#Blog

આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી

  • કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાયા
  • આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી
  • કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થયા અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન. 

મા.તંત્રીશ્રી,                                                      પ્રેસ નોટ                                                          તા : 29/01/2025

  • કચ્છના ગૌપ્રેમી મેઘજીભાઈ હીરાણીના પુત્ર અને પુત્રીના લગ્ન સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાયા
  • આધુનીક લગ્ન અને ભપકાદાર સમારંભો યોજવાને બદલે હિન્દુ સંસ્કૃતિને અનુરૂપ લગ્ન યોજી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પુરું પાડતા મેઘજીભાઈ હીરાણી
  • કચ્છમાં ગાયને કેન્દ્રમાં રાખીને થયા અનોખાં અને ઉદાહરણરૂપ સાત્વિક લગ્ન. 

કચ્છના નાની નાગલપર(અંજાર-કચ્છ)ગામના વતની અને ગૌસેવક મેઘજીભાઈ રવજીભાઈ હીરાણી તથા અ.સૌ. હિરલબેન મેઘજીભાઈ હીરાણીના પુત્ર ચિ. રાહુલના શુભ લગ્ન હિંમતગિરી પુરુષોતમિંગરી ગોસ્વામી તથા અ.સૌ. હેમલતાબેન હિમતગિરીની સુપુત્રી ચિ. ડિમ્પલ સાથે તથા પુત્રી ચિ. દિપીકાના શુભલગ્ન રવજીભાઈ માવજીભાઈ કારા તથા અ.સૌ. તેજબાઈ રવજીભાઈ કારાના સુપુત્ર ચિ. રાજેશ સાથે સંપૂર્ણ હિન્દુ રિતીરીવાજ મુજબ યોજાયા. 

પ્રારંભ કરવા માટે કોઈકને તો નિમિત્ત બનવું જ પડે. અત્યારે લગ્ન પ્રસંગોમાં દેખાદેખીથી થતા બેફામ ખર્ચાઓ ઉપરાંત પ્રકૃતિ અને પર્યાવરણને અતિ નુકસાન સાથે ચાલુ થયેલ નવી નવી અનેક ખોટી પ્રથાઓ વચ્ચે મુળ પરંપરાને સાચવવા માટે કોઈક સારું કરવાનો પ્રયત્ન કરે તો એવા ઘણા લોકો છે જેમને આવું થાય તો બહુ ગમે છે અને એ પ્રયાસોને વધાવી પણ લે છે, પરંતુ સમાજમાં એવા લોકો પણ છે કે પોતે આવું કરવામાં તો શરમ અનુભવે જ છે પરંતુ જે લોકો કંઇક સારું કરવાનો પ્રયત્ન કરે તો તેને પણ પચાવી નથી શકતા. 

વાત છે અંજાર કચ્છની બાજુમાં આવેલ ગામ નાની નાગલપરનાં ગોપ્રેમી મેઘજીભાઈ હીરાણીની ગોપાલન અને ગાય આધારિત ખેતી માટે માત્ર કચ્છ નહી, પરંતુ સમગ્ર ગુજરાતમાં જાણીતા મેઘજીભાઈ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ગોસેવા ગતિવિધિમાં વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છ પ્રાંતના સંયોજક તરીકે માર્ગદર્શન કરે છે. ખોટી પ્રથાઓને તિલાંજલિ આપવા અને મુળ પરંપરા તરફ પરત ફરવા માટે પોતાના દીકરા અને દીકરીના લગ્નમાં મેઘજીભાઇ અને તેમના પરિવારે દ્રઢ નિશ્ચય સાથે જે સાહસ કર્યું છે તેની જેટલી પ્રસંશા કરીએ એટલી ઓછી છે. ખાસ તો જેમને લગ્નનું નિમંત્રણ આપ્યું હતું તે સૌ પાસે જે અપેક્ષા રાખી હતી તે વાંચીને નવાઈ સાથે સુખદ આશ્ચર્ય પણ થાય અને નિયમો વાંચીને ચોક્કસ એવું લાગે કે જો કંઈક સકારાત્મક પરિવર્તન લાવવું હોય તો કોઈને તો આવો પ્રારંભ કરવો જ પડે. એપ્રિલ 2023 માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ આયોજિત નરનારાયણ દ્વિશતાદી મહોત્સવમાં કુલ અઢી એકરમાં તૈયાર થયેલ અદભુત અને અવર્ણનીય કહી શકાય એવાં “ગો મહિમા દર્શન” નામનું પ્રદર્શન કે જેમનો લાખો લોકોએ લાભ લીધેલ તેનાં આયોજનમાં પણ મંદિરના સંતો સાથે મેઘજીભાઈની પણ મહિનાઓ સુધીની અથાગ મહેનત સાથે અતિ મહત્વની ભુમીકા રહેલ અને કચ્છભરમાં થતાં અનેક લગ્નોમાં પણ મેઘજીભાઈ સકારાત્મક પરિવર્તન લાવવા માટે પ્રેરણા કરીને અનેક સફળ પ્રયોગો કરાવી ચૂક્યા છે અને હવે સ્વયં પોતાનાં ઘરે એક સાથે બબ્બે લગ્નનો શુભ પ્રસંગ આવ્યો હતો ત્યારે એ લગ્નની વિશેષતાઓ અદભૂત રહી હતી. 

મંડપ મુહૂર્ત, હસ્તમેળાપ અને મંગળફેરાના ચોઘડિયાં પ્રમાણેના અતિ મહત્ત્વના શુભ સમય સાચવવા એ માત્ર નિમંત્રણ પત્રિકામાં લખવા પુરતા થઈ ગયા છે અને તેનું સ્થાન ડીજે ના છાતી બેસાડી દેતા ધમાલીયા અવાજો અને ફિલ્મી નાચગાન ઉપર લક્ષ્મીજીના ઘોર અપમાનની જેમ ઉડાડવામાં આવતી ચલણી નોટો જે છેવટે લોકોના પગમાં કચડાતી દેખાય છે. આવી અનેક વિકૃતિઓ વચ્ચે ખુલ્લા વાડી વિસ્તારની કડકડતી ઠંડીમાં સવારે આઠ કલાકે બળદ ગાડામાં સવાર વરરાજા સાથે થયેલ જાનનાં આગમનથી લઈને સાંજે ચાર વાગ્યે છેક કન્યા વિદાય સુધીની બધી જ લગ્ન વિધિ ગણતરી પ્રમાણે નિર્ધારિત સમયમાં જ પુરી થવી અને સાત સાત ભુદેવો દ્વારા થતી શાસ્ત્રોક્ત વિધિમાં વીડિયો કે ફોટોગ્રાફી કરનાર સહિત કોઇની પણ લેશમાત્ર ખલેલ નહીં તે જોઈને પ્રસંગમાં જોડાવા નિમંત્રણ મળનાર સૌ પોતાને સદ્દભાગી સમજી રહ્યા હતાં અને ભુદેવોને પણ આવા શાસ્ત્રોક્ત વિધિનું મહત્ત્વ સમજતા યજમાન મળવાનો આનંદ હતો.

હિન્દુ સંસ્કૃતિમાં વિવાહ સંસ્કારની પવિત્રતા જાળવવી એ આપણું સૌનું સંયુકત કર્તવ્ય છે અને તેનાં નિર્વહન માટે તેમણે થોડીક વિશેષતા ઉમેરી હતી જેમ કે, તેમની લગ્ન પત્રિકા સંપુર્ણ ગાયના ગોબર અને પ્રાકૃતિક વસ્તુઓથી નિર્મિત હતી. શણગાર (બ્યુટી પાર્લર)ના અતિ મોટા અને અનાવશ્યક ખર્ચને ટાળવા વર અને કન્યાના શણગાર સંપુર્ણ પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવ્યું હતું. વર વધૂ સંપુર્ણ ભારતીય વસ્ત્ર પરિધાનમાં જ લગ્નગ્રંથીથી જોડાયા. સમગ્ર લગ્ન અને ભોજન સમારંભમાં પ્લાસ્ટિકનો સંપુર્ણ નિષેધ રાખવામાં આવ્યો હતો. (પ્લાસ્ટીકની ખુરશીઓ, પ્લાસ્ટિકના ફુલો કે અન્ય સજાવટ, ડીસ, ગ્લાસ, ચમચી વગેરે.) લગ્નમાં માંડવાની અને સંપુર્ણ મંડપની સજાવટ ગાયના ગોબર, સાચા ફૂલો, વૃક્ષો અને પ્રાકૃતિક વસ્તુઓથી કરવામાં આવ્યાં હતાં. ભોજન બનાવવા તાંબું, પીત્તળ અને સ્ટીલના વાસણોનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ભોજનમાં કોઇપણ જાતના કૃત્રિમ રંગ, લીંબુ ના ફૂલ, અજીનો મોટો, સોસ વગેરે રાસાયણિક વસ્તુઓ અને નુકસાનકારક એવા મેંદાના લોટનાં વપરાશ પર નિષેધ હતો. ભોજન સંપુર્ણ ગોવ્રતિ હતું એટલે કે દુધ, ઘી, માખણ, છાસ, દહીં અને પનીર સહિતની બધી જ વસ્તુઓનો આધાર દેશી ગાયનું દૂધ જ હતું. ભોજનમાં અનાજ, શાકભાજી, કઠોળ વગેરે સંપુર્ણ ગાય આધારીત ખેતીથી પકવેલ હતા. ભોજન બનાવનાર અને પીરસનાર નિર્વ્યસની હોય અને નાહીધોઈ પવિત્ર થઇને ભોજન બનાવે તેવો આગ્રહ રખાયો હતો. સૌને પંગતમાં બેસાડીને ભોજન કરાવવામાં આવ્યું અને વાનગીઓ કેળાના પાન ઉપર પીરસવામાં આવી હતી. ફેરા ફરતાં સમય કાગળ, થર્મોકોલ, પ્લાસ્ટીક કે કેમિકલવાળી બોટલનો ઉપયોગ સંપુર્ણ વર્જિત રહ્યો અને ફેરા સમયે વરવધૂ ઉપર શુભેચ્છા સ્વરૂપે સાચા ફૂલની જ પુષ્પ વૃષ્ટિ કરાઈ હતી. લગ્ન સંપુર્ણ વૈદિક સ્તોત્ર અને મંત્રોચ્ચારથી થયા અને ભુદેવ/પંડિત કોઈની રોક ટોક વગર નિયત- સમયમાં સ્વતંત્રતા સાથે સંપુર્ણ વિધિ કરાવી હતી. દિર્ઘ સ્મરણ માટે પ્રસંગને દ્રશ્ય શ્રાવ્ય (ફોટો અને વીડિયો) માં કંડારનાર વ્યકિતઓ પંડિતની લગ્ન વિધિમાં કોઈ પણ રીતે બાધારૂપ બન્યા ન હતા.

દિકરીને કન્યાદાનમાં અન્ય દાન સાથે ગાયનું પણ દાન કરવામાં આવ્યું હતું અને ૧૦૮ વિવિધ દેશી અને ઔષધીય વૃક્ષની ભેટ આપવામાં આવી હતી. લગ્નવિધિ અને આવેલ મહેમાનોને બાધારૂપ ઉંચા અવાજના કર્કશ ફિલ્મી ગીત સંગીતને બદલે લગ્ન ગીતો અથવા સુમધુર હળવું સંગીત વગાડવામાં આવ્યા હતા. લગ્ન એ પવિત્ર સંસ્કાર છે એ ધ્યાને રાખીને પદવેશ (બુટ) સંતાડવા, વરરાજાના વાહનની આડે ઉભવા સહિતની ચેષ્ટાઓ કરવામાં સમય બગાડવો સંપુર્ણ નિષેધ રાખવામાં આવ્યો હતો.

આ પ્રસંગમાં સૌ આમંત્રિત સ્નેહીજનો માટે પણ થોડાક નિયમો બનાવવામાં આવ્યા હતા. નિમંત્રણ પત્રિકાની સુચના પ્રમાણે પવિત્ર પ્રસંગમાં કોઈપણ જાતનું વ્યસન ન કરવાનું સહર્ષ પાલન કરતાં ગુટકા, તમાકુ કે પડીકીઓના કેટલાય બંધાણીઓ સવારથી લઈને લગ્ન પુરાં થયાં ત્યાં સુધી સ્વેચ્છાએ કોઈપણ જાતનું વ્યસન કર્યા વગર પ્રસંગને માણી રહ્યા હતા તો અનેક મહેમાનોએ તો એવી સામાન્ય રીતે અતિ મોટા ખર્ચ અને ઝાકઝમાળ સાથે થતાં લગ્ન પ્રસંગોની જે તે વિસ્તારમાં બહુ જ ચર્ચા થતી હોય છે પણ અંજારની બાજુનાં નાની નાગલપરમાં સામાન્ય પરિવારમાં થયેલ દિકરીના લગ્નની બે મહિના પહેલાં જ્યારે ગોબરના કાગળની નિમંત્રણ પત્રિકા બહાર પડી ત્યારથી જ સમગ્ર કચ્છ અને ગુજરાતમાં પણ આકર્ષણનું કેન્દ્ર બનેલ હતાં.

પ્રસંગનો જાત અનુભવ લેવા અને આશીર્વાદ આપવા માટે ખાસ મેઘજીભાઈનાં નિમંત્રણથી પધારેલ સચ્ચિદાનંદ મંદિર, અંજારના મહંતશ્રી ત્રિકમદાસજી મહારાજ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય ગોસેવા સંયોજક અજીતજી મહાપાત્રા, કાર્યકારિણી સદસ્ય શંકરલાલજી, ગોસેવા ગતિવિધિના રાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રમુખ રાઘવનજી, કચ્છના જાણીતા ઉદ્યોગપતિ અને ગોપ્રેમી મનોજભાઈ સોલંકી, સંઘના પ્રાંત પ્રચારક મહેશભાઈ જીવાણી, કમલેશભાઈ રાદરીયા, પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝા, પુર્વ કેન્દ્રીય મંત્રી વલ્લભભાઈ કથીરિયા, માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધ દવે, ડો. હિતેશભાઈ જાની- જામનગર, ટાન્ઝાનીયા સ્થિત માધાપરના ગોપ્રેમી ગિરધરભાઈ, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના ઉપ કોઠારી જાદવજીભાઈ ગોરસિયા, ટ્રસ્ટી રામજીભાઈ વેકરિયા, લેવા પટેલ સમાજના અગ્રણી ગોપાલભાઈ ગોરસિયા, કેસરાભાઈ પિંડોરીયા, અરજણભાઇ તથા રાજકોટ, અમદાવાદ, વડોદરા ભરૂચ, મુંબઈ અને સુરતના ગોપ્રેમી ઉધોગપતિઓ તેમજ સામાજિક ક્ષેત્રના અનેક કાર્યકર્તાઓએ સમાજ માટે ઉદાહરણ બનવા સ્વયંથી શરુઆત કરવાના મેઘજીભાઈના આ નિષ્ઠાપુર્વકના પ્રયત્નને ઉપસ્થિત રહી ભરપૂર સમર્થન આપ્યું હતુ. 

આપણી સનાતન સંસ્કૃતિના જતન માટે પ્રકૃતિને સાથે રાખીને કાર્ય કરવું અનિવાર્ય હોવાથી સૌ ના પુર્ણ સહયોગથી જ ઉપરોકત પ્રસંગ સફળ અને ઉદાહરણરૂપ બન્યું હતું તેમ મેઘજીભાઈ હિરાણીએ જણાવ્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, મેઘજીભાઈ હિરાણી (ગો સેવા ગતિવિધિ સૌરાષ્ટ્ર પ્રાંત સંયોજક) દ્વારા અવાર-નવાર પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. આગામી શિબિર તા, 8-9-માર્ચ 2025 જેમાં ગો નાઈલ, ધુપ બતી, ગોબર કુંડા, ગલ્લા પેટ, ચકલી ઘર, લક્ષ્મી જી, ફુલ ડાંડી, મચ્છર તેલ, ગણેશ 3″, ગણેશ 12″, ખજુર ફુલ્ફી, હવન સામગ્રી કંડા, નેચરલ જ્યુશી, હૃદયમ્ પે, વાઢિયા મલમ, પાચક ચૂર્ણ, નેત્ર, આંખના ટિપા, પંચગવ્ય નસ્ય, નિમ અર્ક, શુભ લાભ, તોરણ, માળા, બેરખા, બેબી પાવડર, છાસ મસાલો, ગોબર પુટી (કલર), રુઝાન સ્પ્રે, ફેસપેક, ત્રિફળા ચૂર્ણ, શેમ્પૂ દંતમંજન, મોબાઇલ ચિપ્સ, સર્વદર્દ હર તેલ, સાબુ, રાખડી, ધૂપ કપ, પાવડર, પત્રિકા, ગોબર માંડવો, કિચેન વગેરેનું પ્રેક્ટિકલ પ્રશિક્ષણ આપવામાં આવશે. આ ઉપરાંત કમર, ઘૂંટણ, સાઈટીકાનાં દુ:ખાવા માટે પ્રેક્ટીકલ ચિકિત્સા શીખવવામાં આવશે.

મેઘજીભાઈ હિરાણી (મો. 94280 81175) સરનામું : નિલકંઠ ગો વિજ્ઞાન કેન્દ્ર નાની નાગલપર, અંજાર, કચ્છ, ગુજરાત.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *