#Blog

1,11,111 જળ સંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા, બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, સોર્સ ખાડા જેવા સ્ટ્કચર કરવાનો સંકલ્પ સાથે

કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં મળ્યું ગીરગંગાનું જળ સંમેલન: 12 નવા ટાટા હિટાચી મશીનોનું લોકાર્પણ

કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા, પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ, કૃષિમંત્રી રાઘવજીભાઈ, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાની ઉપસ્થિતિ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા થઈ રહેલા જળસંચયના કાર્યોની વ્યાપક પ્રશંસા : જળસંચય માટે જન ભાગીદારી અનિવાર્ય હોવાનો વક્તાઓનો સૂર

આ પ્રસંગે આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીએ આશીર્વચન આપ્યા હતા

     “સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની કમી નથી પણ જળસંચયની વ્યવસ્થાના અભાવે! ખાટલે મોટી ખોટ છે. જળસંચય ન હોવાને કારણે જમીનમાં પાણીના તળ ઊંડા ગયા છે, અને પાણીની ગુણવત્તા પણ બગડી છે. પાણી માત્ર વપરાય રહ્યું છે, તેને બચાવવામાં આવતું નથી. વાસ્તવમાં, અનેક મોટા મોટા ડેમ કરતા પણ જળસંચય માટેની નાની નાની વ્યવસ્થાઓમાં ઓછા ખર્ચે વધુ સંગ્રહ શક્તિ ધરાવે છે. ધનથી પાણી નહીં બચાવી શકાય, પાણી બચાવવા માટે જળસંચય અનિવાર્ય છે. આ માટે દરેક નાગરિકોએ પોતાનું યોગદાન આપવું જોઈએ”, તેમ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ, કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રીશ્રી સી. આર. પાટીલે જણાવ્યું હતું. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ગત શનિવારે સાંજે કાલાવડ રોડ સ્થિત પેરેડાઇઝ હોલ ખાતે યોજાયેલા જળ સંમેલન અને જેટકો અને  પી.જી.વી.સી.એલ દ્વારા ભેટમાં મળેલ 12 ટાટા હિટાચી મશીનના લોકાર્પણ કાર્યક્રમ પ્રસંગે બોલી રહ્યા હતા.

       આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આપણે ભૂતકાળની પાણીની અછત ભૂલી જઈ રહ્યા છીએ અને જળસંચય ન થતું હોવાને કારણે તકલીફો ઊભી થઈ રહી છે. સરકાર મોટા ડેમ બનાવે તો તે માટે ખૂબ મોટી કવાયત અને પૈસાની જરૂર પડે છે. તેથી વધુ પણ આવા ડેમ કાર્યરત કરવા માટે 25 વર્ષ જેટલો સમય લાગે જે હાલના તબક્કે પોષાય શકે તેમ નથી ત્યારે 6 સપ્ટેમ્બર, 2024માં ભારતના વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પાણી બચાવ માટે કરેલા આહવાનનો ગીરગંગા પરિવાર ટ્રસ્ટે અદભુત પડઘો પાડ્યો છે. એનજીઓ દ્વારા થતા જળસંચય અભિયાનના કાર્યમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દેશભરમાં બીજા નંબરે સ્થાન ધરાવે છે.

       ગુજરાતના સાંસદો પણ પોતાની સાંસદ ગ્રાન્ટમાંથી પાણી માટે એક-એક કરોડ રૂપિયા વાપરશે, તેમ જણાવી શ્રી સી. આર. પાટીલે ઉમેર્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણનું જતન કરીને સર્વે જીવોની રક્ષા આપણા લોકોએ પરિવાર સાથે દેશની આર્થીક સમૃધીમાં વધારો કરવો હશે તો જળસંચય કરવું પડશે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ જળસંચય માટે ખરા અર્થમાં વિરાટ કાર્ય કર્યું છે, જે અપેક્ષાથી પણ વધારે છે. ભારત વિશ્વની 18 ટકા વસતી અને 18 ટકા પશુધન ધરાવે છે પણ તેની પાસે વિશ્વનું 4 ટકા પાણી છે, ત્યારે જનભાગીદારીથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘કેચ ધ રેઇન’ના આહવાનથી જમીનમાં ઊંડા ગયેલા પાણીના તળને સપાટી પર લાવી શકાશે.

       શ્રી સી.આર.પાટીલે નિર્દેશ કર્યો હતો કે, દેશના 33 રાજ્યોના 506 જિલ્લાઓમાં કેચ ધ રેઇનનું કાર્ય થઈ રહ્યું છે, પરંતુ દેશના 150 જિલ્લાઓમાં આજે ૫૦૦ થી ૨૫૦૦ ફૂટ ઊંડા તળ સુધી પણ પાણી નથી ત્યારે આ સંદર્ભે વધુ જાગૃતિ કેળવવાની આવશ્યકતા છે. આ કામ ગીરગંગા પરિવાર સુપેરે કરી રહ્યું છે. તેમણે દાતાઓને પણ પોતાની શક્તિ અનુસાર પોતાની કર્મભૂમિમાંથી કમાય ને માતૃભૂમિમાં જળસંચયનું કામ ઉપાડી લેવા માટે અપિલ કરી હતી.

      ઉલ્લેખનીય છે કે, જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ દ્વારા જળસંચયના કાર્ય માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટને 12 નવા ટાટા હિટાચી મશીનો અપાયા છે. આ મશીનોનું લોકાર્પણ અને વિશાળ જળ સંમેલનના અધ્યક્ષ સ્થાને કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી શ્રી. સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા. સમારોહમાં કેન્દ્રીય મંત્રી અને ભાવનગરના સાંસદશ્રી નિમુબેન બાંભણિયાએ પણ હાજરી આપી હતી. આ પ્રસંગે આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીએ આશીર્વચન આપ્યા હતા. કાર્યક્રમમાં પરિવારના માર્ગદર્શક અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા તેમજ અતિથિ વિશેષ તરીકે જેટકોના એમડી શ્રી ઉપેન્દ્ર પાંડે, પી.જી.વી.સી.એલના એમડી શ્રી કેતન જોશી અને યુ.જી.વી.સી.એલ.ના એમડી શ્રી અજય પ્રકાશ હાજર રહ્યા હતા. સમારોહમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી માધવભાઈ દવે અને રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીની માર્ગદર્શક ઉપસ્થિતિ રહી હતી.      કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત તરીકે રાજ્યના કેબિનેટ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, કેબિનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ અતિથિ વિશેષ તરીકે રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમપ્રકાશ, રાજકોટ મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષારભાઈ સુમેરા, રાજકોટ ડીડીઓ શ્રી આનંદુ ગોવિંદ અને રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રીમતી દર્શિતાબેન શાહ તેમજ શ્રી મહેન્દ્રભાઈ પાડલીયા ઉપરાંત રાજકોટના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીનભાઇ ઠાકર, રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અલ્પેશભાઈ ઢોલરીયા, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રવિણાબેન રંગાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

      આ જળ સંમેલનને સંબોધન કરતા રાજ્યના કેન્દ્રીય કેબિનેટ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, જળસંચયનું કાર્ય ભગીરથ છે. જમીનના તળ સાજા થાય તે માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ જળસંચયનું કાર્ય ઉપાડી લે તો આ કાર્ય સરળ બની શકે તેમ છે. પાણી બનાવી શકાતા નથી ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ભાવી પેઢી માટે કેચ ધ રેઇનનું આહવાન કર્યું છે, તેમાં જોડાઈને જળ બચાવવાના યજ્ઞમાં દરેક નાગરિકોએ પોતાની આહુતિ આપવી અનિવાર્ય છે. તો જ આપણે જળસમૃદ્ધ બની શકીશું.

      આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ ગીરગંગા પરિવાર અને પરિવારના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, વડાપ્રધાનનો સંકલ્પ એ આપણો સંકલ્પ છે. આવનારા દિવસોમાં જળસંચયનું કાર્ય વધુને વધુ મજબૂતીથી થાય અને તેમાં જન ભાગીદારીનું પ્રમાણ વધે તેવી તેમણે અપેક્ષા વ્યક્ત કરી હતી. આ સમારોહમાં રાજ્યના કેબિનેટ પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ નિર્દેશ કર્યો હતો કે, જળ એ જ જીવન છે, એ ઉક્તિને ગીરગંગા પરિવાર ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહ્યો છે. એક સમયે સૌરાષ્ટ્રમાં ઉનાળામાં પીવાના પાણી માટે પણ ફાંફા મારવા પડતા હતા. આ પરિસ્થિતિમાંથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચતું થયું છે. વર્તમાન રાજ્ય સરકાર પણ જળસંચય માટે હજારો કરોડ રૂપિયાના કાર્યો કરી રહી છે. આમ છતાં, આ કાર્ય લોક ભાગીદારીથી થાય અને દાતાઓનો સહયોગ મળે તે પણ અનિવાર્ય છે. શ્રી બાવળિયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના કાર્યોના પોતે સાક્ષી હોવાનું અને અદભુત કાર્ય થઈ રહ્યું હોવાનું જણાવ્યું હતું

       સમારોહમાં આશીર્વચન આપતા આર્ષ વિદ્યામંદિર, રાજકોટના સ્વામી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીએ જણાવ્યું હતું કે, બેટી બચાવો, સ્વચ્છતા અભિયાન જેવા અભિયાનોથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દુનિયાભરમાં સંદેશ આપ્યો છે કે પ્રજા સ્વયં કોઈ અભિયાનમાં નેતૃત્વ લે તેનું પરિણામ અલગ પ્રકારનું હોય છે. જળસંચય અભિયાનમાં પણ વડાપ્રધાનનો આજ અભિગમ છે, અને આ અભિગમથી જ ભારત વિશ્વ ગુરુ બનશે. સૌરાષ્ટ્રનું ગીરગંગાનું જળસંચય અભિયાનનું મોડેલ દેશભર માટે આદર્શ છે. ગીરગંગાના માધ્યમથી જળસંચય ક્ષેત્રે ખૂબ મોટું કાર્ય થઈ રહ્યું છે.

      કાર્યક્રમના પ્રારંભે પૂર્વ ભૂમિકા આપતા ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખીયાએ વરસાદનું એક ટીપું પાણી પણ દરિયામાં ન જાય તે માટે જનજાગૃતિ કેળવવા અને જળસંચયના કાર્યો કરવા પ્રતિબંધતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખૂબ વરસાદ પડે છે પરંતુ મુશ્કેલી એ છે કે આ વરસાદનું 80 ટકા જેટલું પાણી જળસંચયના અભાવે દરિયામાં વહી જાય છે અને પરિણામ સ્વરૂપ સૌરાષ્ટ્રએ નર્મદા પર નિર્ભર રહેવું પડે છે. એક સમયે 50 ફૂટ ઊંડે હતા તે પાણીના તળ હવે એક થી બે હજાર ફૂટ ઊંડે જતા રહ્યા છે, ત્યારે દરિયામાં વહી જતા આ પાણીનો સંચય કરવા માટેની વ્યવસ્થા ઊભી કરી સ્વનિર્ભર બનવું પડશે.

     આ પ્રસંગે શ્રી દિલીપભાઈ સખીયાએ દરેક જીલ્લા અને તાલુકામાં  1,11,111 જળ સંચય માટેના ચેકડેમ રીપેરીંગ, ઊંચા, ઊંડા તેમજ નવા બનાવવા, બોર-કુવા રીચાર્જ, ખેત-તલાવડી, સોર્સ ખાડા જેવા સ્ટ્કચર કરવાનો સંકલ્પ સાથે  દરેક જીલ્લા અને તાલુકાને હરિયાળું બનાવવા માટે ભગીરથ કાર્ય કરવું પડશે, જેમાં જનભાગીદારીની આવશ્યકતા છે.

       ગીરગંગા પરિવાર ટ્રસ્ટને જળસંચય માટે 12 નવા હિટાચી મશીનના લોકાર્પણ માટે આ પ્રસંગે જેટકો, પી.જી.વી.સી.એલ અને યુ.જી.વી.સી.એલ.ના એમડીને શ્રી સી. આર. પાટીલના હસ્તે શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

           આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખશ્રી દિલીપભાઈ સખીયા, પ્રકૃતિ પ્રેમી દિનેશભાઈ પટેલ, જમનભાઈ ડેકોરા, પ્રતાપભાઈ પટેલ, વીરાભાઈ હુંબલ, રમેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ જાની, કૌશિકભાઈ સરધારા, વસંતભાઈ લીંબાસીયા, ગોપાલભાઈ બાલધા, સંજયભાઈ ટાંક, મનીષભાઈ માયાણી, ગીરીશભાઈ દેવળીયા,સુરેશભાઈ દેસાઈ, ભરતભાઈ ટીલવા, ડૉ.કાંતિ ઠેસિયા, ડો. દેવાંગીબેન મૈયડ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

     સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સંચાલન શ્રી શૈલેષભાઈ જાનીએ કર્યું હતું, જ્યારે સમારોહની આભાર વિધિ રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશીએ કરી હતી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *