વિશ્વ હિંદૂ મહાસંઘના સહયોગથી અયોધ્યામાં બનશે આધુનિક ગૌશાળા
મુંબઇના પ્રતિષ્ઠિત એવા યુવા જૈન સંઘના પ્રતિનિધિ ડૉ. ગિરિષભાઈ સત્રા દ્વારા અયોધ્યામાં સ્થિત ગીતા ભવન પરિસરમાં એક વિશાળ ગૌશાળાનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વ હિંદૂ મહાસંઘ (ગૌરક્ષા પ્રકોષ્ઠ)ના પ્રદેશ અધ્યક્ષ પ્રવીણ દુબેએ જણાવ્યું હતું કે આ ગૌશાળા જીવદયા કેન્દ્ર તરીકે કાર્ય કરશે. આ ગૌશાળામાં ગૌવંશ સિવાયના અન્ય પશુ-પંખીઓની સારવાર માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. અયોધ્યામાં વાંદરાઓની સંખ્યા ખૂબ વધુ છે અને તેઓ અવારનવાર વિજળીના કરંટ અથવા અન્ય ઘટનાક્રમોમાં ઘાયલ થાય છે. તેમનાં ઉપચાર માટે કુશળ કર્મચારીઓની જરૂરિયાત હોય છે, જેની વ્યવસ્થા આ ગૌશાળામાં કરાશે. ગૌશાળામાં ગૌમાતા દ્વારા પ્રાપ્ત થતું દુધ અયોધ્યાના એવા મંદિરોમાં આપવામાં આવશે જ્યાં ગૌશાળા નથી. આ દુધ સંતો અને ભગવાનના ભોગ-પ્રસાદ માટે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. ડૉ. ગિરિષભાઈ સત્રા છેલ્લા 5 વર્ષથી ઉત્તર પ્રદેશની અનેક ગૌશાળાઓની મુલાકાત લેતા રહ્યા છે. તેમણે એટા, આગરા, બરેલી, ગાઝીપુર, કૌશાંબી, પ્રયાગરાજ, મિર્જાપુર, અયોધ્યા, ગોંડા, સુલતાનપુર, બાંદા, ચિત્રકૂટ, કાશી, મથુરા, વૃંદાવન, બરસાના અને ગોલા ગોકર્ણનાથ જેવા વિસ્તારોમાં સ્થિત ગૌશાળાઓને સમયાંતરે આર્થિક સહાય, ગૌ માતા માટેનું ઘાસ અને ભૂસો વગેરે પૂરું પાડ્યું છે. હવે તેમણે ઉત્તર પ્રદેશમાં ગૌ સેવા માટે આ યાત્રાને સ્થાયી રૂપ આપવા અને પોતાની માતાજીના નામે અયોધ્યામાં ગૌશાળાનું નિર્માણ કરવાનો સંકલ્પ લીધો છે. આ ગૌશાળા માત્ર ગૌ સેવા જ નહીં પરંતુ દરેક જીવાત્માની સેવા અને કલ્યાણ માટે કાર્યરત રહેશે. આ ગૌશાળા આગામી બે મહિના દરમિયાન સંપૂર્ણ રૂપે કાર્યરત બની જશે.