#Blog

રાજકોટમાં ‘જલકથા’ની પૂર્વસંધ્યાએ કિર્તીદાન ગઢવીનો ભવ્ય લોકડાયરો

સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ના કલાકારો લોકડાયરામાં હાજરી આપશે

​ગીરગંગા પરિવાર ટ્રસ્ટ લોકસાહિત્ય સાથે જળસંચયનો સંદેશ આપશે

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટ ખાતે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’નું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહાકાર્યક્રમની પૂર્વ સંધ્યાએ તા. ૧૪ ડિસેમ્બરના રોજ રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે ગુજરાતના વિખ્યાત લોકકલાકાર શ્રી કિર્તીદાન ગઢવીના ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

      ​ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં યોજાનારી ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ એક સાંસ્કૃતિક અને સાહિત્યિક મહાકુંભ બનવા જઈ રહી છે. કવિશ્રી કુમાર વિશ્વાસ ભારતીય સંસ્કૃતિ, સાહિત્ય અને જીવન મૂલ્યોને તેમની આગવી શૈલીમાં રજૂ કરીને સૌરાષ્ટ્રની જનતાને એક અનન્ય અનુભવ કરાવશે. તેમની પ્રસ્તુતિ માત્ર મનોરંજન જ નહીં, પણ વિચાર અને પ્રેરણાની સરવાણી વહાવશે.

      ​ગીરગંગા પરિવાર ટ્રસ્ટ છેલ્લા ઘણા સમયથી જળસંચય ક્ષેત્રે સક્રિય છે અને સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં જળસંચય માટે 1,11,111 જળ સ્ટ્રકચરો કાર્યાન્વિત કરવા માટે સંકલ્પબદ્ધ છે. આ તમામ સેવાકીય કાર્યો માટે ભંડોળ એકત્ર કરવાના ભાગરૂપે આ ‘જલકથા’ અને લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે.

      ​જલકથા સ્થળે તારીખ ૧૪ ડિસેમ્બરના રોજ સાંજે 7.30 વાગ્યેથી યોજાનાર આ લોક ડાયરામાં ગુજરાતના વિશ્વપ્રસિદ્ધ કલાકાર શ્રી કિર્તીદાન ગઢવી અને તેમની ટીમ લોકસાહિત્યની વિરાસતને તેમની આગવી શૈલીમાં રજૂ કરશે. આ પ્રસંગે સુપરહીટ ગુજરાતી ફિલ્મ ‘લાલો’ની ટીમના કલાકારો પણ વિશેષ હાજરી આપશે, જે આ કાર્યક્રમની રોનક વધારશે.

      ​દરમિયાન, ડાયરામાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રની જનતાને હાજરી આપવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, લોકસાહિત્ય અને કલા એ આપણી સંસ્કૃતિનો આત્મા છે. કિર્તીદાનભાઈ જેવા કલાકારના સુરેલ કંઠે લોકગીતો અને ભજન સાંભળવા એ એક સુંદર અનુભૂતિ છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ગીરગંગા પરિવારના સેવાકાર્યોને વધુ વેગ આપવાનો છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *