#Blog

19 ઓગસ્ટ, “વિશ્વ માનવતાવાદી દિવસ”

  • “વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ
  • હું માનવી માનવ થાઉં તો ઘણું

1980 નાં દાયકાથી “વિશ્વ માનવતાવાદી દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય માનવતાવાદી દિવસ એ જે માનવતાવાદી કર્મચારીઓએ માનવતાવાદી કારણોસર પોતાનું જીવન ગુમાવ્યું હોય તેમને સમર્પિત છે. તેનો મુખ્ય ઉદ્દેશ વિશ્વમાં હ્યુમનિસ્ટ્સને ધ્યાનમાં રાખીને, વિશ્વમાં હકારાત્મકતા લાવવા માટે માનવતાવાદ વિશેની સભાનતા પ્રગટાવવાનો છે. યુએનના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિએરા ડી મેલો અને તેના 21 સાથી એવા માનવતા ચિકિત્સકોનાં મોતને યાદ કરવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા દ્વારા 19મી ઓગસ્ટનાં દિવસે “વિશ્વ માનવતાવાદી દિવસ” ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વનાં ઘણા લોકો ભૂખમરો અને રોગગ્રસ્ત સ્થળોએ જીવન જીવનારા લોકો માટે સમાજમાં વધુ સારું સ્થાન બનાવવા માટે કાર્ય કરે છે, હ્યુમનિટેરિયન ડે એવા જ માનવતાવાદી કામદારોને શ્રદ્ધાંજલિ આપવાનો એક પ્રસંગ છે જે વિશ્વભરમાં યુદ્ધો અને કુદરતી આફતોનાં ભોગ બનેલા લોકોને મદદ કરવા તેમના જીવનને જોખમમાં નાખે છે. જેણે જીવનમાં ઓછામાં ઓછો એક વાર દરેક જરૂરિયાતમંદોને મદદ કરી છે.

કોઈપણ દેશમાં કોઈપણ ધર્મમાં કોઈપણ વિદ્યામાં, ચિકિત્સા શાસ્ત્રોમાં માનવ/મનુષ્ય એ જ મુખ્ય કેન્દ્રમાં છે અને માનવતા એ જ મોટો ધર્મ છે. દરેક વિજ્ઞાન, ચિકિત્સા શાસ્ત્રો, રાજકીય સ્થિતિ વગેરેનું કેન્દ્ર- માનવ જીવન અને તેને જીવન સારી રીતે જીવવાની દૃષ્ટિ વગેરે માનવની સુખ- શાંતિ માટે જ છે. એ માનવને માનવતા શીખવવા તેનાં સ્વાસ્થ્યની રક્ષા કરવા તેના માનસને સાત્ત્વિક બનાવવા ધર્મશાસ્ત્રો ચિકિત્સા રાગો- અન્ય તમામ વિજ્ઞાન વગેરેનું સર્જન થયેલ છે. દરેક કાર્યોમાં માનવ જ મુખ્ય છે. તેના આધારે જ જગતમાં ધાર્મિક્તા, સત્યતા, સદભાવના, સૃષ્ટિનો વિકાસ સૃષ્ટિનું બંધારણ સહયોગ બની રહ્યો છે. “પરસ્પર દેવોભવ માનવ” માનવ માનવતા રાખી એક બીજામાં દેવના દર્શન કરે તો પ્રભુ-પરમાત્મા રાજી રહે. અખા ભગત કહેતા કે, ‘તું જ તારો ગુરૂ થા.’ ભગવાન પ્રિય માનવની શોધમાં જ્યારે નરેન્દ્રનાથે શ્રી રામકૃષ્ણ પરમહંસને પૂછયું કે ‘તમે ભગવાનને જોયા છે? ત્યારે પરમહંસે ‘હા’ કહી તે વખતે નરેન્દ્રનાથે પૂછયું’કેવી રીતે ?’, ‘જેવી રીતે તને જોઉ છું તે રીતે.’ રામકૃષ્ણ દેવનાં આ શબ્દોમાં માનવતાનાં અનુભવનો રણકો હતો. તેથી નરેન્દ્રનાથ પીગળી ગયા અને સ્વામી વિવેકાનંદ પ્રગટી ગયા. ભગવત ગીતાનું એક સૂત્ર આપણે સહુને હૈયામાં રાખવા જેવું છે કે ’ઇશ્વર સર્વભૂતના હૃદયે અર્જુન તિષ્ઠતિ’ ઇશ્વર દરેક માનવની માનવતાનાં હૃદયમાં રહેલો છે. આમ દરેક દેશ-વિદેશમાં દરેક ધાર્મિકતામાં, દરેક શાસ્ત્રોમાં, દરેક વિજ્ઞાનમાં માનવ જ મુખ્ય છે અને માનવતા એ તેનો મુખ્યધર્મ છે.

એક માણસ અન્ય માણસ પ્રત્યે માનવતા દાખવે એ તો પાયાની જરૂરિયાત છે, પણ માણસને હવે પર્યાવરણ અને જીવસૃષ્ટિ પ્રત્યે પણ માનવતા રાખવી અત્યંત જરૂરી બની ગઈ છે. પોતાની અંગત જરૂરિયાતો માટે માણસે જીવસૃષ્ટિને સમગ્રપણે પ્રદુષિત કર્યું છે, સૃષ્ટિનું બેલેન્સ ખોરવાયું છે એટલે જ મનુષ્યને સામાન્ય જીવન જીવવામાં પણ તકલીફો પડે છે. અવારનવાર આવતા રોગો, કોવિડ – 19 જેવી આફતો એનું જ પરિણામ છે. ‘જીવો અને જીવવા દો’નું સિદ્ધાંત માણસ ભૂલ્યો છે અને હવે તેને ફરી યાદ કરવાનો જ નહિ, પરંતુ અમલમાં મુકવાનો પણ સમય પાકી ગયો છે. જીવસૃષ્ટિ પ્રત્યે કરુણા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ જ માણસને આવનારી આફતોમાંથી નીકળવાનો રસ્તો સરળ કરી આપશે.

  • “વિશ્વ માનવતાવાદી દિવસ” : માનવતાને મહેકાવતો દિવસ
  • હું માનવી માનવ થાઉં તો ઘણું

– મિત્તલ ખેતાણી(મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *