વિશ્વ પર્યાવરણ દિવસ એટલે ગૌ સંવર્ધન દ્વારાજળ, જમીન, જંગલ, જાનવર અને જનના યોગ્ય સંવર્ધનનો સંકલ્પ દિવસ

વૈજ્ઞાનિકોએ છેલ્લી શતાબ્દીમાં અનેક નવા આવિષ્કારો કર્યા છે. વિકાસની અનેક નવી દિશાઓ ખોલી છે. પણ સાથે સાથે તેનાં વિનાશક પરિણામોએ સમગ્ર માનવજાતની ઊંઘ પણ હરામ કરી દીધી છે. સમગ્ર વિશ્વ ઉપર પ્રદૂષણ રૂપી સંકટનાં વાદળો છવાયાં છે.જેણે માનવજાત જ નહીં સમગ્ર જીવસૃષ્ટિના અસ્તિત્વ સામે ખતરો ઊભો કર્યો છે. આજે સમગ્ર વિશ્વ સતત ભયના ઓથાર નીચે જીવી રહ્યું છે. વિકાસની ગુલબાંગો મારતા આપણે સૌ તેની ભયાનકતાથી થરથરી ઊઠીએ છીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીએ વિકાસની સાથે વિનાશનાં દ્વારો ખોલી નાખ્યાં છે. વિજ્ઞાનનો અમર્યાદ અને વિવેકબુદ્ધિ વગરનો ઉપયોગ આપણને કયાં દોરી જશે ? પર્યાવરણની અવગણનાના કારણે સમગ્ર વિશ્વમાં ન જોયા હોય, ન કલ્પ્યા હોય, ન સમજી શકાય તેવા કુદરતી બનાવો જેવા કે ધરતીકંપ, સુનામી, વાવાઝોડા, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઠંડી – ગરમીનું અવળું ચક્ર, હિમશિલાઓનું ઓગળવું, ઓઝોન થરમાં ગાબડાં, જંગલોમાં આગ જેવી અનેક આપત્તિઓ આજે સામાન્ય થઈ ગઈ છે. બીજી બાજુ આતંકવાદ, નકસલવાદ, યુદ્ધ, હત્યા, લુંટફાટ, ચોરી, બળાત્કાર, વાયુ અને જળપ્રદૂષણ, ખોરાકમાં ભેળસેળ, માનસિક અસમતુલા, અશાંતિ અને ન કલ્પી હોય તેવી બીમારીઓ અને દવાઓ તથા કેમીકલ્સની આડઅસરો; આ 21 મી સદી વિકાસની બની રહેશે કે વિનાશની? લાખો વર્ષ પહેલાં ભારતના ઋષિમુનિઓએ ગહન ચિંતન દ્વારા વૈજ્ઞાનિક શોધો કરીને પર્યાવરણના રક્ષણ અને પોષણ માટે સચોટ ઉપાયો શોધ્યા હતા. વેદોમાં લખ્યું છે. “ પૃથ્વી શાંતિ : અંતરીક્ષ શાંતિ : વનસ્પતય શાંતિ : ”. ઋષિ મુનિઓએ પોતાની પ્રાર્થના કદી મનુષ્યો સુધી સીમિત ન રાખતા સમગ્ર બ્રહ્માંડના કલ્યાણ અર્થે કરી છે. વર્તમાનકાળના વૈજ્ઞાનિકો અન્ય ગ્રહો ઉપર જીવસૃષ્ટિના અસ્તિત્વ માટે સંશોધનો કરી રહ્યા છે, ત્યારે હજારો વર્ષ પહેલાં રચાયેલા વેદોમાં “અંતરીક્ષ શાંતિ:,” એટલે કે પૃથ્વી સિવાયના અન્ય ગ્રહો ઉપર આવેલ જીવસૃષ્ટિની શાંતિ માટે પણ પ્રાર્થના કરી છે. આ વાત આપણને ગળે ઉતરે છે ? વેદોમાં “વનસ્પતય : શાંતિ :” ભારતના મહાન વૈજ્ઞાનિક જગદીશચંદૃ બોઝે કેટલાંક વર્ષો પહેલાં શોધ્યું કે વનસ્પતિમાં જીવ છે, એ વાત લાખો વર્ષ પહેલાં ભારતનાં ઋષિમુનિઓએ વેદોમાં લખી છે. વનસ્પતિનાં રક્ષણ, પોષણ અને સંવર્ધન માટે માનવજાતને ચોક્કસ દષ્ટિ અને દિશા આપી છે. હિન્દુ ધર્મશાસ્ત્રોના ચિંતનમાં તુલસી, પીપળો, વડ વગેરે વૃક્ષોની પૂજા કરીને વનસ્પતિના મહત્ત્વને ધર્મ અને માનવજીવનની દૈનંદિન પ્રવૃત્તિ સાથે વણી લીધા છે. “સાદુ જીવન, ઉચ્ચ વિચાર”વાળી વિક્રેન્દ્રિત, સ્થાનિક, કુદરત આધારિત, સ્વાવલંબી ; વ્યક્તિ, સમષ્ટિ અને પરમેષ્ટિ સુધી જીવ માત્રના કલ્યાણની “વસુધૈવ કુટુમ્બકમ્” ની સર્વજીવ હિતાવહ, સર્વ મંગલકારી, સર્વ કલ્યાણકારી, જીવસૃષ્ટિ અને પ્રકૃતિ સાથેના તાદાત્મ્યવાળી, વર્તમાન સમયને અનુરૂપ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે ધર્મ, નૈતિક મૂલ્યો, આહાર – વિહાર, સામાજિક અને આર્થિક પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડી શ્રેષ્ઠ સમાજવ્યવસ્થાના નિર્માણ માટે કાર્યયોજના તૈયાર કરવાનો સમય પાકી ગયો છે. આપણે, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે મનાવીએ છીએ. પર્યાવરણરક્ષા એટલે જમીન, જળ, જંગલ, જાનવર અને જીવની રક્ષા. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ – આપણા પંચમહાભૂતનું બેલેન્સ એટલે પર્યાવરણરક્ષા. વિશ્વ પર્યાવરણદિન નિમિત્તે ભારતીય ચિંતનમાં “ગૌમાતા” નું સ્મરણ કરવું અતિ આવશ્યક છે. ગૌમાતાનું જીવન જ પર્યાવરણ સંવર્ધનનું ઉત્તમ દૃષ્ટાન્ત છે. ગૌમાતાનું વૈજ્ઞાનિક મહત્ત્વ સમજીશું તો તેનું મૂલ્ય સમજમાં આવશે. ગૌમાતાનું પંચગવ્ય – દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર અને સમગ્ર શરીર પર્યાવરણ સંવર્ધન માટે જ છે. गोभ्यो हविः प्रजायेत यज्ञसिद्धिस्ततोऽनिशम् । यज्ञाद् भवति पर्जन्यः पर्जन्यादन्नसंभवः ॥ अन्नाज्जीवन्ति लोकेऽस्मिन् पशुपक्षिनरादयः । ततः स्वास्थ्यबलोपेतो मानवः कर्मतत्परः ॥ धनं भोगांश्च पुण्यं च समुपार्जयते सदा । तैरभ्यर्च्य हरि साक्षाद् ध्रुवं मोक्षमुपाच्छेति ॥ ગાયોથી હવિ (યજ્ઞમાં અર્પણ થતું ઘી વગેરે) પ્રાપ્ત થાય છે અને તેનું ફળ યજ્ઞસિદ્ધિ રૂપે સતત મળે છે. યજ્ઞથી મેઘ પ્રગટે છે અને મેઘથી અન્નની ઉત્પત્તિ થાય છે. આ અન્નથી જ સમગ્ર જગતમાં પશુ, પક્ષી અને મનુષ્યો જીવે છે. આમ સ્વસ્થ અને બળવાન મનુષ્ય કર્મ માર્ગે લાગણીપૂર્વક પ્રવૃત્ત થાય છે. તે મનુષ્ય સદૈવ ધન, ભોગ અને પુણ્ય પ્રાપ્ત કરે છે. આ સર્વ થકી ભગવાન હરિની આરાધના કરીને, અંતે અવશ્ય મુક્તિ (મોક્ષ) પામે છે. કચ્છના વડીલમિત્ર વેલજીભાઇ ભુંડિયાએ ગાયનાં દૂધ અને ગોળના મિશ્રણ દ્વારા વનસ્પતિના છોડ, ફળ – ફૂલ, વૃક્ષનાં પોષણ અને વૃદ્ધિ માટેના પ્રયોગો કરી સિદ્ધ કરી બતાવ્યું છે કે આ મિશ્રણ શ્રેષ્ઠ ગ્રોથ પ્રમોટર છે. સાથે કીટનિયંત્રક છે. આમ દૂધ દ્વારા ગૌ માતા અપ્રત્યક્ષ રીતે પર્યાવરણ સંવર્ધનનું કાર્ય કરે છે. ગાયનું દૂધ અમૃત છે. ગાયનાં છાશ, દહીં, માખણ અને ઘી શ્રેષ્ઠ અને ગુણકારી છે. શ્રેષ્ઠ આહાર છે. ઉત્તમ ઔષધિ છે. તેના સેવનથી દવા અને કેમીકલની આડઅસરો ઘટશે. ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થશે. પંચગવ્યનો જેટલો ઉપયોગ વધુ એટલી દવાની જરૂર ઓછી અને કેમીકલ્સની આડઅસર જેટલી ઓછી એટલી પર્યાવરણરક્ષા વધુ ! ગાયનું ઘી અને પંચામૃત જે યજ્ઞ- હવનમાં ઉપયોગમાં લેવાય છે, તે એક જાતનું “ફ્યુમીગેશન” છે, “હવાઈ સ્પ્રે” છે. જર્મનીના વૈજ્ઞાનિક ડો. ઉલરીચ બર્કે “હોમા થેરાપી”ના પ્રયોગો દ્વારા સિદ્ધ કરી બતાવ્યું છે કે ગાયનાં પંચગવ્યમાં એન્ટીબેકટીરિયલ, એન્ટીફંગલ, એન્ટિવાયરસ પ્રોપર્ટી છે. ઘી ના પ્રજવલનથી એસીટીલીક એસિડ, ફોર્માલ્ડીહાઇડ જેવા અનેક વાયુઓનું ઉત્સર્જન પર્યાવરણને શુદ્ધ કરે છે. મહર્ષિ મહેશ યોગી યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓ દ્વારા કરાયેલ યજ્ઞો દ્વારા પણ આ વાતને વૈજ્ઞાનિક પુષ્ટિ મળી છે. પર્જન્ય યજ્ઞથી વરસાદને ખેંચી લાવવા માટે વાતાવરણ સાનુકૂળ થાય છે. ઓઝોન લેયરમાં થતાં ગાબડાંને રોકવાની તાકાત આવા યજ્ઞમાં છે. પંચગવ્ય દ્વારા પર્યાવરણ શુદ્ધિના અનેક પ્રયોગો ગાયત્રી પરિવાર અને અન્ય આધુનિક પ્રયોગશાળામાં થઇ રહ્યાં છે. ગૌમૂત્ર એન્ટીબેકટીરીયલ, એન્ટીવાઈરલ, એન્ટીકેન્સર, એન્ટીઓકસીડન્ટ ગુણો ધરાવે છે. ગૌમૂત્રનો છંટકાવ ઘરની આસપાસનું વાતાવરણ શુદ્ધ રાખે છે. ગૌમૂત્રનો પેસ્ટીસાઈડ, કીટનાશક તરીકેના ઉપયોગ દ્વારા કેમીકલ દવાઓની ઝેરી અસરોથી બચાવી કરોડો જીવોને આરોગ્ય પ્રદાન કરે છે અને જમીનની ઉર્વરા શકિત વધારે છે. ગાયનું ગોબર ઉત્તમ ફર્ટીલાઇઝર- ખાતર છે તે આપણે સૌ જાણીએ છીએ. ગોબરમાથી આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવતાં વર્મીકમ્પોસ્ટ, પ્રવાહી જીવામૃત, ઘન જીવામૃત અને હ્યુમસ જમીનની ઉર્વરા શક્તિ વધારે છે. કેમિકલ અને પેસ્ટીસાઈડથી જમીનને બચાવે છે. ઉપયોગી માઇક્રોફલોરાની વૃદ્ધિ કરે છે. તંદુરસ્ત વૃક્ષ – છોડની વૃદ્ધિમાં સહભાગી થાય છે. એલન સેવરી નામના વૈજ્ઞાનિકે ગાયોને જંગલમાં ચરવાથી જંગલોનો નાશ નહીં પરંતુ જંગલની વનસ્પતિ સંપદામાં વૃદ્ધિ થયાનું પ્રતિપાદિત કર્યું છે. ગાયનાં ગૌમૂત્ર અને ગોબરથી જમીનની ઉર્વરા શક્તિ વધવાથી આમ બન્યાનું તેનું તારણ છે. ગોબર વિકિરણોનું શોષણ કરી જીવમાત્રનું રક્ષણ કરે છે. માટે જ આપણે ત્યાં ગોબરથી ઘર – આંગણામાં લીંપણની પદ્ધતિ વિદ્યમાન હતી. બળદ આધારિત ખેતી અને ટ્રાન્સપોર્ટ દ્વારા કરોડો રૂપિયાનાં ડીઝલની બચત ઉપરાંત ડીઝલનો ધુમાડો બંધ થતાં પર્યાવરણ શુદ્ધ રહે છે. સજીવ ખેતીને પ્રોત્સાહન મળશે. ગાયનાં ગોબરમાંથી બાયોગેસ, સીએનજી બનાવવાથી પ્રદૂષણ અટકશે. વધુમાં, ગાયોનાં ગોબરનો ઉપયોગ ઇકોફ્રેન્ડલી હાઉસ હોલ્ડ, કોસ્મેટિક અને ડેકોરેટિવ આર્ટીકલ્સ બનાવવાના GCCI એ પહેલ કરી છે. ગાયનાં ગોબરમાંથી પર્યાવરણરક્ષક ગણેશ, લક્ષ્મી અને અન્ય દેવ- દેવીઓની તેમજ મહા પુરુષોની પ્રતિમા , રોપાના કુંડા, દીવા, ધૂપબત્તી, પેન સ્ટેન્ડ, ટેબલ પીસ, ફોટો ફ્રેમ, કી ચેઇન, નેઈમ પ્લેટ, રાખડી, ઘડિયાલ, ધૂળેટીના કલર, રંગોળી, ટાઇલ્સ, બ્રીક અને પેઇન્ટ જેવા અનેક ઉપયોગી આર્ટીકલ્સ બનાવવાનું શરૂ થયું છે. જેથી મહિલા અને યુવા રોજગારીનાં નવાં દ્વાર ખુલ્યાં છે. ગોબરમાંથી બનાવેલી લાકડી આજકાલ સ્મશાનમાં અગ્નિદાહ માટેનાં ઈમારતી લાકડાના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાનું શરૂ થયું છે. જેથી વૃક્ષોનું છેદન અટકશે અને પર્યાવરણરક્ષા થશે. ગાયના મૃત્યુ બાદ ગાયના શબને જમીનમાં સમાધિ આપીને “સમાધિ ખાતર” બનાવાય છે, જે સારામાં સારું ગ્રોથ પ્રમોટર છે, ગાય – બળદના મૃત્યુ બાદ તેના શીંગડામાંથી બનતું “શિંગ ખાતર” તો એટલું મૂલ્યવાન છે કે તેની કિંમત લાખોમાં આંકી શકાય ! આ ખાતર ખેતરમાં છાંટી દેવાથી જમીનની ઉર્વરા શક્તિ અનેકગણી વધી જાય છે. ભારતના વૈજ્ઞાનિકોએ હમણાં ગાયના પંચગવ્ય અને હર્બલના મિશ્રણથી તૈયાર પ્રવાહીના દૃવ્યના પ્રયોગો દ્વારા પ્રદૂષિત તળાવો, સરોવરો તથા નદીઓનું પ્રદૂષણ દૂર કર્યું છે. જળપ્રદૂષણ દૂર કરી શુદ્ધ જળ માટે આ શોધ અતિ ઉપયોગી પુરવાર થઈ છે. ગાયની ઓરા વાતાવરણને પવિત્ર અને શુદ્ધ રાખે છે. ગાયનું સાન્નિધ્ય વાતાવરણની શુદ્ધતા ઉપરાંત પ્રેમ, કરુણા, વાત્સલ્ય, દયા, મનની શાંતિ અને પવિત્રતા વધારવાનું તથા નકારાત્મક વિચારો અને વાઈબ્રેશનને રોકવાનું કાર્ય કરે છે. વ્યક્તિ, કુટુંબ, ગ્રામ, સમાજ અને વૈશ્વિક બંધુત્વની ભાવનાને સાકાર કરવાનું માધ્યમ છે ગાય; આમ ગાય માનસિક પ્રદૂષણ રોકવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. ગાય હરતું ફરતું ઔષધાલય છે. હરતું ફરતું આરોગ્યકેન્દ્ર છે. હરતું ફરતું દેવાલય છે. ગૌ માતા સાચા અર્થમાં પર્યાવરણની દેવી છે.ગાય દ્વારા જળ, જમીન, જંગલ, જનાવર, અને જાણ સમુદાયના સંવર્ધન માટે સૌ ગૌ સેવા – ગૌ રક્ષા – ગૌ સંવર્ધન માટે સમર્પિત બનીએ તો પર્યાવરણ દિન ની ઉજવણી વધુ સાર્થક થી ગણાશે.



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































