જૈન આચાર્ય લોકેશજીએ યવતમાલમાં મોરારી બાપુજીની રામકથાને સંબોધિત કર્યું

યવતમાલમાં દર્ડા પરિવાર દ્વારા આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથાના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા જૈન આચાર્ય લોકેશજીએ કહ્યું કે ભગવાન શ્રીરામ ભારતની અસ્મિતાના પ્રતિક છે, ભારતની આત્મા છે. તેમનું ઉજ્જવળ જીવનચરિત્ર દરેક પેઢી માટે પ્રેરણાદાયી છે. પૂજ્ય મોરારી બાપુએ શ્રીરામકથાના માધ્યમથી સમગ્ર ભારત સાથે વિશ્વભરમાં નૈતિક, ચારિત્રિક અને માનવીય મૂલ્યોને જગાડવાનું અદભુત કાર્ય કર્યું છે. તેમણે લાલ કિલ્લાની પ્રાચીરથી લઈ સંયુક્ત રાષ્ટ્ર સંગઠન સુધી શ્રીરામ આધારિત ભારતીય સંસ્કૃતિના મૂલ્યોને વ્યાપિત કર્યા છે. આચાર્યજીએ જણાવ્યું કે મારા માટે આ સૌભાગ્યની વાત છે કે પૂજ્ય બાપુએ વિશ્વ શાંતિ કેન્દ્રના મિશન માટે 9 દિવસીય રામકથા આપી છે, જેનું આયોજન નવી દિલ્હીના સૌથી પ્રતિષ્ઠિત ભારત મંડપમમાં 17 થી 25 જાન્યુઆરી 2026 દરમિયાન થવાનું છે.
પૂજ્ય શ્રી મોરારી બાપુએ આ અવસર પર જણાવ્યું કે આચાર્ય લોકેશજીએ યવતમાલમાં કથામાં પધારીને સૌના ઉત્સાહમાં વધારો કર્યો છે. તેઓ વિશ્વભરમાં શાંતિનો સંદેશ ફેલાવી રહ્યા છે. હું દિલ્હી ખાતે ભારત મંડપમમાં વિશ્વ શાંતિ કેન્દ્ર મિશન માટે 9 દિવસીય રામકથા નું વાચન કરીશ. ચિંતામણિ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ મેદાનમાં યોજાયેલી શ્રીરામકથાનો આચાર્ય શ્રી લોકેશજી, યજમાન દર્ડા પરિવારના સભ્યોએ દીપ પ્રજ્વલન કરી શુભારંભ કર્યો. આ અવસર પર શ્રીરામકથાના આયોજક લોકમત મીડિયા ના ચેરમેન ડૉ. વિજય દર્ડા, લોકમત ગ્રુપના એડિટર-ઇન-ચીફ શ્રી રાજેન્દ્ર દર્ડાએ પૂજ્ય શ્રી મોરારી બાપુ પ્રત્યે આભાર વ્યક્ત કરી સૌ અતિથિઓનું સ્વાગત કર્યું. ઇસ્કોન ગ્રુપના ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટક સહિત મુંબઈ, નાગપુર, અમદાવાદના શ્રદ્ધાળુઓ તથા યવતમાલ શહેરના મંત્રી, સાંસદ, ધારાસભ્ય અને સર્વ જાતિ-ધર્મ-વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.