વિચારપ્રદૂષણ, પર્યાવરણ પ્રદૂષણથી પણ વધારે ખતરનાક – આચાર્ય લોકેશજી
બેંગલુરુમાં આચાર્ય લોકેશજીના વિવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે.
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સંસ્થાપક તથા પ્રખ્યાત જૈન આચાર્ય લોકેશજી અઝીમ પ્રેમજી યુનિવર્સિટી, બેંગલુરુમાં યોજાનાર “સંવાદથી સદભાવના” સેમિનારનુ સંબોધિત કરશે. આ બે દિવસીય સેમિનારમાં દેશ અને વિશ્વના વિવિધ ભાગોમાંથી વિવિધ ધર્મો, પરંપરાઓ અને સંસ્થાઓના આગેવાનો બેંગલુરુ પહોંચી રહ્યા છે. વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ બેંગલુરુ રવાના થવા પૂર્વે જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રદૂષણ કરતા પણ વધુ ખતરનાક વિચાર પ્રદૂષણ છે. પરસ્પર સમજૂતીથી જ એકબીજા માટે પ્રેમ અને સદભાવ જાળવી શકાય છે. ભારતીય સમાજ વિવિધતાપૂર્ણ છે અને તેની વિશેષતા તેમાં રહેલા અનેક ધર્મો અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસામાં છે. આપણા દેશમાં વિવિધ ધર્મોના લોકો શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં રહ્યા છે. ‘સંવાદથી સદભાવના’ એવી પહેલ છે જે સમુદાયો વચ્ચેની આસ્થા અને માન્યતાઓને ઊંડાણપૂર્વક સમજવાનો અવસર આપે છે. આચાર્ય લોકેશજીએ અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું કે આ સેમિનાર વિશ્વ શાંતિ અને સદભાવના માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ત્રિદિવસીય બેંગલુરુ પ્રવાસ દરમિયાન આચાર્ય લોકેશજીના વિવિધ કાર્યક્રમો યોજાશે, જેમાં આર્ટ ઓફ લિવિંગના મુખ્યાલય ખાતે શ્રી શ્રી રવિ શંકરજી સાથે સંવાદ સંમેલન થશે. આ અવસરે આચાર્ય લોકેશજી અખિલ ભારતીય ઓસવાલ જૈન પરિષદને પણ સંબોધિત કરશે. પરિષદના સંસ્થાપક ચેરમેન રાયચંદ ખટેડ અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાજેશ મુણોતે જણાવ્યું કે આચાર્ય લોકેશજી દ્વારા સ્થાપિત ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્ર બાદ બેંગલુરુમાં તેમનું આ પહેલું આગમન છે. પરિષદના તમામ પદાધિકારીઓ અને કાર્યકરો તેમના સ્વાગત માટે ઉત્સાહિત છે.