4 ડિસેમ્બર, “ઇન્ડિયન નેવી ડે”

“ઇન્ડિયન નેવી ડે” એટલે કે “ભારતીય નૌસેના દિવસ” દર વર્ષે 4 ડિસેમ્બરે ઉજવવામાં આવે છે. આ દિવસ મુખ્યત્વે વર્ષ 1971નાં ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય નૌસેના (Indian Navy)ની જીતના રૂપમાં ઉજવવામાં આવે છે. એ સમયે ભારતીય નૌકાદળે પ્રથમ વખત એન્ટીશીપ મિસાઈલનો ઉપયોગ કર્યો હતો. ભારતમાં નૌસેનાની સ્થાપના પહેલીવાર 1612માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના જહાજોની સુરક્ષા માટે કરી હતી. સમયની સાથે વહીવટી પ્રક્રિયા અને જવાબદારીઓ બદલાતી ગઈ ત્યારબાદ તે સંપૂર્ણપણે ભારતીય બની. ઇસ્ટ ઇન્ડિયા કંપનીનાં માધ્યમથી અંગ્રેજો જયારે ભારતમાં આવ્યા ત્યારે તેમને પણ પોતાના જહાજોની ચિંતા હતી અને એટલે જ પોતાનાં જહાજોની સુરક્ષા માટે જ તેમણે ખાસ કરીને નૌસેનાનું ગઠન કર્યું હતું પછીથી તેને “રોયલ ઇન્ડિયન નૌસેના” આપવામાં આવ્યું હતું. ભારતની આઝાદી પછી 1950માં નૌસેનાની ફરીથી રચના કરવામાં આવી. 26 જાન્યુઆરી, 1950ના રોજ ભારત ગણતંત્ર બન્યુ અને આ દિવસે ભારતીય નૌસેનાએ પોતાના નામમાંથી ‘રોયલ’નો ત્યાગ કર્યો. એ સમયે ભારતીય નૌસેનામાં લગભગ 11000 અધિકારી અને નૌસૈનિક હતા. 2015નાં એક સર્વે અનુસાર ભારતીય નૌસેના વિશ્વની પાંચમાં નંબર પર આવતી નૌસેના હતી. આજે જયારે દેશમાં સૌ શાંતિનો શ્વાસ લઈને ગમે ત્યાં હરી ફરી શકે છે, શાંતિપૂર્ણ રીતે ઉત્તમ જીવનશૈલી ભોગવાનો આનંદ માણી શકે છે તો ફક્ત દેશનાં સૈનિકોનાં ત્યાગ અને બલીદાનથી જ શક્ય બન્યું છે. તેમનાં ત્યાગને શત શત નમન કરવા જ રહ્યા.
- મિત્તલ ખેતાણી(મો. 98242 21999)








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































