હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU) પાટણમાં “કામધેનુ ચેર”ની સ્થાપના માટે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ સાથે ઐતિહાસિક MOU

ભારતની ગૌરવશાળી પરંપરા અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપતું ઐતિહાસિક પગલું : ડો.વલ્લભભાઈ કથીરિયા
ભારતની ગૌરવશાળી પરંપરા, સમૃદ્ધ સંસ્કૃતિ અને ગૌ આધારિત અર્થવ્યવસ્થાને નવી દિશા આપવા માટે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ દ્વારા ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી (HNGU), પાટણ ખાતે ગ્લોબલ કન્ફેડરેશન ઑફ કાઉ બેઝ્ડ ઇન્ડસ્ટ્રીઝ (GCCI) અને ગૌ વિશ્વ વિદ્યાપીઠમ દ્વારા “કામધેનુ ચેર” ની સ્થાપના માટે મહત્વપૂર્ણ સમજૂતી કરાર (MOU) પર તાજેતરમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ પહેલ ભારતના ગ્રામ્ય સામાજિક-આર્થિક માળખાને મજબૂત બનાવવા માટેનું એક દૂરંદેશી અને મજબૂત પગલું પણ છે.
ભારતવર્ષમાં ગૌ માતાને માત્ર એક પશુ તરીકે નહીં પરંતુ સમગ્ર જીવન, સંસ્કૃતિ અને અર્થતંત્રના આધારરૂપ માનવામાં આવી છે. પંચગવ્ય આધારિત કૃષિ, આરોગ્ય, ઔષધિ, ઉદ્યોગ, પર્યાવરણ અને આત્મનિર્ભરતા જેવી પરંપરાઓને આધુનિક વિજ્ઞાન અને નવીનતાથી જોડવાની દિશામાં “કામધેનુ ચેર” ની સ્થાપના અત્યંત મહત્વપૂર્ણ છે.
આ MOU નો મુખ્ય હેતુ પંચગવ્ય અને ગૌ આધારિત ઉદ્યોગો પર બહુમુખી સંશોધનને પ્રોત્સાહિત કરવાનો, ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિને પુનર્જીવિત કરવાનો, ગૌઉત્પાદનો દ્વારા આરોગ્યવર્ધન કરવાનો, યુવાનોમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાનો વિકાસ કરવાનો અને સાતત્યપૂર્ણ વિકાસને દિશા આપવાનો છે. આ કામધેનુ ચેર અંતર્ગત વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે વિશેષ પ્રમાણપત્ર કોર્સ તેમજ પ્રાયોગિક તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે જ વિવિધ વિભાગો અને ઉદ્યોગો વચ્ચે સંકલન દ્વારા ગૌ આધારિત ઉદ્યોગોને વૈજ્ઞાનિક, ટેકનિકલ અને ઉદ્યોગિક દૃષ્ટિએ મજબૂત બનાવવામાં આવશે. આ પ્રયાસનો હેતુ યુવાનોને રોજગાર અને આત્મનિર્ભરતાથી જોડવાનો છે જેથી ભારતની અર્થવ્યવસ્થામાં ગૌ માતાની કેન્દ્રીય ભૂમિકા ફરીથી સ્થાપિત કરી શકાય.
આ અવસરે GCCI ના અધ્યક્ષ ડૉ. વલ્લભભાઈ કથીરિયાએ પોતાના વિચારો વ્યક્ત કરતાં જણાવ્યું કે આ સમજૂતી કરાર (MOU) માત્ર શૈક્ષણિક અને સંશોધન ક્ષેત્રમાં નવી દ્વાર જ નહીં, પરંતુ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ આધારિત ગૌ અર્થવ્યવસ્થાને વૈશ્વિક સ્તરે લઈ જવામાં એક મીલનો પથ્થર સાબિત થશે. તેમણે જણાવ્યું કે GCCI દ્વારા દેશભરના વિવિધ યુનિવર્સિટીમાં “કામધેનુ ચેર” સ્થાપવાની યોજના છે, જેનો હેતુ યુવાનોને ગૌ અને પંચગવ્ય આધારિત વિજ્ઞાન, ટેકનોલોજી અને ઉદ્યોગસાહસિકતાથી જોડવાનો અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો છે.
આ ઐતિહાસિક પ્રસંગે કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. હિતેષભાઈ જાની (કુલગુરૂ, ગૌ વિશ્વ વિદ્યાપીઠમ) ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમની અધ્યક્ષતા પ્રો. ડૉ. કે. સી. પોરિયા (કુલપતિ, HNGU) એ કરી. તેમણે આ પહેલને યુનિવર્સિટીની શૈક્ષણિક ઉત્તમતા અને સામાજિક જવાબદારીના સંગમ તરીકે રેખાંકિત કરી. ડૉ. રોહિતકુમાર દેસાઈ (રજિસ્ટ્રાર, HNGU), ડૉ. કમલ મોઢ, રાવલબેન ગાર્ગી, રોશન અગ્રવાલ સહિત અનેક માનનીય મહેમાનો, વિદ્વાનો અને સામાજિક કાર્યકરોની ઉપસ્થિતિ અને સક્રિય સહભાગિતાએ કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો.