#Blog

શિક્ષણ મંત્રી અને યુજીસી અધ્યક્ષને પત્ર દ્વારા ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ દેશની વિશ્વવિદ્યાલયોમાં ‘કામધેનુ પીઠ/ચેર’નીસ્થાપના કરવા અપીલ કરી.

જીસીસીઆઇના અધ્યક્ષ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગના પૂર્વ અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ ભારત સરકારના શિક્ષણ મંત્રીશ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના અધ્યક્ષ વિનીતજોશી ને પત્ર લખી મહત્ત્વપૂર્ણ સૂચન આપ્યું છે. તેઓએ દેશભરની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં ‘કામધેનુ ચેર’ અથવા ‘કામધેનુ પીઠ’ સ્થાપવાનો આગ્રહ કર્યો છે અને જણાવ્યું છે કે આ પ્રયત્ન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ–2020, UNO દ્વારા આપવામાં આવેલ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDGs) અને ભારતીય સંસ્કૃતિ અને બંધારણના ઉદ્દેશો સાથે સુસંગત છે.
ડૉ. કથીરિયાએ યુજીસી દ્વારા તાજેતરમાં જારી કરાયેલા પત્ર અંતર્ગત ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પશુ કલ્યાણ સમિતિઓની સ્થાપનાની પહેલને વધાવી છે. તેઓએ જણાવ્યું કે આ પહેલ ન માત્ર વિદ્યાર્થીઓમાં કરુણા, સંવેદના અને નૈતિક મૂલ્યોનું સંસ્કારોનું સિંચન કરશે પરંતુ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને વિકાસની દિશામાં પણ મોટું યોગદાન આપશે.
કામધેનુ પીઠ- કામધેનુ ચેર ની સંકલ્પનાને ડૉ. કથીરિયાએ એક સંકલિત શૈક્ષણિક અને રોજગારોના દૃષ્ટિકોણ તરીકે રજૂ કરી છે, જેનો ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને ગ્રામ્ય સમુદાયોને દેશી ગૌવંશના વૈજ્ઞાનિક, કૃષિ, પર્યાવરણીય, આર્થિક અને આધ્યાત્મિક મહત્વ અંગે જાગૃત કરવાનો છે. આ કામધેનુ ચેર 'મેક ઈન ઈન્ડિયા' અને 'આત્મનિર્ભર ભારત' જેવા રાષ્ટ્રીય અભિયાનો સાથે જોડાઈને આરોગ્ય, ગૌ આધારિત પ્રાકૃતિક ખેતી, પંચગવ્ય, ગૌઆધારિત ઉદ્યોગો, મહિલા સશક્તિકરણ, ગરીબી નાબુદી અને પર્યાવરણીય સંતુલન માટે મજબૂત આધાર પૂરું પાડી શકે છે.
ડો. કથીરિયાએ આગ્રહ કર્યો છે કે આ કામધેનુ ચેર સરકાર, યુજીસી, ICAR તથા અન્ય સંબંધિત સંસ્થાઓના સહયોગથી કાર્ય કરે અને શિક્ષણ, સંશોધન, તાલીમ તથા ગ્રામ્ય વિસ્તારોમાં વિસ્તૃત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે. દરેક યુનિવર્સિટી કે કોલેજમાં એક નિપુણ વિશેષજ્ઞને ‘કામધેનુ ચેર પ્રોફેસર’ તરીકે નિમણૂક કરી શકાય, જે સંશોધન, નવીનતા અને સ્ટાર્ટઅપ ક્ષેત્રે માર્ગદર્શન આપે.
ડૉ. કથીરિયાએ સરકારને આ દિશામાં નીતિ ઘડવા માટે વિનંતી કરી છે, જેથી ભારતમાં પ્રાચીન ગૌસંસ્કૃતિ અને જૈવ વૈવિધ્યતાની રક્ષા સાથે સાથે જ વિકાસ અને યુવાઓ માટે નવી તકો ઊભી કરી શકાય.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *