રાષ્ટ્ર અને ભારતીય સંસ્કૃતિના હિતમાં, સંવિધાનના દાયરામાં રહીને ગૌ માતાને સેવા, સુરક્ષા અને સન્માન પ્રાપ્ત થાય તે હેતુથી સમગ્ર દેશમાં “ગૌ સન્માન આહ્વાન અભિયાન” ચાલી રહ્યું છે, જે ગૌ સંરક્ષણ, ગૌ સંવર્ધન અને ગૌ આધારિત આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ અને વ્યાપક જનઅભિયાન તરીકે ઉપસી રહ્યું છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ભાવનાત્મકની સાથે સામાજિક, આર્થિક, વૈજ્ઞાનિક અને પર્યાવરણલક્ષી દૃષ્ટિકોણથી ગૌમાતાના મહત્વને સ્થાપિત કરવાનો છે. ગૌ આધારિત કૃષિ, ઓર્ગેનિક ખેતી, પંચગવ્ય આધારિત ઉત્પાદનો, ગોબર ગેસ, ગૌમૂત્ર આધારિત ઔષધિઓ અને ગ્રામિણ રોજગારી સર્જન જેવા ક્ષેત્રોમાં ગૌ આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવાની દિશામાં આ અભિયાન પ્રેરણાદાયી બની રહ્યું છે.
આ અભિયાન અંગે જી.સી.સી.આઈ.ના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ ગૌપાલકો અને ગૌપ્રેમી જનતાને માહિતગાર કરવા ડો.વલ્લભભાઈ કથીરિયાના માર્ગદર્શન હેઠળ અભિયાનના ઉદ્દેશ્યો, કાર્યક્રમો, રાજ્યવાર આયોજન, સ્થાનિક સ્તરે કાર્યપદ્ધતિ અને ભવિષ્યની કાર્યયોજનાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી તેમજ ગૌ સન્માન માટે દેશ ભરમાંથી ઓનલાઈન જોડાયેલ સમાજના દરેક વર્ગને આ અભિયાનમાં જોડવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ અભિયાન અંતર્ગત દેશના વિવિધ રાજ્ય, જિલ્લા અને તાલુકા સ્તરે ગૌપ્રેમીજન દ્વારા શાંતિપૂર્ણ કાર્યક્રમો, જનજાગૃતિ અભિયાન, સંકીર્તન યાત્રા, પ્રાર્થના સભા અને ગૌ સંવાદ મિટિંગો યોજાઈ રહી છે. ખાસ કરીને યુવા શક્તિને જોડવા માટે ડિજિટલ પ્લેટફોર્મ, વેબિનાર, સોશિયલ મીડિયા અભિયાન અને શિક્ષણ સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવી રહ્યા છે. આ સાથે ગૌશાળા સંવર્ધન, ગૌચર જમીન સંરક્ષણ, દેશી જાતિના પશુઓના સંવર્ધન અને ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ સ્તરે માર્ગદર્શન અને સહયોગ આપવામાં આવી રહ્યો છે.
આ ઓનલાઈન બેઠકમાં ગૌ સન્માન આહ્વાન અભિયાન અંગે પ.પૂ. સાધ્વી આરાધના ગોપાલ સરસ્વતીજી એ માહિતી આપતા કહ્યું કે આ અભિયાન માટે કેટલીક અત્યંત મહત્વપૂર્ણ માર્ગદર્શિકાઓ નક્કી કરવામાં આવી છે, જે તેની પવિત્રતા અને નિષ્પક્ષતા જાળવવા માટે જરૂરી માનવામાં આવી છે. આ અભિયાન કોઈપણ સંસ્થા કે સંગઠનના બેનર હેઠળ નહીં પરંતુ માત્ર ઈશ્વર, ગૌમાતા અને નંદી મહારાજના સાનિધ્યમાં ચાલી રહ્યું છે. તેમાં કોઈ એક વ્યક્તિ કે નેતૃત્વ કરનાર નહી, પરંતુ દેશભરના ગૌપ્રેમી સંતો, ભક્તો અને કાર્યકરો સમાન રીતે જોડાઇ રહ્યા છે. અભિયાન દરમિયાન કોઈપણ આચાર્ય, સંત, મહંત, નેતા કે અન્ય વ્યક્તિના ફોટા, પોસ્ટર અથવા બેનરનો ઉપયોગ કરવામાં આવતો નથી, માત્ર ગૌમાતા અને નંદી મહારાજના ચિત્રો જ પ્રદર્શિત કરવામાં આવે છે. આ અભિયાન કોઈપણ રાજકીય પક્ષ કે સરકાર વિરુદ્ધ નથી, તેનો એકમાત્ર હેતુ ગૌમાતાને સેવા, સુરક્ષા અને સન્માન અપાવવાનો છે. સમગ્ર કાર્યક્રમ સંપૂર્ણપણે અહિંસક રૂપે અને કોઈપણ પ્રકારની સરકારી કે ખાનગી સંપત્તિને નુકસાન પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓને સખત મનાઈ છે. સંકીર્તન, રેલી અને પ્રાર્થના પત્ર દ્વારા ભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ નોંધનીય છે કે આ અભિયાન માટે કોઈપણ પ્રકારનું દાન લેવામાં આવતું નથી, જે તેની પારદર્શિતા અને નિષ્પક્ષતાનું પ્રતિબિંબ છે.
આ બેઠકમાં ગૌ આધારિત અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા માટે ગૌશાળાઓને આત્મનિર્ભર બનાવવાની દિશામાં તેમજ ખેડૂતો, યુવાનો અને મહિલાઓને ગૌ આધારિત ઉદ્યોગો સાથે જોડીને રોજગારી સર્જવાના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે સાથે ગૌમાતા માટે કાનૂની સુરક્ષા વધુ મજબૂત બનાવવા અને જનસમર્થન ઊભું કરવા માટે સંકલિત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.
આ બેઠકમાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, તેલંગાણા, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ સહિત જીસીસીઆઇના અનેક રાજ્યોના પદાધિકારીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
વધુ માહિતી માટે GCCI ના જનરલ સેક્રેટરી મિત્તલભાઈ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), અમિતાભ ભટ્ટનાગર (મો. ૮૦૭૪૨ ૩૮૦૧૭), પુરીશ કુમાર (મો. ૬૩૯૩૩ ૦૩૭૩૮) અને તેજસ ચોટલીયા (મો. ૯૪૨૬૯ ૧૮૯૦૦) પર સંપર્ક કરવા જણાવાયું હતું.