સૌરાષ્ટ્રની કાયાકલ્પ અર્થે જલ જાગૃતિ માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટનું વધુ એક કદમ
રવિવારે સવારે બહુમાળી ભવનથી મહા જલકળશ યાત્રા’ અને ‘મહા જલપૂજન’નું દિવ્ય આયોજન
સૌરાષ્ટ્રભરમાં પૂજાયેલા 2100 જલકળશ રાજકોટ આવી પહોંચશે
સમગ્ર સૌરાષ્ટ્રમાં પાણીની અછત નિવારવા અને જળ સ્ત્રોતોને પુનર્જીવિત કરવા માટે જળસંચયના 1,11,111 જળ સ્ટ્રક્ચર તૈયાર કરવા સંકલ્પબદ્ધ સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા 14 ડિસેમ્બરને રવિવારના રોજ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજનનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
વિખ્યાત કથા મર્મજ્ઞ અને તત્વચિંતક ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે, જળસંચય અભિયાનના એક ભાગરૂપે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા દેશની 111 પવિત્ર નદીઓના જલ એકત્ર કરવામાં આવ્યા હતા. આ પવિત્ર જલને કળશમાં ભરીને રાજકોટના જુદા જુદા વિસ્તારો, સોસાયટીઓ, ધર્મસ્થાનકો તેમજ સૌરાષ્ટ્રના ગામે-ગામ પૂજન અને જનજાગૃતિ માટે મોકલવામાં આવ્યા હતા. આ 2100 જેટલા કળશ રવિવારે સવારે પુનઃ રાજકોટ આવી પહોંચશે.
આ ભવ્ય પ્રસંગે જેમની પાસે પૂજન માટેના જલ કળશ હતા તે તમામ મહિલાઓ, જ્ઞાતિ મંડળોના મહિલા આગેવાનો અને મોટી સંખ્યામાં રાજકોટ તથા સૌરાષ્ટ્રના જલપ્રેમીઓ સાથેની મહા જલકળશ યાત્રાનું આયોજન થયું છે. 14 ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 8 કલાકે બહુમાળી ભવન ચોકથી આ મહા જલકળશ યાત્રાનો પ્રારંભ થશે, જે બેન્ડની સુરાવલીઓ સાથે દિવ્ય વાતાવરણમાં જલકથા સ્થળ રેસકોર્સ મેદાન ખાતે પહોંચશે. રેસકોર્સ મેદાનમાં સવારે 9 કલાકે મહા જલપૂજનનો પ્રારંભ થશે.
રાજકોટમાં આગામી 15, 16 અને 17 ડિસેમ્બરના રોજ યોજાનાર ડો. કુમાર વિશ્વાસની જલકથા પૂર્વે આ મહા જલકળશ યાત્રા અને મહા જલપૂજન વિધિને અનુલક્ષીને જલપ્રેમીઓ અને નગરજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે.
દરમિયાન ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જળ એ જીવન છે અને સૌરાષ્ટ્રની પ્રગતિનો આધાર છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટનો સંકલ્પ માત્ર જળ સ્ટ્રક્ચરો બનાવવાનો નથી, પણ જળસંચયની ભાવનાને જન-જન સુધી પહોંચાડવાનો છે. આ મહા જલકળશ યાત્રા એક સંસ્કૃતિનું સિંચન છે. આ કળશમાં માત્ર નદીઓનું જલ નથી, પણ જલ પ્રત્યેના આપણા આદર અને જવાબદારીની ઊર્જા છે. દરેક નાગરિક આ અભિયાનમાં જોડાઈને જલ સંરક્ષણ માટે સંકલ્પ લે તે આજના સમયની અનિવાર્ય જરૂરિયાત છે.
શ્રી દિલીપભાઈ સખીયાએ તમામ સમાજને, જ્ઞાતિ મંડળોને તેમજ જલપ્રેમીઓને આ જલકળશ યાત્રામાં જોડાઈને પુણ્યના આ કાર્યમાં સહભાગી થવા જાહેર નિમંત્રણ પાઠવ્યું છે.
| પ્રમુખશ્રી દિલીપભાઈ સખિયાગીરગંગા પરિવાર ટ્રસ્ટ –રાજકોટ(મો:- ૯૪૨૭૨૦૭૮૬૮, ૯૮૨૪૨૩૮૭૮૫) |
જલકળશ યાત્રા અંગે વધુ વિગતો માટે જલકથા કાર્યાલયનો મોબાઈલ નંબર 76003 14014 પર સંપર્ક કરવા જણાવાયું છે.









































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































