#Blog

10 ઓક્ટોબર, “વિશ્વ માનસિક આરોગ્ય દિવસ”

  • પહેલું સુખ તે જાતે નર્યા
  • યોગ ભગાડે રોગ
  • તંદુરસ્ત રહો, સલામત રહો.

“વિશ્વ આરોગ્ય સંસ્થા” તેમજ “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય સંઘ”નાં સંયુક્ત ઉપક્રમે 1992 થી દર વર્ષે 10-ઓક્ટોબરનાં દિવસને “વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે વિવિધ જનજાગૃતીનાં કાર્યક્રમો દ્વારા મગજ અને માનસિક રોગોને લગતી બાબતો અંગેનાં કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે જયારે આપણે કોરોના જેવી મહામારીનો ભોગ બની રહ્યા છીએ ત્યારે સ્વાસ્થ્ય જાળવવું એ અતિ મહત્વનું કાર્ય થઈ ગયું છે. દેશમાં પહેલો કોવીડ કેસ આવ્યો એને ત્રણ વર્ષ જેવો સમય થઈ ગયો છે ત્યારે જો પ્રથમ લોકડાઉનની જાહેરાતને યાદ કરીએ તો પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીજીએ પહેલી જ વાર લોકડાઉનની જાહેરાત કરતી વખતે કહ્યું હતું કે “જાન હૈ તો જહાન હૈ” ત્યારથી લઈને આજ સુધી અને હજુ ભવિષ્યમાં પણ સૌ કોઈએ પોતાના જીવનનું મહત્વ સમજી લીધુ છે. કોરોના મહામારીની ઘણી ગંભીર અસરો થઈ છે પરંતુ કેટલાક સારા પરિણામો જેવા કે પર્યાવરણની જાળવણી, લોકડાઉનમાં સૌ કોઈને પરિવાર સાથે માણવા મળેલો સમય તેમજ આપણો દેશ સ્વાસ્થ્ય ક્ષેત્રે જેટલી ઝડપથી આધુનિકતા તરફ વધ્યો હતો તેનાથી બમણી ઝડપે શરીરનું સંપૂર્ણ સ્વાસ્થ્ય જાળવવા માટે આપણે પ્રાચીન ભારતમાં સ્વાસ્થ્ય જાળવણી માટે વપરાતાં વિવિધ આયુર્વેદિક નુસખાઓ અપનાવવા માંડ્યા છીએ. શરીર અને મન એકબીજા સાથે સંકળાયેલા છે. જો શરીર સ્વસ્થ હશે તો મન સ્વસ્થ રહેશે. માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે પ્રાકૃતિક જીવન શૈલીનો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે પ્રાચીન કાળથી ચાલી આવતી યોગ,પ્રાણાયામ કરવાની આપણી સંસ્કૃતિને જાળવતા રહીને આજે સમગ્ર દેશ કઈ રીતે સ્વસ્થ રહેવા માટે નવા નવા ઉપાયો પાછળ દોરાય રહ્યો છે ત્યારે એક વાત નોંધવા જેવી છે કે લોકો પાસે આ દિશામાં યોગ્ય માર્ગદર્શન કરી શકે એવા કોઈ શ્રેષ્ઠ માર્ગદર્શક ઉપલબ્ધ નથી અથવા ઉપલબ્ધ થાય છે તો લોકો તેમની પાસે જતા નથી. મિત્રો, આડોશ-પાડોશ કે સગા સંબંધીઓ પાસેથી જે સલાહો મળે તે સમજ્યા વગર બેફામ ફોલો કરવામાં આવે છે જેનાથી એક યા બીજી તકલીફો સર્જાય છે માટે સ્વાસ્થ્યની બાબતમાં કોઈ પણ નિર્ણય પર વિશેષ માર્ગદશન મેળવ્યા બાદ જ આગળ વધવું જોઈએ. માનસિક શાંતિ વ્યક્તિ કેવા પ્રકારનો ખોરાક લે છે તેના પર પણ આધારિત હોય છે. વ્યક્તિ જ્યારે માંસાહાર કરે છે ત્યારે તેનાં શરીરમાં એસીડ વધારે ઉત્પન્ન થાય છે જેના કારણે શરીરમાં રોગ ઉત્પન્ન થતા હોય છે અને તેનાથી માનસિક શાંતિ હણાય છે. ‘જેવું અન્ન એવું મન’ એ બાબતને ધ્યાનમાં રાખીને હંમેશા શાકાહાર, શુદ્ધ આહાર અપનાવવું જોઈએ. આયુર્વેદ,યોગ,નેચરોપેથી,યુનાની,સિદ્ધા,હોમિયોપેથી, પંચગવ્ય ચિકિત્સા  જેવી વિવિધ ચિકિત્સા પદ્ધતિઓને જાળવવા તેમજ એ દ્વારા સ્વાસ્થ્ય પ્રત્યે લોક જાગૃતિ લાવવાનાં હેતુથી સરકાર પણ આયુષ મંત્રાલય દ્વારા સ્વાસ્થ્ય જાળવણીની જુદી જુદી પદ્ધતિઓને લોકો સુધી પહોચાડવા અગ્રેસર છે. વર્તમાન સમયમાં મોબાઈલ, ઇન્ટરનેટનાં વધુ પડતા ઉપયોગથી પણ લોકોનું માનસિક સ્વાસ્થ્ય જોખમમાં આવ્યું છે. ખાસ કરીને નાના બાળકો મોબાઈલ અને સોશિયલ મીડિયામાં અટવાતા જાય છે અને રીયલ લાઈફ કરતા રીલ લાઈફમાં વધુ સંડોવાય ગયા છે ત્યારે તેમને પણ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ, યોગ્ય દિશામાં કેવી રીતે કરવો તેની સમજ આપવી અત્યંત જરૂરી બની જાય છે. વ્યક્તિ જો માનસિક રીતે સ્વસ્થ હશે તો તેના શરીરમાં પણ કોઈ રોગ પ્રવેશી નહિ શકે. હેલ્થ ઇઝ વેલ્થ.

  • મિત્તલ ખેતાણી( મો. 98242 21999)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *