#Blog

જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિ કરવામાં આવી

પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાન પાંચમના શુભદિને શ્રુતગંગા દ્વારા ભારતભરના જૈન સંઘોમાં વિશિષ્ટ શ્રુતભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શતાધિક સંઘોના હજારો શ્રાવક-શ્રાવિકાઓએ પરંપરાગત ઉપકરણો દ્વારા શ્રુતજ્ઞાનની વિશિષ્ટ ભક્તિ કરવામાં આવી હતી.

જૈન સંઘોમાં જ્ઞાનપાંચમનું મહત્વ એક અપેક્ષાએ સંવત્સરી મહાપર્વ જેવું છે તે શુભદિને સમગ્ર ભારતભરના જૈન પોતાના સંઘોના પુસ્તકો અને જ્ઞાનભંડારોનું શુદ્ધિકરણ કરીને તે જ્ઞાનને વિશિષ્ટ રીતે દર્શન માટે ઉપલબ્ધ કરીને બાળગોપાલ સર્વેજીવો આ શ્રુતની વિશિષ્ટ ભક્તિ કરી શકે તે માટે ઉલ્લાસપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે ફુલસ્કેપ પેપર અને પેન દ્વારા વગેરે રાખીને શ્રુતભક્તિ થતી હોય છે. જે સંઘોમાં વણવપરાયેલ ફાજલ પડી રહેલ હોવાથી આ વર્ષે પ્રતિવર્ષની જેમ સાંગાનેરી કાગળ, તજીયા બરુની કલમ, સ્યાહીના ખડીયાઓ, ઓળીયું, અકીકનો પથ્થર, પૂઠા, પોથીબંધન અને ગ્રંથો સમર્પિત કરીને વિશિષ્ટ ભકિત રાખવામાં આવી હતી.

શ્રુતગંગા દ્વારા છેલ્લા 15થી વધુ વર્ષથી લહિયાઓ દ્વારા આગમો અને પ્રાચીન શ્રુતની હસ્તલિખિત પ્રતો તૈયાર કરાવીને શુદ્ધિકરણ કરવા દ્વારા શાશ્વતાતીર્થ પાલીતાણામાં સુરક્ષિત રાખવામાં આવે છે જેથી આવનારી પેઢીમાં આ શ્રુતનો વારસો સચવાઈ રહે કેમ કે ઝેરોક્ષ એકથી બે વર્ષ, પ્રિન્ટિંગ 100થી 200 વર્ષ ટકે છે જ્યારે આ હસ્તલિખિત ગ્રંથો 850થી હજાર વર્ષ સુધી ટકી રહે તેવા સાંગાનેરી કાગળ પર લખાવવામાં આવે છે જેનું ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાની લેબોરેટરી દ્વારા કાગળના આયુષ્યનું સર્ટિફિકેટ પણ મેળવવામાં આવે છે.

તલના તેલ દ્વારા તાંબાના પાત્ર પર બનતી 100 ગ્રામ મેશમાં 150 ગ્રામ હીરા ગોળ અને 250 ગ્રામ લિમડાના ગુંદર દ્વારા 64 પ્રહર એટલે કે 192 કલાક સુધી આ મિશ્રણને ઘૂંટવા દ્વારા વિશિષ્ટ કાળી, લાલ અને પીળી સ્યાહી પણ બનાવવામાં આવે છે જેનું આયુષ્ય પણ આ કાગળ જીવિત રહે ત્યાં સુધીનું હોય છે.  યંત્રવાદનો ઉપયોગ કર્યા વગર ઓળીયા દ્વારા આ કાગળ ઉપર લાઈનો ઉપસાવવામાં આવે છે અને તેના ઉપર ભારતભરના અનેક લહીયાઓ હસ્તલિખિત ગ્રંથોનું આલેખન કરે છે. અત્યાર સુધીમાં લગભગ આવા દસ હજાર ગ્રંથો લખાઈ ચૂક્યા છે જેમાં આગમો, ચૂર્ણી, ટીકા વગેરે પંચાંગી શ્રુતનું સર્જન કરવામાં આવે છે અને આ હસ્તલેખન પ્રાચીન કળાને જીવંત રાખવામાં આવે છે. જેમના સુઘડ અને સ્વચ્છ – સુરેખ અક્ષરો હોય તેવા લોકોને શ્રુતગંગાના કાર્યાલય પર આમંત્રિત કરવામાં આવે છે જેથી તેઓને યોગ્ય મહેનતાણું આપીને આ કળાને જીવંત રાખી શકાય અને પ્રાચીન શાસ્ત્રોનું અદભુત, અમૂલ્ય વારસો અલૌકિક રીતે સુરક્ષિત કરી શકાય.

જે લોકો લખી ના શકે તેઓ મૂળ પ્રતમાંથી હસ્તલિખિત પ્રતમાં લખાયેલું પ્રૂફ રીડિંગ કરી આપે તો તેઓને પણ યોગ્ય મહેનતાણું આપવામાં આવે છે. આ વર્ષે ભારતભરના શતાધિક જૈન સંઘોમાં ઉપરોક્ત ઉપકરણો પોથીબંધન, પૂઠા, સાગની પાટી, કાંબી, દાબડા, સ્થાપના સૂત્ર, 45 આગમોના અને 11 ગણધરના નામ તેમ જ શત્રુંજ્ય ગિરિરાજના 108 નામ હસ્તલિખિત કાગળો પર આલેખીને તેની શ્રુત ભક્તિ કરવામાં આવી છે. જે સંઘો કે મંડળોમાં ભાઈ-બહેનો એકત્રિત થાય તો શ્રુતગંગા દ્વારા ટેલિગ્રાફિક એક્સપર્ટને મોકલીને સ્થાનિક લોકોને આ કળા શીખવવામાં પણ આવે છે. જે કોઈને આ શ્રુતગંગાના જ્ઞાન યજ્ઞમાં ભાગ લેવો હોય તો પ્રતિશ્લોક 10 રૂપિયા લખાવવા દ્વારા શ્રુતગંગાના આ કાર્યમાં સહભાગી થઈ શકે છે.

કરણ, કરાવણ, અનુમોદન અને શ્રુતઆશાતનાથી બચીને આ શ્રુતભક્તિની અનેરું આયોજન વિવિધ સંઘોમાં કરવામાં આવ્યું હતું. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.-અતુલકુમાર વ્રજલાલ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *