#Blog

જલ સંરક્ષણ માટેની જલકથાની વૈશ્વિક લેવલે લેવાશે નોંધ

રાજકોટમાં ‘જલકથા’ દરમિયાન 16 ડિસેમ્બરે રચાશે વિશ્વ રેકોર્ડ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ ‘જલકથા: અપને અપને શ્યામ કી’ થકી ઇતિહાસ રચવા માટે સજ્જ

ગિનિસ સહિત અનેક વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ ખરાઈ માટે રહેશે ઉપસ્થિત

જળ સંરક્ષણ અને પર્યાવરણીય જાગૃતિના એક અનોખા અને ભવ્ય પ્રયાસના ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આગામી 15, 16 અને 17 ડિસેમ્બર, 2025 દરમિયાન ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’નું આયોજન કરવામાં આવ્યું છે. જળસંચયના સંદેશને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક માધ્યમથી વૈશ્વિક સ્તરે પહોંચાડવાના ઉદેશ સાથે યોજાઇ રહેલી આ જલકથામાં નવો વૈશ્વિક વિક્રમ સ્થાપિત કરવામાં આવશે.

ગીરગંગા પરિવાર ​ટ્રસ્ટની આ જલકથાને ‘ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’ સહિતની વિશ્વની રેકોર્ડ એજન્સીઓ “વિશ્વની પ્રથમ વૈશ્વિક જલકથા – સૌથી મોટા વૈશ્વિક જળ-વિશ્વાસ મેળાવડા” તરીકે વર્લ્ડ રેકોર્ડ નોંધશે.

ઉલ્લેખનીય છે કે, ડો. કુમાર વિશ્વાસની જલકથા તારીખ 15, 16 અને 17 ડિસેમ્બર દરમિયાન યોજાઇ રહી છે, તેમાં આ રેકોર્ડ 16મી ડિસેમ્બરના રોજ રાત્રે 8.00 થી 10.00 વાગ્યા સુધી રેસકોર્સ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે નોંધવામાં આવશે. ​આ રેકોર્ડ શ્રેણીને “જળ સંરક્ષણ માટે સૌથી મોટો અને પ્રથમ આધ્યાત્મિક-સાંસ્કૃતિક મેળાવડો” તરીકે માન્યતા અપાશે.

​          આ ઐતિહાસિક પ્રયાસને પ્રમાણિત કરવા માટે, દેશ-વિદેશની પ્રતિષ્ઠિત વર્લ્ડ રેકોર્ડ એજન્સીઓના અધિકારીઓ અને નિરીક્ષકો રાજકોટની મુલાકાત લેશે, જેમાં IEA (IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ) એક કન્સલ્ટિંગ ફર્મ તરીકે સમગ્ર રેકોર્ડ પ્રક્રિયાનું સંકલન કરશે. આ વર્લ્ડ રેકોર્ડમાં ​ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ-આંતરરાષ્ટ્રીય, ​એશિયા સ્પેસિફિક બુક ઓફ રેકોર્ડ્સ–એશિયા લેવલ, ​IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ–ઇન્ટરનેશનલ/નેશનલ,​ ઓએમજી બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ–ઇન્ટરનેશનલ, ​ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ–ભારત, ગ્લોબલ બુક ઓફ રેકોર્ડ્સ-ઇન્ટરનેશનલ, ​લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ-ભારતનો સમાવેશ થાય છે

વર્લ્ડ રેકોર્ડ નોંધવાની ​પ્રક્રિયા પૂર્વે રેકોર્ડ એજન્સી આઇઇએની પ્રથમ ટીમ 14 મી ડિસેમ્બરે રાત્રે રાજકોટ પહોંચશે અને બીજી ટીમ 16મી ડિસેમ્બરે સવારે રાજકોટ આવી પહોંચશે.

દરમિયાન, ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ‘જલકથા’ માત્ર એક ધાર્મિક આયોજન નથી, પરંતુ જળ સંરક્ષણના વૈશ્વિક પડકાર સામે ભારતની સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિનું પ્રતીક છે. આ પ્રયાસ દ્વારા ગીરગંગા પરિવાર એકસાથે અનેક વૈશ્વિક અને રાષ્ટ્રીય રેકોર્ડ્સ સ્થાપિત કરશે, જે જળસંચયના સંદેશને વિશ્વભરમાં ગુંજતો કરશે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *