સમગ્ર ભારતભરના જૈનોમાં નવમ – દશમ – અગિયારસ પુરુષાદાનીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના જન્મદિક્ષા કલ્યાણ નિમિત્તે વિશિષ્ટ ભક્તિ એટલે આ વર્ષે તા. 13, 14, 15 શનિવાર, રવિવાર, સોમવારે અદભુત ભક્તિનો માહોલ સર્જાશે.
મુંબઈમાં જ દસ હજારથી વધારે લોકો ત્રણ દિવસના ઉપવાસ એટલે કે અઠ્ઠમ કરશે. શંખેશ્વરમાં તો પચ્ચીસ હજારથી વધુ લોકો આવી અઠ્ઠમની ભક્તિ કરે છે.
આ 24ના આ 23મા પાર્શ્વનાથ પ્રભુનો અપરંપાર મહિમા છે કારણ કે તેમના અધિષ્ઠાય દેવો આજે પણ જાગૃત છે. જગ જયવંત અને જીવંત છે.
સમતાદાયક પાર્શ્વનાથ પ્રભુની સાધનાથી સમાધિ મૃત્યુ મળે છે
જેમના અધિષ્ઠાયકો આજે પણ જાગૃત, જગ જયવંત અને જીવંત છે
પુરુષાદાનીય પાર્શ્વનાથ પ્રભુના નામમાં ચૌંર્યાસી હજાર વિદ્યાઓનો વાસ છે
નૂતન વર્ષમાં સંવત્સરી જેવું મહત્ત્વ ધરાવતાં જ્ઞાન પાંચમ અને કલ્યાણકોની પ્રધાનતા દર્શાવતું મૌન એકાદશી પર્વ હજુ તો પૂર્ણ થાય ત્યાં પોષ દશમી પર્વ આવીને વધામણાં કરે છે. તીર્થોમાં સામેથી જવું પડે, પર્વ સામેથી આવે છે. માગશર વદ નવમ, દશમ, અગિયારસ એ મારવાડીમાં પોષ મહિનામાં આવતા હોવાથી આ મહિનાને પોષ દશમી તરીકે પ્રખ્યાતી મળી છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુની જન્મ કલ્યાણક અને દીક્ષા કલ્યાણકની સમગ્ર ભારતભરમાં ત્રણ ઉપવાસ દ્વારા કે ખીરના, સાકરના, પાણીના વગેરેના ત્રણ એકાસણાં કરવા દ્વારા સમાધિની સાધના ઉલ્લાસભેર થાય છે.
આ વર્ષે શ્રી ગીતાંજલિ શ્વેમ્બાર મૂર્તિપૂજક જૈન સંઘ, બોરીવલી દ્વારા દસ હજાર આઠ સામુહિક અઠ્ઠમનું આયોજન નિર્ધારાયું છે. ભારતભરના પાર્શ્વનાથ પ્રભુના તીર્થોમાં ઠેર ઠેર સામુહિક અઠ્ઠમ અને જન્મકલ્યાણક આદિની આરાધના તો થશે પરંતુ એકલા શંખેશ્વરમાં 30થી 35 હજાર અઠ્ઠમની આરાધનાઓ થતી હોય છે. સમાધિદાયક પાર્શ્વનાથ પ્રભુના અઠ્ઠમની આરાધનાથી આત્મામાં શાતા, શાંતિ અને સમાધિનો ત્રિવેણી સંગમ પ્રાપ્ત થાય છે.
આસન્ન ઉપકારી શાસન શ્રી મહાવીર પ્રભુનો મહિમા અપંરપાર છે તેમ છતાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના અધિષ્ઠાયકો આજે પણ તેમનો મહિમા સાધકોને અનુભવ કરાવી રહ્યા છે. શ્રી વર્ધમાન તપની 100 ઓળીના પારણા સમયે જૈન સંઘ શ્રી વર્ધમાન સૂરિજી શંખેશ્વર તરફ પ્રયાણ કરી રહ્યા હતા અને રસ્તામાં જ કાળધર્મ પામે છે. અને એમ કહેવાય છે કે આજે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના મુખ્ય અધિષ્ઠાયક તરીકે પ્રસિદ્ધિને પામ્યા છે.
લોલાડા ગામમાં એક વખત શંખેશ્વર તીર્થની ભક્તિ કરવા આ ગામના સંઘનો વારો આવ્યો હતો. લગભગ સો એક વર્ષ પહેલાં શંખેશ્વરમાં હડતાળ ચાલી રહી હતી તે વખતે આ ગામના દરેક કુટુંબના એક એક સભ્યને ગાડામાં શંખેશ્વર જવાનું હતું અને ત્યાંની જવાબદારી સંભાળવાની હતી. આ ગામના એક પરિવારને લગ્નમાં જવાનું હોવાથી તેમણે તેમની 13 વર્ષની દીકરીને સંઘ સાથે ગાડામાં જવાનું કહ્યું. અને આ દીકરી સવારે 3.00 – 3.30 વાગ્યે કૂવે પાણી ભરવા ગઈ અને પગ લપસ્યો અને તે કૂવામાં પડી. પણ તેણે ત્યારે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને યાદ કર્યાં અને ઘણાં કિલોમીટર લાંબે શંખેશ્વરના જિનાલયના ગભારાની સામે તે ભીના કપડે ઊભી હતી. શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનો આવો અપરંપરા મહિમા જોઈએ આ દીકરીએ નીતિસૂરિ સમુદાયમાં દીક્ષા લીધી અને આજે શ્રી જિનેન્દ્રભક્તિશ્રીજી મહારાજના નામે સંયમ જીવન ઉત્તમ રીતે વહન કરી રહ્યા છે.
પારસનાથ પ્રભુના નામની અંદર 84 હજાર વિદ્યાઓ છે. આજે પણ બીજું કંઈ ન આવડે અને જે લોકો પાર્શ્વનાથ… પાર્શ્વનાથ.. એમ પ્રભુના નામો માત્ર જાપ પણ કરે તો તેને અચૂક અવશ્યમેવ તેનો મહિમા અનુભવવા મળે છે. કેમ કે તેમના નામ માત્રથી લોકોના કામ થયા વગર રહેતા નથી.
પારસનાથ શબ્દની વ્યુત્પત્તિ કરતાં મહાપુરુષો જણાવે છે કે પા રસ નાથ એટલે કે હે નાથ તું જે સિદ્ધ શિલામાં આનંદનું વેદન કરે છે તે રસ અમને પણ પીવડાવ. બીજો અર્થ કરતાં કહ્યું કે પાર સ નાથ એટલે સંસ્કૃતમાં સ નો અર્થ તે થાય છે તો તે નાથ પાર ઉતારે તેવા છે અને આ જ પાંચ અક્ષરોમાંથી ત્રીજો અર્થ નિષ્પન્ન થયો છે કે પારસ નાથ એટલે કે પારસના પણ નાથ છે. લૌકિક પારસમણી લોખંડને સોનું બનાવે પરંતુ તેમાં પારસમણીના ગુણોનું આરોપણ ન કરી શકે જ્યારે આ પ્રભુ પારસના પણ નાથ એટલે લૌકોત્તર પારસ છે. એ આવાહન આપે છે કે તમે મારી ભક્તિ કરો હું તમને મારા જેવા જ બનાવી દઈશ.
શ્રી વીરવિજયજી મહારાજાએ ગાયું છે કે..
પંચમ આરે પ્રાણિયા, સમરે ઊઠી સવાર, વાંચિત પૂરે, દુઃખ હરે, વંદુ વાર હજાર.
અર્થાત્ આજે પણ જો સવારે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનું નામ માત્ર લેવામાં આવે તો તેની ઈચ્છાની પૂર્તિ જ નહીં પરંતુ ઈચ્છાની વૃત્તિનું મહાદાન મળે છે અને ભવના દુઃખ હરાઈ જાય છે અને શાશ્વત સુખના ભોકતા બનાવે છે.
યોગવિનંસ્તિકામાં જણાવ્યા પ્રમાણે પ્રભુવ્યક્તાશિવપદસ્થોડસો, શક્ત્યા ભવતિસર્વત્રઃ અર્થાત્ પાર્શ્વનાથ પ્રભુ વ્યક્તિથી મોક્ષે ગયા છે પરંતુ શક્તિથી 14 રાજ લોકમાં હાજરા હજુર છે. પાર્શ્વનાથ પ્રભુ હાલ મોક્ષમાં છે પરંતુ તેમના યશ નામકર્મના લીસોટાંઓ આજે પણ અલગ અલગ તીર્થોના માધ્યમે કોઈ વ્યક્તિની ભક્તિના પ્રભાવે કે ક્યાંક તેના અધિષ્ઠાયકોના ભક્તિના પ્રભાવે અલગ અલગ મહિમા જોવા – જાણવા અને માણવા મળે છે.
આચાર્ય ભગવંત શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજ લિખિત 108 પાર્શ્વનાથ પ્રભુના ગ્રંથમાં 108 પાર્શ્વનાથ પ્રભુનો અપરંપરા મહિમા અસ્ખલિત રીતે વર્ણવામાં આવ્યો છે. સંયમ જીવનના પ્રારંભિક વર્ષોમાં તેમણે અનેક જ્ઞાન ભંડારોના ગ્રંથોનું પરિસિલન કરીને બે દળદાર ગ્રંથો 54 – 54 પાર્શ્વનાથ ભગવાનના મહિમાને ઉજાગર કરતાં દર્શાવ્યા છે. એક સમિતિ પણ નીમવામાં આવેલી જેના પાંચ-સાત સભ્યોએ આ 108 તીર્થોમાં જઈને તેના યંત્રો – મંત્રો – તંત્રો અને તેનો મહિમા એકત્રિત કરીને આ બે ગ્રંથોમાં અદભુત રીતે વર્ણવેલો છે.
108 તીર્થમાં દરેક પ્રભુનો મહિમા અલગ અલગ રીતે રજૂ કરાયો છે પણ મંત્રાધિરાજ સ્ત્રોત દ્વારા શ્રી પાર્શ્વનાથ પ્રભુના ગુણવાચક 108 નામોનો રસથાળ પણ આમાં આલેખાયો છે. 1008 પાર્શ્વનાથ પ્રભુની નામાવલી પણ જોવા મળે છે. રાજસ્થાન અને ગુજરાતની સરહદે આવેલા પોષીના પાર્શ્વનાથ ભગવાનનો મહિમા આ સમિતિના સભ્યોને ચમત્કાર સ્વરૂપે અનુભવવા મળેલ. તે વાતનું નિદર્શન અદભુત રીતે કરવામાં આવ્યું છે.
આગલે ગામથી જ્યારે આ તીર્થમાં જવાનું હતું ત્યારે ત્યાં ફોનથી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ તીર્થોમાં અવરજવર મર્યાદિત હોવાને કારણે અને ફોન પણ નહીં લાગવાને કારણે બીજે દિવસે સવારે છ કલાકે પ્રયાણ શરુ કર્યું. દોઢ -બે કલાકનો રસ્તો હતો પરંતુ જંગલમાં ગાડી ખોડવાઈ જાય છે અને સાંજે સાડાચાર વાગ્યે રીપેરિંગ થાય છે. હજુ ઘણી મઝલ કાપવાની બાકી છે અને સાંજનો સમય સૂર્યાસ્તની 10-15 મિનિટ પહેલાં પહોંચે છે ત્યારે આ સમિતિના પાંચ-સાત સભ્યોને એમ હતું કે હવે તો ભોજન પણ ઉપલબ્ધ નહીં થઈ શકે કારણ કે ધર્મશાળાની રૂમો બંધ છે અને પૂજારી અને મુનીમની દેરાસરની બહાર હાથ જોડીને ઊભા છે. પરંતુ સાનંદ આશ્ચર્ય સાથે તે પૂજારીએ જણાવ્યું કે આપ દર્શન કરો આપ સૌનું ભોજન તૈયાર છે. તેમણે કહ્યું કોઈ યાત્રિક નથી તો અમારા આટલા બધાની વ્યવસ્થા કેવી રીતે થશે તેમણે કહ્યું કે હમણાંની નહીં સવારની પણ રસોઈ અમે બનાવી હતી કેમ કે અમારા પોષીનાથ પાર્શ્વનાથ પ્રભુનો એવો મહિમા છે કે કોઈ પણ યાત્રિક આ તીર્થમાં આવાવના હોય તો અમારા જિન મંદિરના પાંચ શિખરમાંથી એક શિખરની ધજા વીંટળાઈને ફીટ થઈ જાય અને તેમણે ઉપર જોયું તો એક ધજા ફીટ થઈ ગઈ હતી અને દર્શન કરીને બહાર આવ્યા અને એ ધજા લહેરાવવા લાગી.
રાજસ્થાનમાં એક કુમકુમ રોલ પાર્શ્વનાથ ભગવાનનું તીર્થ છે. તેની તમે ભક્તિ કરો એટલે તમારા પરિવારમાં કંકુ અને ક્ષત ચોળવાનો અવસર આવ્યા વગર રહે નહીં. વીંછુડા પાર્શ્વનાથ ભગવાન એવા અદભુત પ્રભાવશાળી છે કે તેમના કંઠમાં એક પુષ્પની માળા આરોપણ માત્ર કરવાથી જગતના સર્વ વીંછીઓ તરફથી અભયદાનની પ્રાપ્તિ થાય છે. નાગેશ્વરના તીર્થમાં ઉજ્જૈનથી આવેલા પાર્શ્વનાથ પ્રભુ છે. ધર્ણેન્દ્રએ અહીછત્રા તીર્થમાં જે છત્ર ધરી દીધેલું તે જ પ્રભુ હાલ નાગેશ્વરમાં બિરાજમાન છે. ગામમાં કોઈને સાપ કરડે તો આજે પણ તે જિન મંદિરના સ્થંભને વળગી પડે તો સાપનું ઝેર ઉતરી જાય છે. પાટણના કોકા પાર્શ્વનાથ ભગવાન તેવા પ્રભાવશાળી છે કે તેમાં શંખેશ્વર જવાનું નિશ્ચિત કર્યું હોય અને ન પહોંચી શકો તો કોકા પાર્શ્વનાથના દર્શન માત્ર કરવાથી તમારી શંખેશ્વર પાર્શ્વનાથની માનતા પૂરી થઈ જાય છે કારણ કે શંખેશ્વર પાર્શ્વનાથના અધિષ્ઠાયકો પ્રથમ પ્રહરમાં પાટણના કોકા પાર્શ્વનાથ પ્રભુની ભક્તિ કરવા માટે પધારે છે.
ગઈ ચોવીશીના નવમાં તીર્થંકર દામોદર સ્વામીના સમવસરણમાં આષાઢી નામનો શ્રાવક ઊભો થયો અને પ્રભુને પૂછ્યું મારો મોક્ષ ક્યારે થશે ત્યારે પ્રભુએ કહ્યું કે આવતી ચોવીશીના ત્રેવીસમાં પાર્શ્વનાથ પ્રભુના આર્યઘોષ નામે આપ ગણધર બનશો. તો તે જ સમયે વેળુમાંથી પ્રતિમાનું સર્જન કર્યું અને ત્યારબાદ પોતે આર્યઘોષ નામે દેવ થયા તો દેવલોકોમાં પ્રભુજીને લઈ ગયા ત્યાં ભક્તિ કરી. ત્યાર પછી 54 લાખ વર્ષ સુધી આ શંખેશ્વર દાદા સૂર્યના વિમાનમાં, 54 લાખ વર્ષ સુધી ચંદ્રના વિમાનાં પૂજાયા છે અને અસંખ્ય વર્ષો સુધી અનેક દેવલોકના દેવોએ આ પ્રભુની ભક્તિ કરી છે એ જ પરમાત્મા અત્યારે ગુજરાતમાં પાટણ જિલ્લામાં શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ તરીકે અપાર પ્રસિદ્ધિને પામ્યા છે. હજારો લોકો તેની પૂનમની અને વદ-10ની યાત્રા માટે પધારે છે. નવસારીના સુશ્રાવક છેલ્લા કેટલાક વર્ષોથી વદ-10મે શંખેશ્વર પધારીને દાદાની અપ્રતિમ ભક્તિ કરતાં હોય છે. કેડસમાણાં પાણી હોય કે અમેરિકાથી ફ્લાઈટમાં આવવાના હોય, છેલ્લા 30-35 વર્ષથી એક પણ દિવસની ભક્તિ તેમની છૂટી નથી. વર્ષોથી પૂનમ કરનારા તો સેંકડો ભાગ્યશાળીઓ શંખેશ્વરના પરમભક્ત છે.
આજે પણ કોઈ સાધુ-સાધ્વીજી ભગવંતો કે યાત્રિકો જો રસ્તો ભૂલે તો ઘોડેસવારો આવીને માર્ગ બતાવતા હોય છે. અજૈનો પણ આ દાદાની અપ્રતિમ ભક્તિ કરતાં હોય છે. શંખેશ્વરના સ્થાનિકો પણ દાદાના દર્શન વગર મોઢામાં પાણી નથી લેતાં. દાદામાં બે દ આવે છે પરંતુ તે ત્રણ દને હરનારા છે. ભક્તોના દુઃખ, દારિદ્ર અને દુર્ભાગ્ય સહજમાં હરી લેતાં હોય છે.
જૈનોના પણ નવસ્મરણના નવ સ્તોત્રમાંથી ત્રણ સ્તોત્રો પાર્શ્વનાથ પ્રભુના છે. એક માત્ર ઉવસગ્ગહરં સ્તોત્રનો પાઠ માત્ર કરવાથી પાર્શ્વનાથ પ્રભુને 12,800 વખત વંદન થાય છે. પ્રથમ ગાથામાં 80 વંદન, દ્વિતિય ગાથમાં 40, તૃતિય અને ચોથી ગાથામાં એક એક વંદન અને છેલ્લી ગાથામાં ચાર વંદન આ બધાનો ગુણાકાર કરતાં કુલ 12,800 પ્રણામ થાય છે અને એમ લખ્યું છે ચીટ્ઠઉ દૂરે મંતો, તુજ્ઝ પણામો વિ બહુફલો હોઈ અર્થાત તારો 18 અક્ષરનો ચિંતાંમણી મંત્ર તો દૂર રહ્યો પરંતુ તને કરેલો પ્રણામ એ પણ બહુ ફળને દેનારો છે.
નમિઉણમાં રહેલો 18 અક્ષરનો ચિંતામણી મંત્ર પેથડશાને સિદ્ધ થયો હતો. જેના એક એક અક્ષર પર ધર્ણેન્દ્ર અને પદ્માવતી હાજરાહજૂર છે. આ ત્રણ દિવસમાં આ મંત્રની કે નાના બીજ મંત્રની સવા સો માળા ગણવાનું વિધાન છે. જે ગુરુ મુખે ગ્રહણ કરીને લાખો ભાવિકો આ ત્રણ દિવસ દરમ્યાન ધ્યાનની વિશ્રાંતિ સમાન આ જાપ કરતાં હોય છે. કેમ કે ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ ફરમાવે છે કે જપાત્ સિદ્ધિ, જપાત્ સિદ્ધિ, જપાત્ સિદ્ધિર્ન સંશયઃ અર્થાત જાપથી સિદ્ધિ થાય, જાપથી સિદ્ધિ થાય અને જાપથી અવશ્યમેવ સિદ્ધિ થાય છે. તેમાં પણ પાર્શ્વનાથ પ્રભુનું નામ ચિંતામણી સમાન છે.
એક ભાઈ ખૂબ આનંદમાં રહેતાં અને સર્વપ્રકારે અત્યંત સુખી હતાં. તેમણે કોઈએ પૂછ્યું કે તમારી આ ખુશીનું રહસ્ય શું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે મારા ઘરથી મારી પેઢીનું એકાદ કલાકનું અંતર છે તે સમયે આવતા-જતાં હું માત્ર પાર્શ્વનાથ પ્રભુના નામનો જાપ કરું છે જેનાથી મને અપાર શાંતિ, આનંદ અને સમાધિની પ્રાપ્તિ થાય છે.
નામ લિયંતા આવી મલે, મન ભીતર ભગવાન. એવી અનુભૂતિ પારસનાથ પ્રભુનું નામ માત્ર લેવાથી થાય છે.
નવકાર પહેલાં ૐ બોલીને અને ઉવસગ્ગહરં પછી સ્વાહા બોલીને સાત વખત જાપ કરીને બન્ને હથેળીમાં ફૂંક મારવાથી ગમે તેવા વિઘ્નોનો તત્કાળ નાશ થાય છે. એક નવકાર, એક ઉવસગ્ગહરં એમ 9, 27 કે 108 વખત જાપ કરવાથી ફૂલમાળા મંત્ર સ્વરૂપે તત્કાળ ચમકૃતિનો અનુભવ થાય છે. સંપૂટ જાપમાં એક નવકાર, એક ઉવસગ્ગહરં અને એક નવકાર એટલે જેમાં 216 નવકાર અને 108 ઉવસગ્ગહરં આવે તેવી રીતે સંપૂટ જાપ કરવાથી અદભુત આત્માનંદની પ્રાપ્તિ થતી હોય છે.
ત્રિકોણ મુદ્રા એટલે કે પ્રથમ મધ્યમમાં અને કનિષ્ઠિકા એટલે કે પહેલી, ત્રીજી અને પાંચમી આંગળીઓ ભેગી કરીને પાણીમાં રાખીને ઉપર પ્રમાણે જાપ કરીને તે પાણી ઘરમાં છાંટી દેવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આત્મકલ્યાણમાં આવતા વિઘ્નો વાદળની જેમ વિખરાઈ જાય છે.
શ્રી જિરાવલા પાર્શ્વનાથ પ્રભુનો એટલો અદભુત મહિમા છે કે કોઈ પણ મંદિરમાં પ્રતિષ્ઠા હોય પરંતુ તે પરમાત્માની પાછળ જિરાવલા પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર આલેખવામાં આવતો હોય છે કેમ કે પ્રતિષ્ઠા સમયે જિરાવલા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકો ત્યાં હાજરાહજૂર થતાં હોય છે અને આ જ જિરાવલાની પુનઃપ્રતિષ્ઠા વખેત જાણે બધાં જ અધિષ્ઠાયકો હાજર થયાં હોય તેમ પ્રતિષ્ઠા સમયે અઢળક અમીઝરણાંનો અનુભવ આ લેખક સહિત અને સાધકોએ કરેલો છે.
આ પ્રમાણે 108 પાર્શ્વનાથ ભગવાનના અપરંપરા મહિમા ગ્રંથોમાં જાણવા અને જોવા મળે છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગાવન, શ્રી ચારુપાર્શ્વનાથ પ્રભુ, શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુ, શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુ, શ્રી નવલખ્ખા પાર્શ્વનાથ પ્રભુ, શ્રી સહસ્ત્રફણાં પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ વગેરે અનેક મહિમાવંત પ્રભાવશાળી પાર્શ્વનાથ પ્રભુજીના મહિમાને દર્શાવતી અનેકવિધ કથાઓ માત્ર આશ્ચર્યકારી નહીં પરંતુ ચમ્કૃતિ સભર પણ છે અને આજે પણ તેનો પ્રભાવ અકબંધ જોવા મળે છે.
કમઠ ઉપસર્ગ કરે કે ધર્ણેન્દ્ર છત્ર ધરે પરંતુ પાર્શ્વનાથ પ્રભુ બન્ને માટે એકસમાન ચિત્તવૃત્તિવાળા હોય છે. તેથી તેમના જન્મકલ્યાણ વદ-દશમની ભાવિકો 10 વર્ષ અને 10 મહિના સુધી એકાસણાં દ્વારા આરાધના – સાધના કરતાં હોય છે. જેથી સમાધિને પ્રાપ્તિ થાય છે.
સમગ્ર ભારતભરમાં આજે પણ એક અપેક્ષાએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અઢળક પ્રમાણમાં તેમ જ ઘણી જગ્યાએ તો મૂળનાયક તરીકે પણ જોવા મળે છે. જ્યાં હજારો અને લાખો ભાવિકો નિત્ય પરમાત્મના દર્શન – વંદન – પૂજનથી પોતાનું આત્મકલ્યાણ સાધી લેતાં હોય છે.
ધર્ણેન્દ્ર પણ જાણે કે આહવાન આપે છે કે પ્રભુ આપે તો દ્રવ્યાનુયોગનું ચિંતન કરવાનું હોય એના બદલે મને જ્ઞાનમાં જોઈને હું લાકડામાં બળતો હતો ત્યારે સેવકના શ્રીમુખે નવકાર સંભળાવીને દેવલોકની પ્રાપ્તિ કરાવી આપી તો હવે હું આહવાન કરું છું કે હું જગતના ચોકમાં જાહેર કરું છું કે તમારું કોઈ માત્ર નામ લેશો તો હું ત્યાં હાજર થઈ જઈશ.
બારમા વિમલનાથ પ્રભુના સમયથી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુના સમય સુધી દશ તીર્થંકરના કાળમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો આત્મા દશમા પ્રાણાત નામના દેવમાં પોતાનું દેવાયુ ભોગવી રહ્યા હતા ત્યારે અગ્રેસર બનીને 10 તીર્થંકરોના પાંચ કલ્યાણો એમ 50 કલ્યાણકો અને 10 ક્ષેત્રમાં કુલ 500 કલ્યામણકો પાર્શ્વનાથ પ્રભુએ અપ્રતિમ ભક્તિ કરી તેના પ્રતાપે તેમનું યશ નામ કર્મ એવું ઉજ્જવળ થયું કે આજે પણ લોકો પોતાની બધી જ ઈચ્છા – આકાંક્ષાઓની પૂર્તિ અને નિવૃત્તિ સાથે આત્મકલ્યાણની પ્રત્યેક પળમાં પ્રભુનું નામ લઈને પ્રભુના પ્રભાવની અનુભૂતિ કરતાં હોય છે.
આવો આ ત્રણ દિવસની સાધના દરમ્યાન આપણે પણ અઢીથી ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલાં પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારો વર્તમાન તમારો ભૂતકાળ હતો પણ આપની આરાધના ભક્તિ દ્વારા આપ એવા આશીર્વચન વર્સાવો કે તમારો વર્તમાન અમારો ભવિષ્યકાળ થઈ જાય.
–અતુલકુમાર વ્રજલાલ શાહ









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































