મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળમુંબઈ જૈન સંઘ સંગઠનના આગેવાનોએ રાજસ્થાનના ગવર્નરશ્રીને મળી આવેદન આપ્યું.

જૈન મુનિ ભગવંતોની એક્સિડેન્ટ દ્વારા કથિત હત્યાના વિરોધમાં મહારાષ્ટ્રના પશુપાલન મંત્રી મંગલપ્રભાત લોઢાની આગેવાની હેઠળ શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠનના પ્રતિનિધિઓ રાજસ્થાનના ગવર્નર હરીભાઈ કિશનરાવ બાગડેને ઔરંગબાદના તેમના નિવાસ સ્થાન પર મળ્યા હતા અને તેમને ખૂબ વિસ્તારપૂર્વક આ સંદર્ભે માહિતગાર કર્યા હતા. મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું હતું કે, હરતીફરતી લાયબ્રેરી એવા અમારા જૈનાચાર્ય શ્રી પુંડરિકરત્નસૂરીશ્વરજી મહારાજા અને સ્થાનકવાસી મુનિ શ્રી અભિનંદન વિજયજીની કથિત એક્સિડેન્ટ હત્યા કરવામાં આવી હતી અને પ્રથમદર્શી પૂરાવા દ્વારા એ ફલિત થાય છે કે રસ્તાથી દૂર સર્વિસ રોડ પર ચાલતા હોવા છતાં તેમની હત્યા કરીને ટ્રકવાળાઓ ભાગી જતાં હોય છે અને તેને સામાન્ય એક્સિડેન્ટમાં ખપાવવાની મહેનત થતી હોય છે. યોગાનુયોગ ઘણાં વર્ષો પહેલાં તેમના ગુરુભગવંત શ્રી જમ્બુવિજયજી મહારાજ સાહેબની પણ આ પ્રમાણે હત્યા કરવામાં આવી હતી. આ બાબતમાં એસઆઈટીની સ્થાપના કરવામાં આવી છે પરંતુ તેઓ તુરંત આ બાબતમાં ગંભીરતાથી તેના મૂળ ષડયંત્રકારો સુધી જાય અને ટ્રકના માલિકોને પણ કાયદાની કલમો દ્વારા પગલાં લઈ યોગ્ય સજા કરવામાં આવે અને તેમની ટ્રક જપ્ત કરવામાં આવે તેવી માંગણી કરી હતી. શ્રી મુંબઈ જૈન સંઘ સંગઠન વતી દેવેન્દ્રભાઈ વોરા, એડવોકેટ પુનીતભાઈ શાહે અસરકારક રજૂઆત કરીને જણાવ્યું હતું કે, સામાન્ય કલમોને બદલે કલમ 302 હેઠળ ખૂનના પ્રયાસની કલમો લાગવી જોઈએ અને અત્યારસુધીમાં છેલ્લાં 50થી વધુ એક્સિડેન્ટ થયાં છે તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ તેમ જ પદયાત્રીઓ માટે અલગથી રાજમાર્ગ પર પગદંડીઓ બનાવવામાં આવે અને ડિવાઈડર વગેરે યોગ્ય રીતે બનાવીને સાધુ-સંતોને વિહારમાં પોલીસ સુરક્ષા આપવામાં આવે, તેમજ હાઈવે પર સાઈનબોર્ડ દ્વારા આ અંગે જાગૃતતા લાવવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. રાજ્યપાલ શ્રીએ ખૂબ શાંતિથી આ વાત સાંભળીને આ બાબતને ગંભીરતાથી લઈને લાગતા વળગતા સત્તાવાળાઓને તુરંત જાણકારી આપીને યોગ્ય પગલાં લેવાની બાંહેધરી આપી હતી.
-અતુલકુમાર વ્રજલાલ શાહ








































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































