22 મે, “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ”

વૃક્ષ એટલે ઓકિસજનનું નિ:શુલ્ક કારખાનું
વૃક્ષમ શરણં ગચ્છામિ.
દર વર્ષે 22 મે નાં રોજ વિશ્વભરમાં “આંતરરાષ્ટ્રીય જૈવ-વિવિધતા દિવસ” મનાવવામાં આવે છે. સૌ પ્રથમ 1993માં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પહેલાં આ દિવસ 29 ડિસેમ્બરનાં રોજ મનાવવામાં આવતો હતો. 2001 થી તે દર વર્ષે 22 મે નાં રોજ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય જૈવ-વિવિધતા અંગે લોકોને જાગૃત કરવાનો છે. તેમજ ઇકોસિસ્ટમ સ્તરે જૈવિક વિવિધતાને જાળવી રાખવાનો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં તેનું મહત્વ વધ્યું છે. જયારે ચોમાસાનું આગમન નજીક છે ત્યારે આ સમય વૃક્ષો વાવવા માટે ઉત્તમ છે. જો એક વ્યક્તિ એક વૃક્ષ વાવવાનું, તેનું જતન કરવાનું નક્કી કરે તો હજ્જારો વૃક્ષોનાં વાવેતર દ્વારા અખૂટ પ્રાણવાયુનું ઉત્પાદન શક્ય બની શકે છે. પીપળો, વડ, લીમડો, કરંજ, ખાટી આંબલી, દેશી આસોપાલવ, ગરમાળો, શીમળો, સેવન, મહુડો, શીસમ, સીતા અશોક, અર્જુન, તુરા આંબળા, પારીજાત, વસંત, પારસ પીપળો, કદમ, બિલ્લી, સોપારી, ફણસ, રગતરોહીડો, રૂખડો વગેરે જેવા વૃક્ષો ગામમાં વાવી શકાય છે. ચકલી જેવા પક્ષીઓ માટે વૃક્ષ ઉંબરો, સેતુર, બદામ, મીઠી આંબલી, ફાલસા, રાયણ, ખીજડો, દેશી બાવળ, લીચી, અંજીર, ઉંબરી, ગુંદી, ગુંદો, જામફળ, જાંબુ, ચિકુ, દાળમ, પિપડી, પીલુ ખારા + મીઠા, દેશી આંબો વગેરેનાં વાવેતરથી કુદરતનાં ફળ પક્ષીઓનું પણ જતન કરી શકાય છે. આધુનિક સમયમાં જૈવ-વિવિધતાનાં વિષય પર ધ્યાન આપવાની જરૂર છે. ગ્લોબલ વોર્મિંગનાં કારણે પર્યાવરણમાં વિશેષ પરિવર્તન આવ્યું છે. આ માટે પર્યાવરણ સંરક્ષણ પર ભાર મુકાયો છે. વર્તમાન સમયમાં છોડ અને પ્રાણીઓની ઘણી જાતો લુપ્ત થઈ ગયેલી જોવા મળી છે. પર્યાવરણીય સંતુલન માટે પ્રાણીઓનું સંરક્ષણ પણ જરૂરી છે. કુદરતી સંસાધનોનું વિચારવિહીન શોષણ, જેમ કે ગોચરની જમીન પર કબજો કરવો, બળતણ માટે જંગલો કાપવા, પાણીના સ્ત્રોતોનો બગાડ કે તેનો જરૂરીયાત કરતા વધુ ઉપયોગ કરવો અને જંતુનાશકોનો ઉપયોગ જૈવિક વિવિધતાનાં નુકશાનમાં ફાળો આપે છે.
-મિત્તલ ખેતાણી (મો. 98242 21999)



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































