2 ફેબ્રુઆરી, “વસંતપંચમી”

દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ, કૃષ્ણ, રાધા અને માતા સરસ્વતીને પીળા રંગનાં વસ્ત્રો અને ફૂલોથી શણગારીને ગુલાલ, ધૂપ-દીપ અને જળ અર્પણ કરીને તેમની પૂજા કરવામાં આવે છે. વસંત પંચમીનો તહેવાર ’સરસ્વતી પૂજા’, ’શ્રી પંચમી’, ’જ્ઞાન પંચમી’ તરીકે પણ ઓળખાય છે.
હિંદુ સંસ્કૃતિમાં વસંત પંચમીનો દિવસ તે વસંત ઋતુનો પ્રથમ દિવસ ગણવામાં આવે છે એટલે કે આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. આ દિવસને લઈને એવી માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ વિશેષ મહત્વનો છે. વસંત પંચમીનો તહેવાર માઘ મહિનાનાં શુક્લ પક્ષની પાંચમનાં દિવસે ઉજવવામાં આવે છે. તમામ છ ઋતુઓમાં વસંતઋતુ ‘ઋતુરાજ’ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીનાં દિવસે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આ દિવસને શિક્ષણ અથવા અન્ય કોઈ નવી કલાની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. વસંત પંચમીને દિવસે ‘વસંત રાગ’ ગાવાનું ખૂબ મહત્વ છે. વસંત રાગ ગાવાથી જીવનમાં પ્રસન્નતા થાય છે. ગીતાજીનાં દસમાં અધ્યાયમાં શ્રી કૃષ્ણ પરમાત્મા એમ કહે છે કે, “ઋતુનામ્ કુસુમાકર” અર્થાત્ ‘ઋતુઓમાં વસંતઋતુ હું છું.’ આમ, વસંત ઋતુ એ ભગવાનનું સ્વરૂપ છે. વિદ્યાર્થીઓ આ દિવસે માતા સરસ્વતીની પૂજા-આરાધના કરે છે અને તેમનાં આશિર્વાદ મેળવે છે.
“યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા”
“સરસ્વતી નમસ્તુંભ્યમ વરદે કામરૂપિણી”
- મિત્તલ ખેતાણી (મો. 98242 21999)
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































