બાયોગેસ પ્લાન્ટમાંથી મેળવો, ગેસ, ખાતર અને બનાવો ગોબર સ્ટિક

બાયોગેસ પ્લાન્ટ:
પશુપાલન સાથે જોડાયેલ ખેડૂત પરિવારો માટે તો બાયોગેસ પ્લાન્ટ આશીર્વાદરૂપ નીવડી શકે છે. આજે દેશનાં ઘણાં ગામડાંમાં સામુદાયિક કે વ્યક્તિગત રૂપે બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે. ગોબર ગેસ પ્લાન્ટ કરાવવાથી ઉકરડાની દુર્ગંધથી તો છૂટકારો મળે જ છે, સાથે-સાથે મહિલાઓનો સમય પણ બચે છે. આ ઉપરાંત બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા ગેસના કારણે ચૂલાના ધૂમાડાથી છૂટકારો મળે છે અને રાંધણ ગેસના ખર્ચમાંથી પણ છૂટકારો મળે છે.
બાયોગેસ પ્લાન્ટ બનાવતાં પહેલાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો:
પ્લાન્ટની નજીક પાણીનો કુવો હોવો જોઈએ નહીં.
પ્લાન્ટની નજીકમાં કોઈ ઝાડ હોવું ન જોઈએ.
પ્લાન્ટની નજીક જાજરૂનો શોષકુવો ન હોવો જોઈએ.
પ્લાન્ટ એવી જગ્યાએ ન બનાવવો જ્યાં ચોમાસામાં પાણી ભરાતું હોય.
દિવસે પ્લાન્ટ પર સૂર્યનો તડકો પડતો હોય તો વધારે સારું.
ગોબર ગેસ પ્લાન્ટમાં નાખવામાં આવતો રગડો એકરસ હોવો જોઈએ. (જેટલું છાણ હોય એટલું જ પાણી નાખી એકરસ કરવું અને અંદર કાંકરા હોય તો કાઢી લેવા. આ રગડો રોજ પ્લાન્ટમાં નાખવો.)
પ્લાન્ટ સાથેની પાઈપનું ફીટિંગ બરાબર હોવું જોઈએ, જેથી રસોડા સુધી બરાબર ગેસ પહોંચી શકે.
બાયોગેસ પ્લાન્ટના ફાયદા:
ઉકરડાની ઉર્ગંધથી છુટકારો મળે.
છાણાં થાપવાની મહેનત બચે.
ધૂમાડાના અને લાકડાં બાળવાના કારણે પર્યાવરણને થતા નુકસાનને અટકાવી શકાય.
રાંધણ ગેસનો ખર્ચ બચે.
ખેતર અને બગીચા માટે નિયમિત ખાતર મળતું રહે.
સામાન્ય રીતે ઘણી ગૌશાળાઓમાં છાણમાંથી ગાયનાં લાકડાં બનાવવામાં આવે છે, પરંતુ તેનાથી છાણના બીજા ફાયદા આપણે ગુમાવીએ છીએ. તેની જગ્યાએ આ છાણમાંથી ગોબર ગેસ ઉત્પન્ન કરવામાં આવે, તો તેનાથી ગેસ તો મળે જ છે, સાથે-સાથે તેમાંથી મળતી સ્લરીનો ઉપયોગ ખેતરમાં ખાતર તરીકે થાય છે અને છેલ્લા આઉટકમમાંથી આ ગોબર ડંડા બનાવી શકાય છે. જેનો ઉપયોગ આજકાલ ઘણાં સ્મશાનમાં કરવામાં આવે છે. જેથી એટલાં જંગલો કપાતાં અટકાવી શકાય છે.
-મિતલ ખેતાણી (મો. 70692 21999)







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































