“ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય”.
“હિત, મીત, પથ્યમ, સત્યમ ન બોલ્યામાં નવ ગુણ અને બોલે એના બોર વહેંચાય” કહેવત આપણે સાંભળી છે પરંતુ “સમય સમય બલવાન, કાબે અર્જુન લૂંટિયો વોહી ધનુષ વોહી બાણ” એ ન્યાયે ક્યારે બોલવું અને ક્યારે ન બોલવું એનો વિવેક જો જીવનમાં આવી જાય તો માણસ આખો ભવ પાર શાંતિથી પાર કરી જાય છે. વાણીના સાત ગુણો છે જે વ્યક્તિ પોતાના બે કાન, બે આંખ, બે નસકોરાં અને મુખ ઉપર પરમાત્માના નામ સ્મરણની સ્થાપના કરે તો તેને વાણીના સાત ગુણો પ્રાપ્ત થાય છે. તે વ્યથા વાણી, વૃથા વાણી, વિકથા વાણી, વિપદ વાણી, ભ્રમ પેદા થાય તેવી વિપર્યાસ વાણી, નથી બોલતો. પરંતુ વિવેક અને વૈરાગ્યસભર વાણી બોલે છે અને તેથી વિકલ્પરહિત અવસ્થા એટલે કે નિર્વિકલ્પ સમાધિમાં પરિવર્તિત થઈ જાય છે. ઘણાં હોસ્પિટલમાં ખબર કાઢવા જાય છે ત્યારે પૂછે છે કે કેટલામો એટેક આવ્યો ત્યારે દર્દી કહે છે પહેલો જ એટેક આવ્યો છે એટલે એ તરત જવાબ આપે છે તમારે હવે બે એટેક આવવાના રહ્યા. આ વિપદ વાણી છે. ઘણાં એવું માનતા હોય છે કે સ્પષ્ટ વકતા સુખી ભવેત એટલે કે હું તો જે હોય તે મોઢે સંભળાવી દઉં. પરંતુ શાસ્ત્રો ફરમાવે છે કે તમારી વાણી હિતને કરનારી, મીત એટલે ટૂંકાણવાળી (શોર્ટહેન્ડ) અને સત્યથી ભરપૂર પરંતુ તે સત્ય પણ આખરે પથ્ય એટલે કે હિતને કરનારું હોવું જોઈએ. હરણની પાછળ પારધી પડ્યો હોય અને આપણને પૂછે કે હરણ કઈ દિશામાં ગયું. તો આપણે તેને ખોટી દિશા બતાવી ખોટું બોલવું તે મોટું સત્ય છે કારણ કે તેનાથી હરણનું હિત થાય છે. એટલે આપણે ત્યાં કહેવાયું છે કે કિસ યોર સ્પીચ એટલે કે કિપ ઈટ સ્મોલ એન્ડ સ્વીટ. તેના પ્રથમાક્ષરથી કિસ યોર સ્પીચ વાક્ય બન્યું છે. લેખકને એક વખત કચ્છમાં પ્રોગ્રામ દેવા જવાનું હતું. સ્પીચ માટે અમારો વારો આવવાનો બાકી હતો. સ્ટેજ ઉપર એક બહેન ગાઈ રહ્યા હતા. શિખામણ અને ઓપિનિયન લેવો નથી ગમતો પણ આપવો બધાંને જ ગમતો હોય છે. ન બોલ્યો હોત તો ચાલે તેવું હતું છતાં બાજુવાળા ભાઈને કહ્યું કે આ બહેન સારું નથી ગાઈ રહ્યા. એટલે એ ભાઈએ મને કહ્યું કે તેઓ મારા પત્ની છે એટલે મને જમીન માર્ગ આપે તો તેમાં હું સમાઈ જવું તેવું લેખકને લાગ્યું પરંતુ લેખકે વાતને વાળતાં કહ્યું કે તેઓ ગાઈ રહ્યા છે સારું પણ તેમણે ગીત બરાબર પસંદ કર્યું નથી તો તે ભાઈ તરત કહ્યું કે તે ગીતનો લખનાર હું જ છું. ભાઈઓ બધા વાક્યો બે બે વાર અને બહેનો બધા વાક્યો તમે ચોક્કસ માર્ક કરજો ત્રણ ત્રણ વાર બોલે છે અને સમયની ખૂબ બરબાદી થતી હોય છે. બોલવું હોય તો મીઠું બોલવું, છાતીમાં ક્યારેય ગોળીબાર કરવો નહીં. દવા આપવી હોય તો પેંડાની અંદર આપવી એટલે કદાચ કોઈને કોઈ શિખામણ કે ઠપકો આપવો હોય તો પહેલાં એની હૃદયથી અનુમોદના કરવી, એના ગુણોના વખાણ કરવા અને પછી શાંતિથી સલાહ આપવી તો તે ચોક્કસ સ્વીકારી લેશે. આંધળાના દીકરા આંધળા જ હોય છે આ એક વાક્યથી આખા મહાભારતનું સર્જન થયું છે. એક રાજાને બધાં જ્યોતિષીએ કહ્યું કે તમારે તમારું મોત સાત દિવસમાં થઈ જશે. આ તો રાજા – વાજા અને એ બધાંને એ જ દિવસે ફાંસીએ ચઢાવી દીધા. એક કોઠા સૂઝવાળો જ્યોતિષ આવ્યો અને તેણે કહ્યું કે તમે એટલા નસીબદાર છો કે તમારા પરિવારમાંથી કોઈનું પણ મૃત્યુ તમારે જોવું નહીં પડે આ સાંભળીને રાજાએ તેને ઈનામથી નવાઝ્યો. આ લીંબુંનો રસ નહોતો પણ લીંબુંનું મીઠું પાણી હતું. એક રાજા એક આંખે બાડો હતો. બધા જ ચિત્રકાર બાડા રાજાનું ચિત્ર દોરતાં અને દંડ પામતા પણ એક કુશળ ચિત્રકારે બાણ મારતા રાજાનું ચિત્ર બનાવ્યું જેમાં સહસા જ એક આંખ બંધ આવતી હોય છે અને આ ચિત્ર જોઈને રાજા તેના પર ઓવારી ગયો. વકતાએ પોતાના વિષયની શરૂઆત જોરદાર કરવી જોઈએ અને અંત ધારદાર હોવો જોઈએ પરંતુ આ જોરદાર અને ધારદાર વચ્ચેનો ગાળો મર્યાદિત હોવો જોઈએ. સારા શ્લોકથી શરૂઆત કરીને વિષયને વળગી રહીને કુદરતી રીતે જ વાતચીત કરતાં હોય એવા વકતાઓ હંમેશા સફળ બનતા હોય છે. વકતાએ હિંગ, તેલ, સિંગનો ત્યાગ કરીને વરયાળી, દૂધ, સાકર અને દ્રાક્ષનું સેવન કરવું જોઈએ અને બે હાથ અને બે પગના અંગૂઢા અને પહેલી આંગળીમાં દબાવવાથી અવાજ ખૂલી જતો હોય છે. જેઢી મધ સાથે ઘી વાપરવાથી બહુ બોલ્યા પછી જે અવાજ બેસી જતો હોય છે તે તુરંત ખુલી જતો હોય છે. બોલતાં પહેલા થોડું એરંડિયું મોંમાં નાંખીને અથવા હાથેથી ગળાના અંદરના ભાગમાં એરંડિયું ઘસવાથી લાંબો સમય સુધી બોલી શકાય છે અને ગળાની બહારના ભાગમાં તલનું તેલ લગાડવાથી પણ ઘણો ફાયદો થતો હોય છે. ઈલાયચી અને સાકર, ગુંદર અને સાકર, હળદર અને ગોળ વગેરે ચૂસવાથી તેમ જ ફૂલાવેલી ફટકડીના એક ચમચી પાઉડર એક ગ્લાસ પાણીમાં નાંખી કોગળા કરવાથી થ્રોટ ઈન્ફેક્શનમાં તત્કાળ રાહત થતી હોય છે.
-અતુલકુમાર વ્રજલાલ શાહ