સર્વહિતકારી ગાયનું પંચગવ્ય

પંચગવ્યનું નિર્માણ ગાયના દુધ, દહીં, ઘી, મૂત્ર અને ગોબર(છાણ)નાં પ્રમાણસરનાં સંયોજન વડે કરવામાં આવે છે. પંચગવ્ય દ્વારા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારીને રોગોને દૂર કરી શકાય છે. ગૌમૂત્રમાં પ્રતિ ઓક્સીકરણ (એન્ટિઓક્સીડેશન)ની ક્ષમતાને કારણે વ્યક્તિના ડીએનએ (DNA)ને નાશ પામવામાંથી બચાવી શકાય છે. દુધનો પ્રયોગ વિભિન્ન પ્રકારે ભારતીય સંસ્કૃતિમાં પુરાતન કાળથી મોટા પાયે કરવામાં આવી રહ્યો છે. ઘીનો પ્રયોગ શરીરની ક્ષમતા વધારવા માટે તેમજ માનસિક વિકાસ માટે કરવામાં આવે છે. તે અતિ પવિત્ર મનાય છે. ગાયનું ઘી મનને શાંતિ આપનાર તથા ઉકળાટને દૂર કરનાર છે. દહીંમાં સુપાચ્ય પ્રોટીન તેમજ લાભકારી જીવાણુઓ હોય છે, જે ક્ષુધાને પ્રદિપ્ત કરવામાં સહાયતા કરે છે. દહીં શરીરનાં વાયુના રોગોને મટાડે છે. પંચગવ્યનું નિર્માણ દેશી ગાયો પાસેથી પ્રાપ્ત ઉત્પાદનો દ્વારા જ કરવું જોઇએ.
સૂર્ય નાડીવાળી ગાયો જ પંચગવ્યનું નિર્માણ કરવા માટે ઉપયુક્ત હોય છે. દેશી ગાયો આ શ્રેણીમાં સમાવિષ્ટ થાય છે. આ ગાયોમાંથી મેળવેલાં દ્રવ્યોમાં માનવજાત માટે જરૂરી બધાં તત્ત્વ પ્રાપ્ત થાય છે. મહર્ષિ ચરકના કહેવા અનુસાર ગોમૂત્ર કટુ તીક્ષ્ણ અને કષાય હોય છે. એના ગુણોમાં ઉષ્ણતા, રાષ્યુકતા, અગ્નિદીપક મુખ્ય હોય છે. ગોમૂત્રમાં નાઇટ્રોજન, સલ્ફર, એમોનિયા, કૉપર, લોહ તત્ત્વ, યૂરિક એસિડ, યૂરિયા, ફોસ્ફેટ, સોડિયમ, પોટેશિયમ, મેંગેનીઝ, કાર્બોલિક એસિડ, કેલ્શીયમ, નમક, વિટામિન બી, એ, ડી, ઈ, એન્ઝાઇમ, લેક્ટોઝ, હિપ્પુરિક અમ્લ મુખ્ય રૂપે પ્રાપ્ત થાય છે. યૂરિયા કીટાણુ નાશક છે. પોટેશિયમ ક્ષુધાવર્ધક, રક્તચાપ નિયમનકર્તા છે. સોડિયમ દ્રવ માત્રા તેમજ તંત્રિકા શક્તિનું નિયમન કરે છે. ગાયનાં છાણમાંથી ઓક્સિજન વાયુ મળે છે. તે ઠંડક આપનાર છે. તેથી જ ઘરમાં ભોંયતળિયા પર અને દિવાલો પર ગાયનાં છાણને લીપવામાં આવે છે. કોઈપણ જાતનાં ચામડીનાં વિકારોના નાશ માટે ગાયનું છાણ ખૂબ મહત્ત્વનું માનવામાં આવે છે.
– ડૉ. ગિરીશ શાહ