કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે.

કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત.
ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા.
ડો.મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા સ્મૃતિ સરોવરના જલ વધામણા
‘કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થતું જાય છે. સૃષ્ટિ સાથે માણસની ક્રૂરતાપૂર્ણ વર્તણૂકથી નવી નવી સમસ્યાઓ સર્જાય છે. પાણીનો પણ અવિવેકપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે હવે જનજાગૃતિ અને જળસંચય અનિવાર્ય છે. પાણીના વેડફાટને પરિણામે સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર ગુજરાતની પાણીની સમસ્યા ગંભીર બની રહી છે, ત્યારે પાણી અને પર્યાવરણ બચાવવાનો કોઈ વિકલ્પ નથી’, તેમ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ જણાવ્યું હતું.
શ્રી મનસુખભાઈ માંડવીયા ગત ગુરુવારે તેમના રાજકોટના રોકાણો દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ગીરગંગાના અગ્રેસરો શુભેચ્છકો અને કાર્યકરોના સમૂહને સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રી માંડવીયાએ નિર્દેશ કર્યો હતો કે, લોકો ગુજરાતના ૧૯૮૭ની દુષ્કાળની કારમી પરિસ્થિતિ અને બેડાયુદ્ધ સહિતના સંઘર્ષોના પરિણામે થયેલ સાત લોકોના મોતને ભૂલી ગયા છે, અને પરિણામ સ્વરૂપ જળ અને પર્યાવરણ તરફ ક્રૂર વ્યવહાર થઈ રહ્યો છે. આ સ્થિતિને અટકાવવી અનિવાર્ય છે. શ્રી માંડવીયાએ જળસંચય જાગૃતિ માટેના ગીરગંગા પરિવાર ટ્રસ્ટના અથાગ પ્રયત્નોને ભાવપૂર્ણ સ્વરમાં બિરદાવતા જળસંચય જાગૃતિ માટે ગીરગંગા પરિવાર દ્વારા આગામી ડિસેમ્બરમાં યોજાનાર વિખ્યાત કવિ-તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’માં તન, મન અને ધનથી જોડાવા માટે અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આગામી 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન દરરોજ રાત્રે 8 થી 12 સુધી રાજકોટના રેસકોર્સ મેદાનમાં દેશના વિખ્યાત કવિ-કથાકાર કુમાર વિશ્વાસની ‘જલકથા : આપને અપને શ્યામ કી’નું આયોજન થયું છે, અને આ કથા પૂર્વેની તૈયારીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. જળસંચય માટેના 1,11,111 સ્ટ્રક્ચર બનાવવા સંકલ્પિત સંસ્થા ગીરગંગા ટ્રસ્ટના આ ભગીરથ કાર્યને બિરદાવતા શ્રી મનસુખભાઈ માંડવીયાએ ઉમેર્યું હતું કે, સરકાર સાથે સમાજ પણ સૃષ્ટિના નવસર્જનના કાર્ય માટે આગળ આવે ત્યારે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય છે.
આ પ્રસંગે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ કાર્યક્રમની પૂર્વભૂમિકા આપતા કહ્યું હતું કે, આવનારી પેઢી માટે જળસંચયનું કાર્ય એ ખરા અર્થમાં ઐશ્વરીક કાર્ય છે અને જળસંચય જાગૃતિ અર્થે જ ડો. કુમાર વિશ્વાસની જલકથાનું આયોજન કરાયું છે. પરોપકાર માટે સામૂહિક પ્રાર્થનાનો ભાવ હંમેશા હકારાત્મક પરિણામ લાવે છે તે કુદરતી નિયમ મુજબ જ આ જલકથાને વ્યાપક આવકાર મળી રહ્યો છે અને માત્ર ધરતી પુત્રો જ નહીં, જમીન કે ખેતીવાડી ન ધરાવતા નાગરિકો પણ કથામાં મદદરૂપ બનવા જોશભેર આગળ આવી રહ્યા છે.
સૌરાષ્ટ્ર અને ગુજરાત નર્મદાના પાણી પર નિર્ભર રહેવાને બદલે વરસાદી પાણીના સંગ્રહ માટેની વ્યવસ્થા માટે જાગૃત બને તે હેતુથી કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાએ આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાનું મોમેન્ટો અને ખેસ પહેરાવીને અભિવાદન કર્યું હતું.
આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી માંડવીયા સાથે રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટના ધારાસભ્યો શ્રી દર્શિતાબેન શાહ, શ્રી ઉદયભાઇ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા તેમજ ગીરગંગાના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયા આગેવાનો સર્વશ્રી પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વીરાભાઇ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, જેન્તીભાઈ સરધારા, ડી.વી મહેતા સાહેબ, ડો. દેવાંગીબેન મૈયડ, કૌશિકભાઈ સરધારા, ગિરીશભાઈ દેવડીયા, સુરેશભાઈ દેસાઈ, સંજયભાઈ ટાંક, ગીરીશભાઈ અકબરી, રમેશભાઈ રામાંણી, મનીષભાઈ વેકરીયા,મનુભાઈ પટેલ, કલ્પેશભાઈ છાયાણી, વિપુલભાઈ પાનેલિયા, વગેરે જોડાયા હતા. શુભેચ્છા મુલાકાતના સમગ્ર કાર્યક્રમનું સંચાલન અગ્રણી સમાજ સેવક શ્રી મિતલભાઇ ખેતાણીએ કર્યું હતું. કાર્યક્રમ બાદ કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા નિર્મિત હીરાબા સ્મૃતિ સરોવરની પણ મુલાકાત લઈને ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો
કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી હીરાબાની સ્મૃતિમાં કાલાવડ રોડ પર બાલાજી વેફર્સ-વિરાણી પરિવારના આર્થિક સહયોગથી નિર્માણ પામેલ સ્વ.હિરાબા સ્મૃતિ સરોવરની કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાએ મુલાકાત લઈને ગીરગંગાની કામગીરી નિહાળી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે વિરાણી પરિવારના શ્રી ચંદુભાઈ વિરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































