મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીતે ભગવાન શિવને અતિ પ્રિય એવા નંદી પૂજન અને ગૌ પૂજનનો કાર્યક્રમ યોજાશે.

રાજકોટની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં 2300 ગૌમાતાની નિઃસ્વાર્થ ભાવે થતી ગૌસેવા.
સૌ ભાવિકજનો શિવ વંદના, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે.
સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે રકતદાન કેમ્પનું આયોજન.
નંદી પૂજન અને ગૌ પૂજનમાં પધારનાર તમામ ભાવિક ભકતો માટે ફળાહારની વ્યવસ્થા, સૌને પધારવા જાહેર આમંત્રણ – ચંદ્રેશભાઈ પટેલ.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીતે રાજકોટની ભાગોળે આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ કિશાન ગૌશાળા ખાતે તા. ૨૬/૦૨/૨૦૨૫ ને બુધવારના રોજ બપોરે ૦૩-૦૦ થી સાંજે ૦૬-૦૦ વાગ્યા સુધી ભગવાન શિવને પ્રિય એવા નંદી પૂજન અને ગૌ પૂજનનો કાર્યક્રમ વૈદિક મંત્રોથી કરવામાં આવશે. સાથમાં જ ભજન, કિર્તન, પ્રવચન, હવન, શિવ આરાધના કરાશે. નંદી પૂજનમાં આવનાર તમામ ભાવિક ભકતો માટે ફળાહારની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. આ દિવ્ય અનુષ્ઠાન ગૌસંસ્કૃતિ અને શિવભક્તિ ના પ્રસાર માટે રાખવામાં આવ્યું છે. સૌ ભાવિકજનો શિવ વંદના, ભજન-કીર્તન, રાસ-ગરબાનો આનંદ પણ સહપરિવાર લેશે.
સીવીલ હોસ્પિટલમાં રકતની જરૂરીયાત ઉભી થઇ છે ત્યારે સીવીલ હોસ્પિટલનાં જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકો માટે નિઃશુલ્ક લોહી મળી રહે તે માટે રકતદાન કેમ્પનું આયોજન પણ કરાયું છે. રકતદાન કરી અમુલ્ય માનવ જીંદગીઓને તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના જીવનને બચાવવા નિમિત બનવા માટે ‘કિશાન ગૌશાળા નાં ચંદ્રેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે.
નંદીનું મહાત્મ્ય જોઈએ તો નંદી, જે ભગવાન શિવના વાહન અને ભક્ત છે, હિંદુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવે છે. નંદીને શિવભક્તિ, શક્તિ અને ન્યાયનું પ્રતિક માનવામાં આવે છે. તેમને ગુરુ અને શિષ્યના સંબંધનું પણ પ્રતિક માનવામાં આવે છે, કારણ કે તેઓ ભગવાન શિવના પરમ ભક્ત અને દ્વારપાલ તરીકે સેવા બજાવે છે. નંદી ભગવાન શિવના સૌથી પ્રિય અને સ્નેહી ભક્ત છે. તેઓ શિવલિંગની સામે બેઠેલા હોય છે, જે દર્શાવે છે કે ભક્તિ અને સમર્પણથી ઈશ્વરને પ્રાપ્ત કરી શકાય. નંદીને ન્યાય અને ધર્મના સંરક્ષક તરીકે પણ માનવામાં આવે છે. તેમની ભક્તિ અને અખંડ શ્રદ્ધા દર્શાવે છે કે સાચા માર્ગે ચાલનારા ભક્તને શિવ કૃપા હંમેશા મળે છે. શિવ મંદિરોએ નંદીની પ્રતિમા પ્રવેશદ્વાર પાસે હોય છે. માન્યતા છે કે જો કોઈ ભક્ત નંદીના કાનમાં પોતાની મનોકામના કહે, તો નંદી તે સીધા શિવ સુધી પહોંચાડે છે. નંદી વૃષભ (બળવાન સાંઢ) સ્વરૂપે છે, જે હિંમત, શાંતિ અને અધ્યાત્મનું પ્રતિક છે. ગૌસંસ્કૃતિમાં નંદીનું મહત્વ વધુ છે, કારણ કે ગાય અને સાંઢ હંમેશા હિંદુ સંસ્કૃતિમાં પવિત્ર માનવામાં આવ્યા છે. માન્યતા છે કે નંદી રિષભ દેવના પુત્ર હતા અને તેઓએ કઠોર તપશ્ચર્યા દ્વારા શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ તેમને પોતાનું વાહન બનાવવાનું વરદાન આપ્યું. રાવણે જ્યારે ભગવાન શિવને લંકા લઈ જવા માટે તપ કર્યા, ત્યારે નંદીએ તેને ભ્રમિત કર્યો, જેના પરિણામે શિવજી લંકા ગયા નહીં. શ્રીમદ્ ભાગવતમાં પણ નંદીનો ઉલ્લેખ છે, જ્યાં તેઓ ભગવાન કૃષ્ણને શિવજીના તત્વ વિશે સમજાવે છે. નંદી પૂજન કરવાથી ભક્તિમાં વૃદ્ધિ થાય છે. ધૈર્ય અને શાંત મનોસ્થિતિ મળે છે. શિવકૃપા પ્રાપ્ત થાય છે. મનોકામનાઓ પૂર્ણ થાય છે. નંદી માત્ર ભગવાન શિવનું વાહન જ નહીં, પણ ભક્તિ, સંયમ, અને અખંડ શ્રદ્ધાનું પ્રતિક છે. તેમનું પૂજન કરવાથી શિવભક્તિમાં વધારો થાય છે અને જીવનમાં શાંતિ અને સુખ મળે છે.
રાજકોટ શહેરની ભાગોળે આવેલ ‘કિશાન ગૌશાળા’ માં આશરે 2300 જેટલા અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા વિગેરેનો સુંદર નિભાવ થઈ રહયો છે, જેમા રસ્તે રઝડતા, બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા-લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે અને જો કોઈ પશુ બીમાર હોય તો તેની સારવાર કરવામાં આવે છે અને તેની સેવાચાકરી કરવામાં આવે છે. હાલમાં ગૌશાળામાં એકપણ દૂજાણું પશુ નથી. સંસ્થાને કોઈ કાયમી ભંડોળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નથી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા–જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે. કિશાન ગૌશાળા દ્વારા ગાય આધારીત પ્રાકૃતિક ખેતી માટે ગૌમૂત્ર, જુની પડતર છાશ, જીવામૃત, ઘનજીવામૃત વિગેરે રાહત ભાવે આર્ડર મુજબ બનાવી આપવામાં આવે છે.
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીતે ભગવાન શિવને અતિ પ્રિય એવા નંદી પૂજનનો કાર્યક્રમમાં પધારવા માટે ‘કિશાન ગૌશાળા’ ના ચંદ્રેશભાઈ પટેલ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યુ છે.
આજીડેમ ચોકડી પાસે, રામવનની સામે, રાજકોટ ખાતે આવેલ ‘કિશાન ગૌશાળા’, અંગેની વિશેષ માહિતી માટે ચંદ્રેશભાઈ પટેલ (મો.નં. ૯૭૨૫૨ ૧૯૭૬૧) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.