પૌત્રના જન્મોત્સવની અનોખી ઉજવણી: બાલધા પરિવારે ‘ઝબલા’ની રકમ જળસંચયના કાર્ય માટે અર્પણ કરી

પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર ગોપાલભાઈ બાલધાના પરિવારે શુકન પેટે મળેલી ₹40,000ની રકમ ગીરગંગા પરિવાર ટ્રસ્ટને એનાયત કરી
સામાન્ય રીતે પરિવારમાં પારણું બંધાય ત્યારે ખુશીના માહોલમાં ભેટ-સોગાદો અને રોકડ રકમની આપ-લે થતી હોય છે, પરંતુ રાજકોટના એક જાગૃત પરિવારે આ પ્રસંગને સામાજિક સેવાનો યજ્ઞ બનાવી દીધો છે. પીજીવીસીએલના નિવૃત્ત એન્જિનિયર અને સામાજિક ક્ષેત્રે અગ્રેસર એવા શ્રી ગોપાલભાઈ બાલધા તથા શોભનાબેન બાલધાના પુત્ર પથભાઈ અને પ્રીમાંશીબેનને ત્યાં પુત્ર ‘હેમ’નો જન્મ થતા, પરિવારે એક પ્રેરણારૂપ નિર્ણય લીધો હતો.
બાલધા પરિવારની મહિલાઓએ નક્કી કર્યું હતું કે પૌત્રના જન્મ પ્રસંગે વ્યવહારમાં શુકન (ઝબલા) તરીકે જે કોઈ રકમ આવશે, તેનો ઉપયોગ વ્યક્તિગતને બદલે જળસંચયના કાર્ય માટે કરવો. આ હેતુથી તેમણે પ્રસંગ દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટની દાન પેટી પણ મંગાવી લીધી ! ત્યારબાદ પ્રસંગને અનુલક્ષીને પધારેલા તમામ સ્નેહીજનો અને સંબંધીઓને વિનંતી કરવામાં આવી હતી કે, બાળકના હાથમાં રોકડ આપવાને બદલે તે રકમ સીધી ટ્રસ્ટની દાન પેટીમાં જ અર્પણ કરે.
આ નવતર પ્રયોગ દ્વારા કુલ ₹40,000 જેટલી રકમ એકઠી થઈ હતી. આ તમામ રકમ તાજેતરમાં રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની તાજેતરની ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યાલયની મુલાકાત દરમિયાન બાલધા પરિવારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને જળસંચય અને ચેકડેમ નિર્માણ જેવા ભગીરથ કાર્યો માટે સહયોગ તરીકે અર્પણ કરી દીધી હતી. દરમિયાન એક નિવેદનમાં શ્રી ગોપાલભાઈ બાલધાએ જણાવ્યું હતું કે,પાણી એ જ જીવનનો આધાર છે અને આવનારી પેઢી માટે જળસંચય અત્યંત અનિવાર્ય છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે ચેકડેમો બાંધીને ભૂગર્ભ જળ ઉંચા લાવવાનું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તે ખરેખર વંદનીય છે. અમારા પૌત્ર ‘હેમ’ના જન્મના આશીર્વાદ રૂપે અમે આ નાનકડો ફાળો જળસેવા માટે આપવાનું નક્કી કર્યું હતું. જો સમાજના દરેક પ્રસંગોમાં આવી જ રીતે સામાજિક કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે, તો આપણે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકીએ છીએ.ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિપ્રેમી દિનેશભાઈ પટેલ, પ્રતાપભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, વિરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેશભાઈ જાની, વસંતભાઈ લીંબાસીયા, કૌશિકભાઈ સરધારા, વગેરે ભાઈઓ જહેમત ઉઠાવી રહ્યા છે.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































