#Blog

શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બેહરા મુંગા શાળા ટ્રસ્ટ, રાજકોટ દ્વારા શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે તૈયાર કરવા અને તેમને ડિજિટલ તથા ટેક્નોલોજીથી જોડાયેલી દુનિયામાં આત્મનિર્ભર બનાવવા માટે શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

શ્રી અને શ્રીમતિ છગનલાલ શામજી વિરાણી બહેરા મૂંગા શાળા રાજકોટ, છેલ્લા ઘણા વર્ષોથી દિવ્યાંગ મૂક–બધિર બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત સમર્પિત સેવા આપે છે. આ સંસ્થા દિવ્યાંગ મૂક–બધિર બાળકોને સંકેત ભાષા આધારિત વિશેષ શિક્ષણની તાલીમ પૂરી પાડતી જાણીતી અને વિશ્વસનીય સંસ્થા છે.
દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે તૈયાર કરવા અને તેમને ડિજિટલ તથા ટેક્નોલોજીથી જોડાયેલી દુનિયામાં આત્મનિર્ભર બનાવવા માટે શાળા તરફથી એક અનોખો અને પ્રશંસનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. મોરબી, નર્મદા બાલઘરના ટેક્નિકલ સહયોગથી આજે શાળામાં 3 નવા ટેકનોલોજી આધારિત વર્ગખંડો (લેબ્સ)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વર્ગો દ્વારા મૂક–બધિર બાળકો આગામી બે વર્ષ સુધી આધુનિક, પ્રયોગાત્મક અને વ્યવસાયિક તાલીમ પ્રાપ્ત કરશે.
નવી શરૂ કરાયેલા 3 મુખ્ય ટેકનોલોજી આધારિત વર્ગખંડો છે, જેમાં પહેલો વર્ગખંડ કમ્પ્યુટર લેબ જેમાં કમ્પ્યુટર ટૂલ્સ, યુટિલિટી, ડિજિટલ સ્કિલ્સ, બેઝિક કોડિંગ વગેરેની તાલીમ, બીજો વર્ગખંડ મેકર્સ રૂમ જેમાં ભૌતિકશાસ્ત્ર–રસાયણશાસ્ત્ર–બાયોલોજીના પ્રોજેક્ટ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ્સ, મોડેલ મેકિંગ વગેરેની તાલીમ, અને ત્રીજો વર્ગખંડ કેરિક્યુલમ સાઇન્સ લેબ જેમાં બ્લોકલી લેંગ્વેજ એનિમેશન, ડિજિટલ ડ્રોઇંગ, 3D પ્રિન્ટિંગ, ફેશન ડિઝાઇનિંગ અને સર્જનાત્મકતા કૌશલ્ય વગેરેની તાલીમ આપવામાં આવશે.
આ ઉદઘાટન પ્રસંગે અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ ડો. અનામિકભાઈ શાહ, વોરા વેલ્ફેર ફાઉન્ડેશન રાજકોટના ટ્રસ્ટી શ્રીમતિ ગીતાબેન મહેન્દ્રભાઈ વોરા, શ્રી સૌરીનભાઈ વોરા, શ્રીમતિ મોનિકાબેન વોરા, શહેરના જાણીતા બિલ્ડર શ્રી જીતુભાઈ બેનાાણી, સંસ્થાના પૂર્વ ટ્રસ્ટી શ્રી પ્રફુલભાઈ ગોહિલ, તેમજ જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી ગૌરાંગભાઈ સંઘવીની ખાસ ઉપસ્થિતિ રહી હતી. તમામ મહાનુભાવોએ આ નવા ટેકનોલોજીકલ પ્રોજેક્ટને હૃદયપૂર્વક શુભેચ્છા પાઠવી અને સંસ્થાની પ્રગતિ માટે પોતાની પ્રેરણાદાયી વાણી દ્વારા આશીર્વાદરૂપ માર્ગદર્શન આપ્યું.
સંસ્થાના વિશ્વાસુ અને સક્રિય ટ્રસ્ટીઓ CA પ્રવીણભાઈ ધોળકિયા, પ્રશાંતભાઈ વોરા, હરેશભાઈ વોરા, રાજેશભાઈ વિરાણી ઉપસ્થિત રહ્યા અને સૌના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો. મોરબી, નર્મદા બાલઘરના જનરલ મેનેજર સાગરભાઈ રાતપીયા, શ્રીમતિ દર્શિબેન પ્રશાંતભાઈ વોરા, તેમજ શાળાના આચાર્યશ્રી કશ્યપભાઈ પંચોલીએ નવા વોકેશનલ ટ્રેનિંગનો હેતુ, તેનું મહત્વ અને બાળકોના જીવનમાં લાવવામાં આવનારા સકારાત્મક પરિવર્તનો વિષે વિસ્તૃત માહિતી આપી.
નવા ટેક–લેબ્સના ભૂમિપૂજન વિધિ શાસ્ત્રીજી દિનેશભાઈ પંચોલીની વેદિક વાણી સાથે પૂર્ણ થઈ હતી. કાર્યક્રમના અંતે શુભ મંગલ પ્રાર્થના અને શ્રીમતિ સ્વાતિબેન જે. રવાણી દ્વારા આશીર્વચન પાઠવવામાં આવ્યા.
આ સમગ્ર કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ દિવ્યાંગ મૂક–બધિર બાળકોને આધુનિક યુગ માટે ટેક્નોલોજીકલ રીતે સક્ષમ બનાવવાનો અને તેમના જીવનમાં આત્મવિશ્વાસ, સ્વરોજગાર તથા સ્વાભિમાનની સકારાત્મક દિશા આપવાનો છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *