19 જૂન, રાષ્ટ્રીય વાંચન દિવસ

વાંચન વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.
વાંચનથી વિચારોમાં વિનય અને વિવેક આવે છે.
વાંચન, કોઈકનાં માટે નવરાશનો સમય પસાર કરવા માટેની પ્રવૃત્તિ તો કોઈકનાં માટે જીવનનો સૌથી મોટો આદર્શ શિક્ષક, વાંચન જીવનને સાર્થક બનાવવાનું સૌથી અગત્યનું પાસું છે. સારું વાંચન વ્યક્તિને દુઃખમાંથી ઉગારવાનો રસ્તો અને સુખને જીવનમાં લાવવાનો રસ્તો બતાવે છે. વાંચન માટે પુસ્તક એ સૌથી જૂનું અને પ્રચલિત માધ્યમ છે જે આજે ડીજીટલી પણ ઉપલબ્ધ છે. પુસ્તકો ઘણાં બધાં પ્રકારના હોય છે પણ દરેક પુસ્તકમાં કોઈ ને કોઈ ખજાનો છુપાયેલો છે. વાંચનનું મહત્વ વ્યક્તિને ત્યારે જ સમજાય જ્યારે વ્યક્તિ પુસ્તક વાંચવાનું શરૂ કરે. પુસ્તકમાં રહેલા ઊંડા અને ખરા અર્થને સમજીને જીવનમાં ઉતારવામાં આવે ત્યારે જ પુસ્તકનું વાંચન સફળ થયું કહેવાય, વાંચનથી વિચારોને મોકળાશ મળે છે. વિચારોને મળતી મોકળાશ એ વાંચનનો પહેલો ફાયદો છે. જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે યોગ્ય વિચાર કરવા જરૂરી છે, અને યોગ્ય વિચાર કે વિચારોની મોકળાશ એ વાંચનથી જ શક્ય છે. ગેરીસન કેઈલર નામનાં એક પ્રસિદ્ધ વ્યક્તિએ પુસ્તક માટે ખૂબ સરસ વાક્ય કહ્યું છે, પુસ્તકોનાં વાંચનથી વિચાર, વાણી અને વર્તનમાં વિનય અને વિવેક આવે છે. વિનય અને વિવેક જીવનને સરળ અને સુંદર બનાવે છે. વિચારોમાં વિનય અને વિવેક આવતા વ્યક્તિની કલ્પનાશક્તિ વધે છે. વાણીમાં વિનય અને વિવેક આવતા તમારું વ્યક્તિત્વ ખીલે છે અને વર્તનમાં વિનય અને વિવેક આવતા જીવનને નવી દિશા મળે છે. જો બાળકને નાનપણથી જ વાંચવાની આદત શીખવાડવામાં આવે તો બાળકનું કૌશલ્ય ખુબ વિકસે છે, જેમકે પંચતંત્રની વાર્તાઓમાં પ્રાણીઓના ઉદાહરણ દ્વારા સામાજિક નીતિઓ શીખવવામાં આવી છે. સરળ શબ્દો અને રમુજી પાત્ર દ્વારા બાળકને જીવનનો અગત્યનો પાઠ શીખવી શકાય છે. બાળક જો નાનપણથી જ પુસ્તક વાંચશે તો એનાં જ્ઞાનમાં વધારો થશે તદ્દઉપરાંત બાળકનાં વિચારો તેની ઉંમરનાં સામાન્ય બાળક કરતાં વધારે મૌલિક જોવા મળશે. વ્યક્તિ જીવનમાં જેટલું વધુ જ્ઞાન મેળવશે એટલી જીવનમાં સફળતા પ્રાપ્ત કરશે. વાંચન થકી વ્યક્તિના વર્તનમાં નિખાલસતા, દયા,સદ્દભાવના,ભાઈચારો,વિનમ્રતા વગેરે આપોઆપ આવી જાય છે. પુસ્તકમાંથી મળતી હકારાત્મક ઊર્જા વ્યક્તિનાં દુષ્કાળ જેવા જીવનમાં પણ જીવ પૂરી શકે છે.
-મિત્તલ ખેતાણી(મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯)

























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































