પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નિધન બદલ ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડૉ. વલ્લભભાઈ કથીરિયા અને મહિલા સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા શ્રીમતિ કાંતાબેન કથીરિયા

અમારા સાથી, સહયોગી અને ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનના સમાચારથી અમે ખૂબ જ દુઃખી અને હૃદયદ્રાવી છીએ. તેમના અવસાનથી એક સરળ, નિષ્ઠાવાન અને જનસેવાને સમર્પિત કર્મયોગી નેતાના જવાથી ગુજરાત તેમજ રાજકોટ શોકમગ્ન છે. અમારા પરિવાર અને વિજયભાઈના પરિવારના સંબંધો રાજકીય મંચથી વિશેષ રહ્યા છે. અમારે એકસાથે ભાજપના સંગઠન અને સંઘ પરિવાર થી લઈને રાજ્યના ઉચ્ચ કક્ષાના નિર્ણયો સુધી અનેકવાર સાથે કાર્ય કરવાનો અવસર મળેલ. તેઓ હર હમેશ શાંત, સમજદાર અને કાર્યશીલ વ્યક્તિત્વના ધની હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ના અદના સ્વયંસેવકથી શરૂ થયેલી તેમની જીવનયાત્રા રાજકોટના નગરસેવક, ધારાસભ્ય, મંત્રી અને પછી મુખ્યમંત્રી સુધી પહોંચી. તેમની કાર્યશૈલીમાં ક્યારેય અહંકારનો અવકાશ નહોતો. જનતાની વચ્ચે રહીને લોકહિતના નિર્ણયો લેવા એ જ તેમની કાર્યપ્રણાલી રહી. જ્યારે હું કેન્દ્રમાં મંત્રી તરીકે કાર્યરત હતો, ત્યારે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ભાજપાના અગ્રણી નેતા તરીકે વિજયભાઈ સતત રાજ્યના પ્રશ્નોને લઈ પ્રશ્નોનું નિરાકરણ લાવવા ગંભીરતાપૂર્વક સંલગ્ન રહેતા હતા. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ગુજરાતના વિકાસ માટે તેઓ હર હમેશ પરિશ્રમશીલ અને કટિબદ્ધ રહ્યા. આજના વિકાસીત ગુજરાતમાં તેમનું અમુલ્ય અને અવિસ્મરણીય યોગદાન હર હમેશા યાદ રહેશે. અમે જ્યારે પણ મળતા ત્યારે , પ્રેમપૂર્વક “કેમ છો ડૉક્ટર !” કહીને બોલાવતા અને સેવાકાર્યોની વિગતો જાણી પ્રોત્સાહિત કરતા. અમારો એમના પરિવાર સાથે વર્ષોથી નજીકનો આત્મીયતાનો સંબંધ રહ્યો છે. તેમના જીવનસાથી અંજલીબેન અને પરિવારજનો સાથે અવારનવાર પ્રસંગોપાત નિયમિત રીતે મળવાનું થતું. તેમના અવસાનથી વ્યક્તિગત રીતે અમે એક ઉમદા મિત્ર ગુમાવ્યા છે, રાજ્યએ એક દૃઢ નેતા ગુમાવ્યા છે, ભારતીય જનતા પાર્ટીએ એક પરિશ્રમી અને કર્મઠ નેતા અને સમાજે એક જીવદયા પ્રેમી વ્યક્તિત્વ ગુમાવ્યુ છે. આ દુખ:દ ઘડિએ અમારી ઈશ્વરને પ્રાર્થના તેમના સદ્દગત આત્માને ચિરશાંતિ આપે અને તેમના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ઓમ શાંતિ !
































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































