ઉપલેટાના મેરવદર ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમનું ખાતમુહૂર્ત

જળ સંચય અને પર્યાવરણ જાળવણીના ઉમદા હેતુ સાથે ઉપલેટા તાલુકાના મેરવદર ગામ ખાતે ‘ગીરગંગા પરિવાર ટ્રસ્ટ’ દ્વારા નવનિર્મિત થનાર ચેકડેમનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકીય અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોરાજી-ઉપલેટા વિસ્તારના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે શાસ્ત્રોક્ત વિધિ સાથે ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના પ્રથમ નાગરિક અને સરપંચ શ્રી મનસુખભાઈ કથીરીયા, ઉપસરપંચ શ્રી સંજયભાઈ કરડાણી, સહકારી મંડળીના ઉપપ્રમુખ શ્રી રાજેશભાઈ કંટેસરિયાએ તથા પાનેલી જિલ્લા પંચાયત સદસ્ય શ્રી જતીનભાઈ ભાલોડીયા ઉપસ્થિત રહ્યા હતા.વધુમાં, ગ્રામ પંચાયતના સભ્ય શ્રી વિઠ્ઠલભાઈ ગેડિયા, શ્રી છગનભાઈ વારડીયા, ક્ષત્રિય આગેવાન વિજયભાઇ વાળા, આહીર આગેવાન જગદીશભાઇ હારવળીયા, પાટીદાર સમાજ આગેવાન ભીમભાઈ ગુંડા, તેમજ સમસ્થ ગ્રામજનો એ પણ હાજરી આપી કાર્યક્રમની શોભા વધારી હતી.
આ પ્રસંગે સંબોધતા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડલીયાએ પાણીના મહત્વ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, “આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ‘જળ સંચય જન ભાગીદારી’નું જે સૂત્ર આપ્યું છે તે આજના સમયની માંગ છે. જળ સંચયનું કામ એકલી સરકાર દ્વારા પૂર્ણ ન થઈ શકે, પરંતુ જ્યારે સમાજ અને જનતા સાથે મળીને જોડાય ત્યારે જ આવા અભિયાનોને સાચો વેગ મળે છે. પાણી બચાવવાના આ અભિયાનમાં આપણે સૌએ ખભેખભા મિલાવીને જોડાવવું જોઈએ.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા જે રીતે આ ભગીરથ કાર્ય ઉપાડવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે. ટ્રસ્ટ દ્વારા તળાવ ઊંડું કરવા માટે જે હીટાચી મશીન ફાળવવામાં આવ્યું છે, તેનાથી કામમાં ખૂબ ગતિ આવશે.” ધારાસભ્યશ્રીએ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરતા આ જળ સંચયના કાર્યને ‘ઈશ્વરીય કાર્ય‘ ગણાવ્યું હતું.






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































