માત્ર દૂધથી જ નહીં પરંતુ છાણ અને ગૌમૂત્રમાંથી પણ ગૌપાલકો આર્થિક આવક વધારી શકે છે.
- ગોબરમાંથી બનેલા દીવા પર્યાવરણની સાથે સાથે ગૌશાળા,પાંજરાપોળોને આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ
- ‘કામધેનુ દિપાવલી અભિયાન’ને સફળ બનાવીએ
- દીપજ્યોતિ નમોસ્તુભયમ્.
ભારતીય સમાજમાં ગાયને માતા કહેવાય છે. ગૌધનથી મોટું કોઈ ધન નથી. ગાયથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય પુરૂષાર્થની સિદ્ધિ થાય છે. આજના અર્થપ્રધાન યુગમાં તો ગાય અત્યંત ઉપયોગી છે. ગો-પાલનથી ગાયનું દૂધ, ઘી અને છાણ વગેરેથી ધનની વૃદ્ધિ થાય છે. ગાયો પવિત્ર હોય છે, એના શરીરને સ્પર્શ કરનારી હવા પણ પવિત્ર હોય છે. ગાયનાં છાણ-મૂત્ર પણ પવિત્ર હોય છે. છાણ દ્વારા લીપેલાં ઘરોમાં પ્લેગ, કોલેરા વગેરે જેવા ભયંકર રોગો થતા નથી. યુદ્ધનાં સમયે ગાયનાં છાણથી લીપેલાં મકાનો પર બોંબની પણ એટલી અસર થતી નથી જેટલી સિમેન્ટ વગેરેથી બનાવેલાં મકાનો પર થાય છે. ગાયનાં છાણમાં ઝેર ખેંચી લેવાની વિશેષ શક્તિ હોય છે. મનુષ્યને માટે ગાય સર્વ દૃષ્ટિએ પાળવા યોગ્ય છે. આજનાં અર્થપ્રધાન યુગમાં દેશી ગાયના દૂધ, દહીં, ઘી તેમજ ગૌમૂત્ર અને ગોબરનો વિશેષ મહિમા છે. માત્ર દૂધથી જ નહીં પરંતુ છાણ અને ગૌમૂત્રમાંથી પણ ગૌપાલકો આવક વધારી શકે છે. ગોબરમાંથી બનવામાં આવેલા દીવા આર્થિક દ્રષ્ટિની સાથે સાથે પર્યાવરણને પણ લાભદાયી છે. આ અંતર્ગત દિવાળીની ઉજવણી માટે ગાયના છાણ આધારિત દીવા, મીણબત્તીઓ, ધૂપ, શુભ લાભ, સ્વસ્તિક, હવન સામગ્રી, ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિઓનું નિર્માણ કરી શકાય છે.
ગોબર દિવડા જ શા માટે ?
- દેશી ગાયોના ગોબરમાંથી બનેલા દિવડા વાતાવરણને શુદ્ધ અને પવિત્ર કરવાનું કામ કરે છે.
- ગોમય દિવડા દેશી ગાયના ઘી સાથે પ્રગટાવવાથી વાતાવરણમાં ઑક્સીજનનું પ્રમાણ વધી જાય છે.
- ગોમય દિવડાની ભસ્મ પાણીમાં નાખવાથી પાણી બેક્ટેરિયા રહિત બને છે.
- ગોમય ભસ્મ અનેક રીતે લાભદાયી છે. તે એક ઉત્તમ ખાતર છે જેને ખેતર અને વાડીમાં ઉપયોગમાં લઈ શકાય છે.
- ગૌશાળા આત્મનિર્ભર બને છે.
- ‘ગોમયે વસતે લક્ષ્મી’ ધર્મ શાસ્ત્ર અનુસાર પવિત્ર ગોબરમાં લક્ષ્મીજીનો નિવાસ છે, તે ઉર્જાનો ભંડાર છે, નેગેટિવિટી દૂર કરે છે અને રોગાણુઓથી બચાવે છે.
- ગાયનું ગોબર રેડિએશનથી સુરક્ષિત રાખે છે.
- ચાઇનીઝ અને રસાયણો ધરાવતા હાનિકારક દીવાઓનો ઉપયોગ બંધ થશે ,ઇકો ફ્રેન્ડલી દીવાનો ઉપયોગ વધશે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘સ્ટાર્ટ-અપ અભિયાન’ને વેગ મળશે.
- ગોમય દિવડા બનાવતા આત્મનિર્ભર ભારત અભિયાન, મહિલા સશક્તિકરણના વિઝનને પણ પ્રોત્સાહન મળશે.
- આવો ઉજવીએ ભારતીય સંસ્કૃતિનું પ્રકાશપર્વ દિપાવલી, ગૌમાતાના આશીર્વાદ સાથે પ્રગટાવીએ પવિત્ર ગોબર દિવડા.
-મિતલ ખેતાણી (૯૮૨૪૨૨૧૯૯૯)