#Blog

19 ઓગસ્ટ, “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”

ફોટોગ્રાફી,મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી

19 ઓગષ્ટ, 1939નાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિવસ” તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી. દર વર્ષે 19 ઓગષ્ટનાં દિવસને “વિશ્વ ફોટોગ્રાફી દિન” તરીકે ઉજવવામાં આવે છે. ઈ. સ. 1839માં જીપ્સે અને ડાગુરે નામનાં વૈજ્ઞાનીકોએ ફોટોગ્રાફીની શોધ કરી ત્યારથી પીનહોલ કેમેરા, BOX કેમેરા અને આજનાં અતિ આધુનિક ડીજીટલ કેમેરા સુધીની વિકાસયાત્રા અવિરત રહી. ઈ. સ. 1558માં આ ગીસોવાનાં બાટીસ્ટા ડેલાપાર્તા નામનાં વ્યક્તિએ અંધારાવાળું નાના કાણાં વાળું બોક્સ બનાવ્યું. જેને ઓબ્સ્ક્યોરા નામ અપાયું ત્યારબાદ ઈ. સ. 1826માં ફિલ્મની શોધ થઇ. 1839માં અમેરિકન વૈજ્ઞાનિક જ્યોર્જ ઈસ્ટમેને કોડાક કંપનીની સ્થાપના કરી, કોડાકનો બોક્સ કેમેરા વિશ્વ બજારમાં મુકયો. કેમેરાનાં લેન્સની શોધ થતા જ આજે અતિ આધુનિકથી લઈને સરળ કેમેરા પણ અસ્તિત્વમાં આવ્યા છે. આજે તો ડીજીટલ લેબ શરુ કરી રોલ પ્રોસેસિંગ માટેની લેબ દ્વારા લોકોને ઝડપથી, સુલભ અને મનપસંદ સ્ટાઇલની વિવિધ ફોટોગ્રાફીનો લાભ મળે છે. આમ, માનવીની ઈચ્છાશક્તિને વિજ્ઞાનને આસમાને પહોચાડનાર ફોટોગ્રાફી કલાને વંદનનો દિવસ એટલે “વિશ્વ ફોટોગ્રાફી દિવસ”.
પહેલાનાં સમયમાં જ્યુજ જોવા મળતા કેમેરા આજે બે વર્ષનાં બાળકથી લઈને વૃદ્ધ થયેલા વ્યક્તિનાં હાથમાં પણ મોબાઈલ સ્વરૂપે જોવા મળે છે. લોકો જે જુએ છે, જાણે છે તેને કાયમ કેદ કરવા મથે છે અને માણસનાં મનની આ જ આદતે તેને કેમેરાનો આદિ બનાવી મૂકી છે. વર્ષો પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ફોટા સાથે બેસીને જોવામાં આખો પરિવાર જે આનંદની અનુભૂતિ કરતો હતો તે જ આજે વિવિધ સ્થળોએ પોતાનાં ફોટાઓ પાડીને કે પછી પાડેલા ફોટાઓ જોઇને સંતોષાતો નથી. ક્યાંક દેખાડો તો ક્યાંક અંતરની કામના કોઈ પણ સ્થળે વ્યક્તિને ફોટા પાડવાની આ અંતરંગ પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ પાઠવતી નથી. મોબાઈલ પણ ઊંધાં ફેરવીને મોટા ભાગે પોતાનાં જ ફોટા પાડનારા વ્યક્તિઓ માટે તેમની ડીમાંડ સમજીને મોબાઈલ કંપનીઓએ સેલ્ફી સીસ્ટમ પણ લાવી, પરંતુ આ નવી અજાયબીથી અંજાઈ ગયેલો યુવા વર્ગ કેટકેટલાં ખતરનાક કારનામાનો કરે છે જેનાં સંભારણા રોજ રોજ છાપામાં જોવા મળે છે. વળી કોઈ અમુક સ્થળે ફરવા જાય છે ત્યારે ત્યાં મેળવેલી ખુશી, આનંદિત થયેલું મન અને યાદોને સાચવી રાખવા માટે પાડવામાં આવતા ફોટાને બદલે જે સોશિયલ મીડિયા પર પાડેલા ફોટાનાં પેઈજ ભરાઈ જાય તેટલો ઢગલો કરીને પોસ્ટીંગ કરવાનો જે ટ્રેન્ડ છે તેમાં ક્યાંક ને ક્યાંક વ્યક્તિ પોતાનો અસલ આનંદ ખોઈ બેસે છે. ખરેખર તો મનુષ્યનું મન જ યાદોનું પ્રતિબિંબ છે. જેટલું મનુષ્ય તેનાં મનમાં સાચવી શકે છે તેટલું કદાચ તસવીરોમાં કેદ નહીં જ થઈ શકતું હોય. જો સમજતા આવડે તો ફોટોગ્રાફી એક એવી કળા છે જે માણસનાં મન અને હ્રદયની મનોકામનાઓ, તેનાં સ્વભાવ અને ખાસ કરીને તેનાં વિચારોનો તસ્વીર થકી પડઘો પાડે છે. ફોટોગ્રાફી એ ફોટોગ્રાફરનાં મનથી લઈને હ્રદય સુધીની બાયોગ્રાફી સમાન છે. જો કે આ બાબતમાં ફોટોગ્રાફીમાં કરવામાં આવતું વિભિન્ન પ્રકારનું દિગ્દર્શન પણ વત્તે ઓછે અંશે જવાબદાર છે.

  • મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *