#Blog

પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા કલ્યાણ દિવસ

પ્રભુ તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોત્રી

એક ભાઈ ખૂબ આનંદમાં રહેતાં અને સર્વપ્રકારે અત્યંત સુખી હતાં. તેમણે કોઈએ પૂછ્યું કે તમારી આ ખુશીનું રહસ્ય શું છે. ત્યારે તેઓએ જણાવ્યું કે મારા ઘરથી મારી પેઢીનું એકાદ કલાકનું અંતર છે તે સમયે આવતા-જતાં હું માત્ર પાર્શ્વનાથ પ્રભુના નામનો જાપ કરું છે જેનાથી મને અપાર શાંતિ, આનંદ અને સમાધિની પ્રાપ્તિ થાય છે.

 નામ લિયંતા આવી મલે, મન ભીતર ભગવાન. એવી અનુભૂતિ પારસનાથ પ્રભુનું નામ માત્ર લેવાથી થાય છે. સેરીસા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા નાલાસોપારામાં જન્મ પામેલ એક અંધ શિલ્પીએ અધિષ્ઠાયક દેવની સહાયથી એક રાત્રિમાં સર્જન કરી હતી.

શ્રી કાપરડાજી પાર્શ્વનાથ ભગવાની આરાધનાથી એક કોષાધ્યક્ષને જીવના જોખમમાંથી બહાર આવી ગયા હતા અને યતિએ તેમને એક પોટલી આપી હતી જેમાંથી જે દ્રવ્ય નીકળતું તેમાંથી કાપરડાજી તીર્થનું સર્જન થયું હતું પણ એકદા તેના પુત્ર એ આ પોટલી ઊંધી કરી તો દ્રવ્ય નીકળવાનું બંધ થયું એટલે જિનમંદિરનું કામ ત્યાં આજે પણ અધૂરું છે અને આ વાત ત્યાં આરસમાં અંકિત થયેલી છે. આણંદજી કલ્યાણજી પેઢીના શ્રી શ્રેણીકભાઈ શેઠના પરદાદા શાંતિદાસ શેઠની સાથે શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ ભગવાનની એક અલૌકિક ઘટના વણાયેલી છે. પાલીમાં એક ડોસીમાં જેને ખાવાના ફાંફા હતાં પરંતુ બાવન જિનાલય બનાવવાની ભાવના હતી તેની ભક્તિના પ્રભાવે નવલખ જાતિના વાણિયાએ નવ અંગોમાં મંત્રાક્ષરો અને યંત્રોની સ્થાપના દ્વારા શ્રી નવલખા પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરેલી છે.

વિદ્વેષીએ જે પાર્શ્વનાથ ભગવાનના નવ ટુકડા થયા હતા તે ઘોઘાના નવખંડા પાર્શ્વનાથને દૈવી સંકેતથી  નવ દિવસ વાપસીમાં રાખવાના હતા પણ એક સંઘે ઉતાવળમાં આઠમે દિવસે જ તે લાપસીમાંથી ભગવાનને બહાર કાઢ્યા એટલે પ્રભુ તો સંધાઈ ગયા પણ તેના લીસોટા રહી ગયા છે. આજે પણ કોઈ વસ્તુ ખોવાઈ જાય અને શ્રી લોખંડા પાર્શ્વનાથ પ્રભુનો જાપ કરો તો તે વસ્તુની પ્રાપ્તિ થયા વગર રહેતી નથી. ઘણાં સાધકો પોતાના ખોવાયેલા આત્માને શોધવા આ પ્રભુની આરાધના કરે છે.  નાગ-નાગિણીના જોડલા સાથે શ્રી અલૌકિક પાર્શ્વનાથ ખરેખર અલૌકિક લાગે છે. શ્રી જગચિંતામણિમાં જેનો ઉલ્લેખ છે તે મુહરી પાર્શ્વનાથ ભગવાન દુહ દૂરિઅ ખંડણ એટલે કે તત્કાળ ઉદયમાં આવનારા દુઃખ અને ભવિષ્યમાં ઉદયમાં આવનારા દૂરિતોને ખંડન કરવાનું કાર્ય આ મુહરી પાર્શ્વનાથ પ્રભુ કરે છે. શ્રી કલ્યાણ પાર્શ્વનાથ પ્રભુનું મૂળ નામ શ્રી કલ્હારા પાર્શ્વનાથ ભગવાન હતું. 1444 સ્થંભની વચ્ચે રાણકપૂરમાં શ્રી રાણકપુરા પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે. ઘીના ગાડવામાંથી નીકળેલી શ્રી ઘૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુ આજે પણ બોધિના બીજને દેનારા છે. દાદા અને ભાભા પાર્શ્વનાથ ભગવાન ગમે ત્યાંથી બોલો એ જ ઉચ્ચારો આવે છે. અમદાવાદ પાંજરાપોળમાં આવેલા શ્રી મૂલેવા પાર્શ્વનાથ પ્રભુના સતત છ મહિના સુધી કોઈ દર્શન કરી શકતું નથી. વર્ષોથી કૂવામાં રહેવા છતાં જેની એક પણ કાંકરી ખરી નથી અને લોખંડ જેવા થઈ ગયા છે તે ડભોઈના લોઢણ પાર્શ્વનાથ પ્રભુ મનના દુઃખોને હરી લેનારા છે. જીવતા સર્પથી વીંટળાયેલા શ્રી ઉવસગ્ગહરણ પાર્શ્વનાથ આજે પણ ઉપસર્ગને હરનારા છે. હાથીએ કુંડમાંથી કમળ લઈને પ્રભુની પૂજા કરી તે કલીકુંડ પાર્શ્વનાથ ભગવાન મૂળ ઓરિસ્સાના કાલીકટમાં બિરાજમાન છે. સગ્રામ સોનીએ મક્ષીજીના પાર્શ્વનાથ પ્રભુને ભરાવ્યા છે અને પાણીના ટાંકામાંથી નીકળેલા ટાંકલા પાર્શ્વનાથ ભગવાન ભવસાગર તરાવી દે છે. રાજસ્થાનમાં અરાવલીની પહાડીઓમાં ચૈનપૂરી તીર્થમાં શ્રી ચવલેશ્વર પાર્શ્વનાથ ભગવાન 800 વર્ષ પ્રાચીન છે.

નવકાર પહેલાં ૐ બોલીને અને ઉવસગ્ગહરં પછી સ્વાહા બોલીને સાત વખત જાપ કરીને બન્ને હથેળીમાં ફૂંક મારવાથી ગમે તેવા વિઘ્નોનો તત્કાળ નાશ થાય છે. એક નવકાર, એક ઉવસગ્ગહરં એમ 9, 27 કે 108 વખત જાપ કરવાથી ફૂલમાળા મંત્ર સ્વરૂપે તત્કાળ ચમત્કૃતિનો અનુભવ થાય છે. સંપૂટ જાપમાં એક નવકાર, એક ઉવસગ્ગહરં અને એક નવકાર એટલે જેમાં 216 નવકાર અને 108 ઉવસગ્ગહરં આવે તેવી રીતે સંપૂટ જાપ કરવાથી અદભુત આત્માનંદની પ્રાપ્તિ થતી હોય છે.

ત્રિકોણ મુદ્રા એટલે કે પ્રથમ મધ્યમાં અને કનિષ્ઠિકા એટલે કે પહેલી, ત્રીજી અને પાંચમી આંગળીઓ ભેગી કરીને પાણીમાં રાખીને ઉપર પ્રમાણે જાપ કરીને તે પાણી ઘરમાં છાંટી દેવાથી નકારાત્મકતા દૂર થાય છે અને આત્મકલ્યાણમાં આવતા વિઘ્નો વાદળની જેમ વિખરાઈ જાય છે.

શ્રી જિરાવલા પાર્શ્વનાથ પ્રભુનો એટલો અદભુત મહિમા છે કે કોઈ પણ મંદિરમાં પ્રતિષ્ઠા હોય પરંતુ તે પરમાત્માની પાછળ જિરાવલા પાર્શ્વનાથ ભગવાનનો મંત્ર આલેખવામાં આવતો હોય છે કેમ કે પ્રતિષ્ઠા સમયે જિરાવલા પાર્શ્વનાથ ભગવાનના અધિષ્ઠાયકો ત્યાં હાજરાહજૂર થતાં હોય છે અને આ જ જિરાવલાની પુનઃપ્રતિષ્ઠા વખતે જાણે બધાં જ અધિષ્ઠાયકો હાજર થયાં હોય તેમ પ્રતિષ્ઠા સમયે અઢળક અમીઝરણાંનો અનુભવ આ લેખક સહિત અને સાધકોએ કરેલો છે.

આ પ્રમાણે 108 પાર્શ્વનાથ ભગવાનના અપરંપરા મહિમા ગ્રંથોમાં જાણવા અને જોવા મળે છે. શ્રી સ્થંભન પાર્શ્વનાથ ભગાવન, શ્રી ચારુપ પાર્શ્વનાથ પ્રભુ, શ્રી સૂરજમંડન પાર્શ્વનાથ પ્રભુ, શ્રી અવંતિ પાર્શ્વનાથ પ્રભુ, શ્રી નવલખ્ખા પાર્શ્વનાથ પ્રભુ, શ્રી સહસ્રફણાં પાર્શ્વનાથ પ્રભુ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ વગેરે અનેક મહિમાવંત પ્રભાવશાળી પાર્શ્વનાથ પ્રભુજીના મહિમાને દર્શાવતી અનેકવિધ કથાઓ માત્ર આશ્ચર્યકારી નહીં પરંતુ ચમત્કૃતિ સભર પણ છે અને આજે પણ તેનો પ્રભાવ અકબંધ જોવા મળે છે.

કમઠ ઉપસર્ગ કરે કે ધરણેન્દ્ર છત્ર ધરે પરંતુ પાર્શ્વનાથ પ્રભુ બન્ને માટે એકસમાન ચિત્તવૃત્તિવાળા હોય છે. તેથી તેમના જન્મકલ્યાણક વદ-દશમનાં ભાવિકો 10 વર્ષ અને 10 મહિના સુધી એકાસણાં દ્વારા આરાધના – સાધના કરતાં હોય છે. જેથી સમાધિ મૃત્યુની પ્રાપ્તિ થાય છે.

સમગ્ર ભારતભરમાં આજે પણ એક અપેક્ષાએ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા અઢળક પ્રમાણમાં તેમ જ ઘણી જગ્યાએ તો મૂળનાયક તરીકે પણ જોવા મળે છે. જ્યાં હજારો અને લાખો ભાવિકો નિત્ય પરમાત્મના દર્શન – વંદન – પૂજનથી પોતાનું આત્મકલ્યાણ સાધી લેતાં હોય છે.

ધરણેન્દ્ર પણ જાણે કે આહવાન આપે છે કે પ્રભુ આપે તો દ્રવ્યાનુયોગનું ચિંતન કરવાનું હોય એના બદલે મને જ્ઞાનમાં જોઈને હું લાકડામાં બળતો હતો ત્યારે સેવકના શ્રીમુખે નવકાર સંભળાવીને દેવલોકની પ્રાપ્તિ કરાવી આપી તો હવે હું જગતના ચોકમાં જાહેર કરું છું કે તમારું કોઈ માત્ર નામ લેશો તો હું ત્યાં હાજર થઈ જઈશ.

તેરમા વિમલનાથ પ્રભુના સમયથી બાવીશમાં શ્રી નેમિનાથ પ્રભુના સમય સુધી દસ તીર્થંકરના કાળમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુનો આત્મા દશમા પ્રાણાત નામના દેવમાં પોતાનું દેવાયુ ભોગવી રહ્યા હતા ત્યારે અગ્રેસર બનીને 10 તીર્થંકરોના પાંચ કલ્યાણકો એમ 50 કલ્યાણકો અને 10 ક્ષેત્રમાં કુલ 500 કલ્યાણકો પાર્શ્વનાથ પ્રભુએ અપ્રતિમ ભક્તિ કરી તેના પ્રતાપે તેમનું યશ  નામ કર્મ એવું ઉજ્જવળ થયું કે આજે પણ લોકો પોતાની બધી જ ઈચ્છા – આકાંક્ષાઓની પૂર્તિ અને નિવૃત્તિ સાથે આત્મકલ્યાણની પ્રત્યેક પળમાં પ્રભુનું નામ લઈને પ્રભુના પ્રભાવની અનુભૂતિ કરતાં હોય છે.

આવો આ ત્રણ દિવસની સાધના દરમ્યાન આપણે પણ અઢીથી ત્રણ હજાર વર્ષ પહેલાં થઈ ગયેલાં પાર્શ્વનાથ પ્રભુને પ્રાર્થના કરીએ કે અમારો વર્તમાન તમારો ભૂતકાળ હતો પણ આપની આરાધના ભક્તિ દ્વારા આપ એવા આશીર્વચન વરસાવો કે તમારો વર્તમાન અમારો ભવિષ્યકાળ થઈ જાય. -અતલુકુમાર વ્રજલાલ શાહ

Leave a comment

Your email address will not be published. Required fields are marked *