ગણેશજીના વિવિધ પ્રતિકો

સામાન્ય રીતે હાથી જંગલમાં રસ્તો બનાવનાર પ્રાણી કહેવામાં છે. હાથી જ્યારે જંગલમાંથી પસાર થાય છે ત્યારે તે પોતાના મહાકાય શરીરથી અન્ય પ્રાણી માટે રસ્તો બનાવે છે. તેવી જ રીતે ગણેશ ભગવાન કોઈ પણ શુભ કાર્યની પહેલા પૂજવવામાં આવે છે, કારણ કે ગણપતિ કોઈપણ કાર્યમાં આવતા અડચણને દૂર કરીને જીવનમાં આગળ વધવાનો રસ્તો બતાવે છે અને તે માટે આશીર્વાદ આપે છે. ભગવાન ગણેશનું મોટું મસ્તક એ બુદ્ધિ અને શાણપણનું પ્રતિક છે. તે દર્શાવે છે કે, જીવનમાં કોઈપણ પરિસ્થિતિ હોય, તેમાં બુદ્ધિ અને શાણપણ દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવી જોઈએ. ભગવાન ગણેશનું વિશાળ મુખ દરેક વ્યક્તિની જીવન જીવવાની અને પોતાની દરેક ઈચ્છાઓ પૂરી કરવાની ભાવના દર્શાવે છે. ભગવાન ગણેશ એ વિશ્વનાં તમામ ભક્તોની પ્રાર્થના સાંભળવા માટે મોટા કાન ધરાવે છે. તેમના મોટા કાન, દરેક વ્યક્તિ ત્યારે જ સંપૂર્ણ ગણાય જ્યારે તેની સાંભળવાની શક્તિ બોલવાની શક્તિ કરતાં વધુ હોય, તેવું દર્શાવે છે. ભગવાન ગણેશની સૂંઢ દુનિયામાં રહેલી દરેક વસ્તુને પોતાની અંદર સમાવી શકે છે. તેવી જ રીતે, માનવી એ કોઈપણ પરિસ્થિતિના બદલાવ સાથે સમાયોજિત થઈ જવું જોઈએ તેવું દર્શાવે છે. ભગવાન ગણપતિના બંને દાંત કોઈ પણ વ્યક્તિની વ્યક્તિકત્વના બે પાસઓ દર્શાવે છે : વ્યક્તિત્વ અને ભાવનાઓ. જમણી બાજુનો દાંત શાણપણ જ્યારે ડાબી બાજુનો દાંત વ્યક્તિની ભાવનાઓ દર્શાવે છે. ગણેશજીના ડાબી બાજુનો તૂટેલો દાંત એવું દર્શાવે છે કે વ્યક્તિએ કોઈ પણ પરિસ્થિતિમાં પોતાની ભાવનાઓને પોતાના પર હાવી ન થવા દેવી જોઈએ. ભાવનાઓ પર કાબૂ રાખીને પરિસ્થિતિનો સામનો કરવો જોઈએ. ભગવાન ગણેશની આંખો કોઈ પણ વસ્તુ હોય તેના કરતાં વધુ મોટી જોઈ શકવાનું મનાઈ છે. જે દર્શાવે છે કે માનવી એ હમેશા માનવું જોઈએ કે પોતે સર્વસ્વ નથી. ભગવાન ગણેશના ચાર હાથ માનવના ચાર મહત્વના આંતરિક ગુણો દર્શાવે છે; મન,બુદ્ધિ,અહંકાર અને ચિત્ત. ભગવાન ગણેશ શુદ્ધ આત્માનું પ્રતિનિધિત્વ કરે છે જે, આપણામાં આ ચાર તત્વોને કાર્યરત કરે છે. સામાન્ય રીતે ભગવાન ગણપતિ એ લાલ અથવા પીળા રંગના કપડાં પહેરેલા હોય છે. પીળો રંગ શાંતિ,સત્યતા,પવિત્રતા અને સંપતિનું પ્રતિક ગણવામાં આવે છે જ્યારે લાલ રંગ દુનિયામાં થતાં કોઈપણ શુભ કાર્યને દર્શાવે છે. આમ, કોઈપણ વ્યક્તિએ કોઈપણ શુભ કાર્ય કરવા સમયે પીળા અથવા લાલ રંગના કપડાં પહેરવા જોઈએ.ભગવાન ગણેશનું મોટું પેટ સમગ્ર બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે.ભગવાન જે ધૈર્યનું પ્રતિક છે. તેમાં સાત સમુદ્ર સમયેલા હોવાનું કેહવામાં આવે છે. જે દર્શાવે છે કે માનવીએ પોતાના સમગ્ર જીવનમાં દરેક સારા ખરાબ અનુભવોને ધૈર્ય દ્વારા સામનો કરવો જોઈએ. ભગવાન ગણપતિનું વાહન ઉંદર છે. જે વ્યક્તિના અભિમાનને નિયંત્રણમાં રાખવાનું સૂચવે છે. જેમ ઉંદરને ભગવાન નિયંત્રિત કરે છે,તેમ માનવીએ પોતાના મનને નિયંત્રિત કરવું જોઈએ. ભગવાન ગણેશના પગ પાસે રહેલો ઉંદર જે માથું ઊંચકીને હાથમાં મોદક લઈને બેસેલો દર્શાવવામાં આવે છે તે માનવીના મન અને તેની ઇચ્છાઓને નિયંત્રણમાં રાખવાનું સૂચવે છે. ભગવાન ગણપતિનો જમણો પગ જે ડાબા પગની ઉપર રહેલો હોય છે તે દર્શાવે છે કે માનવીએ સફળતાપૂર્વકનું જીવન જીવવા માટે પોતાની આવડત અને જ્ઞાનનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ અને પોતાની ભાવનાઓ પર કાબૂ રાખવો જોઈએ.
- મિત્તલ ખેતાણી (મો. 98242 21999)



























































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































