વિશ્વ શાંતિ, સદભાવના અને અહિંસા ક્ષેત્રે શ્રેષ્ઠ યોગદાન બદલ આચાર્ય લોકેશજીને મેયર દ્વારા સન્માન
પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ અને અહિંસા વિશ્વ ભારતી તથા વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક જૈન આચાર્ય લોકેશજીને કેલિફોર્નિયાના મિલપીટાસ શહેરની મેયર કારમેન મોન્ટાનો અને ફ્રેમોન્ટના મેયર રાજ સલવાન દ્વારા ઔપચારિક પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન તેમને વિશ્વ શાંતિ, વૈશ્વિક સદભાવના અને માનવ મૂલ્યોના પ્રસાર માટે જીવનભર આપેલા યોગદાન માટે આપવામાં આવ્યો હતો. સન્માન સ્વીકારીને આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે આજના યુગમાં શાંતિ, સદભાવના અને અહિંસાની સૌથી વધુ જરૂર છે. જ્યારે વિશ્વ યુદ્ધ, હિંસા, હવામાન પરિવર્તન અને સામાજિક અસમાનતા જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે માનવતાવાદી મૂલ્યોને અપનાવવું ખૂબ આવશ્યક છે. તેમણે કહ્યું કે જન પ્રતિનિધિઓ, ધાર્મિક નેતાઓ અને સામાજિક કાર્યકરો સાથે મળીને દુનિયાને વધુ સારા સ્થાને પરિવર્તિત કરી શકે છે. આ અવસરે આચાર્ય લોકેશજીએ ગુરુગ્રામ (દિલ્હી-એનસીઆર), ભારત ખાતે અહિંસા વિશ્વ ભારતી દ્વારા શરૂ કરાયેલા “વર્લ્ડ પીસ સેન્ટર” વિષે પણ માહિતી આપી, જે માનવ કલ્યાણ, પર્યાવરણ રક્ષણ, શાંતિ, સદભાવના અને અહિંસા માટે કાર્ય કરી રહ્યું છે. મિલપીટાસની મેયર કારમેન મોન્ટાનો અને ફ્રેમોન્ટના મેયર રાજ સલવાને પ્રશંસાપત્ર આપતાં કહ્યું કે આચાર્ય લોકેશજીએ સમાજમાં સામાજિક સુધારણા, અહિંસા અને પરસ્પર સહયોગ માટે સતત કામ કર્યું છે અને શાંતિ શિક્ષણ ક્ષેત્રે તેમનું યોગદાન અદ્વિતીય છે. આ પ્રસંગે પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઇડેનના સલાહકાર શ્રી અજય ભુટોરિયા અને મિલપીટાસ સિટી પ્લાનિંગ કમિશનના સભ્ય દીપક હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું કે આચાર્ય લોકેશજીએ સમગ્ર વિશ્વમાં ભારતીયોનું ગૌરવ વધાર્યું છે.