વિશ્વ શાંતિ મિશન માટે દિલ્હીમાં પુજ્ય મોરારી બાપુની નવ દિવસીય રામકથા – વિજેન્દ્ર ગુપ્તા

ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજી દ્વારા રામકથાનું આયોજન – વિધાનસભા અધ્યક્ષ
ભારત મંડપમ ખાતે 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે મોરારી બાપુની રામકથા – આચાર્ય લોકેશજી
દિલ્લી વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તા તથા અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીએ સંયુક્ત પ્રેસવાર્તાલાપમાં આવનારા નવું વર્ષ 2026ના પ્રારંભે યોજાનારી પૂજ્ય મોરારી બાપુની રામકથા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વિધાનસભાના અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ જણાવ્યું કે દેશની રાજધાની દિલ્હીમાં એક ઐતિહાસિક અને પ્રેરણાદાયી ઘટના થવા જઈ રહી છે. ઇતિહાસમાં પ્રથમ વખત જૈન આચાર્ય લોકેશજીના સંકલ્પથી ભારત મંડપમ, નવી દિલ્હીમાં રામકથાનું આયોજન થઈ રહ્યું છે, જેમાં પ્રખ્યાત કથાવાચક પૂજ્ય મોરારી બાપુ વિશ્વ શાંતિ મિશન માટે નવ દિવસીય રામકથા કરશે.
અધ્યક્ષ વિજેન્દ્ર ગુપ્તાએ વધુમાં કહ્યું કે ભગવાન શ્રીરામ ભારતની આત્મા અને અસ્મિતાના પ્રતીક છે. તેમનો જીવનચરિત્ર શિસ્ત, સંયમ, ત્યાગ, કરુણા, નારી સન્માન અને મૂલ્યનિષ્ઠ જીવનની પ્રેરણા આપે છે. નવ દિવસીય રામકથાથી દિલ્હી અને ખાસ કરીને યુવા પેઢીમાં સંસ્કાર, ચરિત્ર અને વ્યક્તિત્વ નિર્માણમાં મોટો ફાળો મળશે. આ રામકથા દ્વારા “વસુધૈવ કુટુંબકમ”, કરુણા, પ્રેમ, શાંતિ અને માનવતાનો સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાશે.
જૈન આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે આ રામકથા આયોજન સમિતિના અધ્યક્ષ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય રામનાથ કોવિંદ છે અને મુખ્ય સંરક્ષક તરીકે વિધાનસભા અધ્યક્ષ શ્રી વિજેન્દ્ર ગુપ્તા જોડાયા છે. મોરારી બાપુએ વિશ્વ શાંતિ કેન્દ્રના ઉદ્ઘાટન સમયે વિશ્વ શાંતિ મિશન માટે દિલ્હીમાં નવ દિવસીય રામકથા કરવાની જાહેરાત કરી હતી, જે હવે આવનારૂ નવું વર્ષ 2026ની શરૂઆત સાથે સાકાર થવા જઈ રહી છે.
આયોજન સમિતિ તરફથી પ્રદીપ જિંદલ અને ડૉ. આલોક ડ્રોલિયાએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતી સંસ્થા દ્વારા ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હીના મલ્ટી પર્પઝ હોલ ખાતે 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન આ રામકથા યોજાશે. 17 જાન્યુઆરીએ સાંજે 4 વાગ્યે શુભારંભ થશે અને 18 થી 25 જાન્યુઆરી સુધી દરરોજ સવારે 10 થી બપોરે 1 વાગ્યા સુધી કથાનું આયોજન રહેશે.
આ રામકથા માટે દેશના પ્રધાનમંત્રી, કેન્દ્ર સરકારના મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ, વિશ્વવિખ્યાત આધ્યાત્મિક ગુરુઓ, ઉદ્યોગપતિઓ અને સમાજસેવીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા, સિંગાપુર, યુએઇ સહિત અનેક દેશોથી અને ભારતના વિવિધ પ્રદેશોમાંથી આશરે રોજ 4000 શ્રદ્ધાળુઓ રામકથા શ્રવણ માટે આવશે, જેના કારણે સાંસ્કૃતિક મૂલ્યોના આદાન-પ્રદાન સાથે ટુરીઝમના ક્ષેત્રને પણ નવી દિશા મળશે.














































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































