી થશે પ્રારંભ

‘જળ એ જ જીવન છે’નાં સૂત્રને ચરિતાર્થ કરી જન ભાગીદારીથી જળસંચય પ્રવૃતિને ઘર ઘર સુધી પહોંચાડવા માટે પ્રતિબદ્ધ ગીરગંગા ટ્રસ્ટ પરિવારની વ્યાપક ઝુંબેશ રંગ લાવી છે. જળસંચયના આ પ્રકલ્પને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાના ભાગરૂપે 15 ડિસેમ્બરને સોમવારથી કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થિયેટર, રેસકોર્સમાં શરૂ થઈ રહેલ તત્વચિંતક, વિશ્લેષક, કથાકાર અને દેશના પ્રથમ પંક્તિના કવિ ડૉ. કુમાર વિશ્વાસની “જલકથા : અપને શ્યામ કી” પૂર્વે અનેકાનેક શ્રેણીબદ્ધ કાર્યક્રમો પ્રયોજવામાં આવ્યા છે. જે કડીમાં 14 ડિસેમ્બરને રવિવારે રેસકોર્સ નજીક બહુમાળી ભવન ચોક ખાતેથી ભવ્ય અને દિવ્ય મહા જલક્લશ યાત્રા નીકળી હતી.

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ પ્રેરિત વરણા ગામની બેન્ડ ટીમની સુમધુર સુરાવલીઓ સાથે આ મહા જલકળશ યાત્રા કથા સ્થળે પહોંચી હતી,જેમાં 700થી વધુ જલપ્રેમીઓ હર્ષભેર ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના વિવિધ સ્થાનો પર ઘેર ઘેર અને ગામેગામ પૂજવામાં આવેલા 2100 જેટલા જલકળશનું રેસકોર્સ મેદાનમાં કથાસ્થળે શાસ્ત્રોક્ત પૂજન કરવામાં આવ્યું હતું.

જલકથા પૂર્વે આયોજિત વિવિધ કાર્યક્રમો થકી વ્યાપક જનસમૂહને જોડવાના આ પ્રયાસને કારણે 15 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી ‘જલકથા : અપને અપને શ્યામ કી’ ને લઈને ભારે ઉત્કંઠા સેવાઈ રહી છે. આ કડીમાં રવિવારે જ રાત્રે કથા સ્થળે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર કિર્તીદાન ગઢવીનો જાહેર લોકડાયરો પણ યોજાયો હતો. જેમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. આ લોકડાયરામાં સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારોએ ઉપસ્થિત રહીને ચાર ચાંદ મઢી દીધા હતા.આ જલડાયરામાં ઉપસ્થિત મહાનુભાવોને ડૉ. પરમાનંદ સરસ્વતીજીએ ખેસ પહેરાવી મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા. ડાયરા દરમિયાન વિશ્વભરમાં વિખ્યાત લોકગાયક  કિર્તીદાન ગઢવીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના બ્રાન્ડ એમ્બેસેડર બનવાનું સ્વીકાર્યું હતું અને તમામ ડાયરાઓમાં જળસંચય માટેનો સંદેશો આપવા ખાતરી આપી હતી. સૌરાષ્ટ્રને પાણીવંતુ કરવાના આ સ્તુત્ય પ્રયાસમાં જળસંચય માટેના એશ્વરિક કાર્યમાં સહભાગી બનવા દાતાઓએ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત છેક બ્રિટન અને અમેરિકાથી પણ હાજરી આપી હતી. આ જલ લોકડાયરામાં ટર્બો બેરિંગવાળા શ્રી પ્રતાપભાઈ પટેલ, પોરબંદરના પૂર્વ સાંસદ અને દાસી જીવણ સત્સંગ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ ધડુક, ગોંડલ સ્થિત રવિ ઓઇલ મિલના શ્રી ધનસુખભાઈ નંદાણીયા, ગોંડલના શ્રી પંકજભાઈ વગેરે સહિતના દાતાઓએ જળસંચયના કાર્યો માટે આર્થિક સહયોગ માટે જાહેરાત કરી હતી. આ ઉપરાંત અનેક દાતાઓએ પોતાના તરફથી એક ચેક ડેમ બનાવવા માટેનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.

સોમવારે સાંજે 7 કલાકથી શરૂ થનારી જલકથા ત્રણ દિવસ સુધી ચાલશે. જે શ્રવણ કરવા, સૌરાષ્ટ્ર, ગુજરાત ઉપરાંત દેશભરમાંથી અને વિદેશમાંથી પણ અનેક લોકો રાજકોટ પહોંચી ચૂક્યા છે. રવિવારે સવારે આવા ગણમાન્ય શ્રાવકો મહા જલક્લશ યાત્રા અને મહા જલક્લશ પૂજનમાં પણ જોડાયા હતા.

પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫)                                    

દરમિયાન, રેસકોર્સ મેદાનમાં કથા સ્થળે યોજાયેલા મહા જલપૂજન પ્રસંગે બોલતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, જલપૂજન એ માત્ર એક ધાર્મિક ક્રિયા નથી, પરંતુ જળ સંરક્ષણ અને જળના મહત્વ પ્રત્યે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. સૌ જાણે છે કે, જળ એ જ જીવન છે. ​આજે જે જલનું પૂજન થઈ રહ્યું છે તે આપણને યાદ કરાવે છે કે આવનારી પેઢીઓ માટે જળસ્રોતોની જાળવણી કરવી પડશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *