GETCO દ્વારા CSR અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, એનીમલ એમ્બ્યુલન્સનું અનુદાન

વડોદરાની ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) કોર્પોરેટ ઓફિસ વડોદરાના CSR ફંડ અંતર્ગત શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ–એનીમલ હેલ્પલાઈન, રાજકોટને એક નવી એનીમલ ઈકો એમ્બ્યુલન્સનું અનુદાન આપવામાં આવ્યું. GETCOના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડેના વરદ હસ્તે વડોદરા ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું. દીપ પ્રાગટ્ય અને પુજનવિધિ સાથે એમ્બ્યુલન્સને અબોલ જીવરની સેવા માટે અર્પણ કરવામાં આવી.
આ અનુદાનથી શ્રી કરૂણા ફાઉન્ડેશનને હવે વધુ ક્ષમતા, ઝડપી પ્રતિસાદ અને વિશાળ વિસ્તારમાં પ્રાણીચિકિત્સા સેવાઓ પહોંચાડવાની તક મળશે. ટ્રસ્ટ પાસે હાલ 11 એમ્બ્યુલન્સ, 1 હાઈડ્રોલીક એમ્બ્યુલન્સ અને 3 બાઈક એમ્બ્યુલન્સ છે, જે દ્વારા છેલ્લા 22 વર્ષથી રાજકોટ સહિત આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતાં અબોલ જીવોની વિનામૂલ્યે સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
કાર્યક્રમમાં GETCO ના વરિષ્ઠ અધિકારીઓમાં એ.બી. રાઠોડ (ચીફ એન્જિનિયર, LDC), એમ.જે. વસાવા (ચીફ એન્જિનિયર), જૈનેશ મોદી (જનરલ મેનેજર, ફાઇનાન્સ), વી.કે. પટેલ, નિશાંત શ્રીવાસ્તવ (એડિશનલ ચીફ એન્જિનિયર), એ.જે. રાઠવા, એ.આર. પાંડે, એચ.એસ. પટેલ, એન.એમ. મકવાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
સ્વાગત પ્રવચન અને અધિકારીઓનો પરિચય કંપની સેક્રેટરી શ્રી એ.જે. પટેલ દ્વારા કરવામાં આવ્યો. તેમણે કરૂણા ફાઉન્ડેશનની 22 વર્ષથી ચાલી રહેલી જીવદયા સેવા પ્રવૃત્તિઓનું ખાસ બિરદાવ્યું.
શ્રી કરૂણા ફાઉન્ડેશન–એનીમલ હેલ્પલાઈન દ્વારા GETCO ના મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડેને વિશેષ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. ટ્રસ્ટના પ્રતિનિધિઓ અશોક હિન્ડોચા અને હિમાંશુ રામાવતે સંસ્થાનો પરિચય, કામગીરી અને અત્યાર સુધી કરાયેલા પ્રાણીકલ્યાણ કાર્યો પર આધારિત વિગતવાર પ્રેઝન્ટેશન રજૂ કર્યું.
મેનેજિંગ ડિરેક્ટર ઉપેન્દ્ર પાન્ડે એ કરૂણા ફાઉન્ડેશનની કામગીરીને “સમાજ માટે અનોખી અને પ્રેરણાદાયી સેવા” ગણાવી સંસ્થાના તમામ હોદેદારો, ટ્રસ્ટીઓ અને સેવકોને અભિનંદન પાઠવ્યા. તેમણે જણાવ્યું કે GETCO ભવિષ્યમાં પણ CSR અંતર્ગત જીવદયા અને પ્રાણીસેવા સંબંધિત પ્રોજેક્ટોમાં સહકાર આપશે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































