શિયાળાની ઠંડીમાં ધાબળા અને ટોપી વિતરણ શરુ.

- શિયાળાની ઠંડીમાં ધાબળા અને ટોપી વિતરણ શરુ.
- દર વર્ષની માફક,આ વર્ષે પણ,રાજકોટ તથા આસપાસમાં કડકડતી ઠંડીમાં રક્ષણ આપવા સેવાનો કર્તવ્યયજ્ઞ
- અત્યાર સુધીમાં 700 ધાબળા, 1000 ટોપી, અન્ય ગરમ કપડાઓનું, અઢી લાખથી વધુનાં માતબર ખર્ચે વિતરણ કરાયું
- માનવ સેવા એજ પ્રભુ સેવા : સૌ કોઈ પોતપોતાનાં ગામ/શહેરોમાં આ પ્રકારનું અભિયાન શરૂ કરે તેવી વિનંતી
- સેવાની નાનકડી તક આપવા બદલ દાતા પરિવાર વતી, ભગવત સ્વરૂપ જરૂરિયાત મંદ પરિવારોનો આભાર.
રાજકોટ, સિવિલ હોસ્પિટલ, એસ.ટી.બસ સ્ટેન્ડ, રેલ્વે, મેટોડા, શાપર, આજી તેમજ અનેક ઝૂંપડપટ્ટીઓમાં ખુલ્લા મેદાનમાં, ફૂટપાથ પર, સીમમાં ઓઢ્યા વગર સુતેલા હોય તેવા લોકોને શિયાળાની કડકડતી ઠંડીમાં મધરાતે ફૂટપાથ પર સૂતેલા અને હાઇવે પર ઝૂપડા બાંધી રહેતા અનેક દરિદ્ર નારાયણો, બાળકો, વડીલો સૌ ને ઠંડીથી રાહત-રક્ષણ અપાવવાના ભાગરૂપે દાતા પરિવારના સહયોગથી વિના મૂલ્યે ધાબળા, ટોપીનું જે તે સ્થળ પર જઈને વિતરણ કરાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં અઢી લાખથી વધુનાં માતબર ખર્ચે વિતરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 700થી વધુ ધાબળા, 1000થી વધુ ટોપી, અન્ય ગરમ કપડાઓનું વિતરણ કરવામાં આવ્યું છે. ‘માનવ સેવા એજ પ્રભુ સેવા’ સંદર્ભે સૌ કોઈ પોતપોતાનાં ગામ/શહેરોમાં આ પ્રકારનું અભિયાન શરૂ કરે તેવી વિનંતી કરવામાં આવી છે.
થોડાં દિવસથી ઠંડી સખત પડે છે.આપણે તો ઘરમાં ચાર દિવાલમાં હીટર ચાલુ હોય, બ્લેન્કેટ-ગોદડા ઓઢીને સુતા હોઈએ છીએ,બહાર નીકળીએ તો પણ ગરમ મોજા, સ્વેટર, ટોપી, મફલર કે શાલ ઓઢી હોય છે અને છતાં ‘બહુ ઠંડી’ પડે છે એમ બોલાઈ જતું હોય છે. આવા સમયે આવી હાડ થીજવતી કાતિલ ઠંડીમાં જેમને ‘ઉપર આભ નીચે ધરતી છે’ તેવા ફૂટપાથ પર ઓફીસ કે દુકાનના ઓટલા પર ખુલા મેદાનમાં કે બાંધકામની ચાલતી સાઇટ પર ઓઢવાનું તો એક બાજુ રહ્યું પણ પાથર્યા વગર સુતેલ સમાજના આપણા જરૂરતમંદ કુટુંબોની વહારે ચડવાનો આ પ્રયત્ન છે. નવજાત શિશુઓને પણ ગરમ કપડાં હોસ્પિટલોમાં આપવામાં આવે છે. આર્થિક પછાત વિસ્તારો, શાળાઓમાં પણ બાળકોને ગરમ કપડાં અપાવામાં આવે છે.
આ કાર્ય માટે જો કોઈને ત્યાં જુના, વાપરવા લાયક ગરમ કપડાં કે નવા કપડાં હોય અને તેનું અનુદાન આપવું હોય તો તેનો પણ સ્વીકાર કરવામાં આવશે. આ અંગે વધુ માહિતી માટે મિત્તલ ખેતાણી – રાજકોટ. (મો.9824221999) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































